Abtak Media Google News

અગાઉથી રેકોર્ડ કરાયેલા વિવિધ વિષયોના પાઠ ‘જીનીયસ કનેકટ’ યુ-ટયુબ ચેનલ ઉપર પ્રસારીત થાય છે

રાજકોટની જાણીતી જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ હંમેશા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દરેક પરિસ્થિતીમાં માર્ગદર્શન પુરુ પાડવા કટીબધ્ધ રહે છે. વર્તમાન કોરોના અંગેની કટોકટીભરી સ્થિતીમાં તમામ શહેરો અને દેશ જયારે લોકડાઉન છે અને તમામ શાળાઓ બંધ હોવાના પગલે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે જીનિયસ ગ્રુપ દ્વારા નવતર અભિગમ અપનાવી સંસ્થાના ૧૦૦થી વધુ શિક્ષકો દ્વારા તેમના ઘરેથી જ ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી ભણાવવામાં આવી રહ્યા છે. આ સિસ્ટમના માધ્યમથી સંસ્થાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને લોકડાઉન દરમ્યાન ઘરમાં જ રહેવા અને બીન જરુરી બહાર ન જવા અંગે પણ સમજણ આપવામાં આવી રહી છે, જેથી સરકાર દ્વારા કરવામાં આવેલ અનુરોધનુ અસરકારક રીતે પાલન થાય. શિક્ષકો દ્વારા અગાઉથી જ વિદ્યાર્થીઓને વિષય, પાઠ, સમય અને પ્રવૃતિઓ વિશે મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ સંજોગોને ગંભીરતાથી સમજીને શિક્ષકોએ આપેલ નિર્દેશ અનુસાર સમયસર અભ્યાસના કાર્યક્રમને અનુસરે છે, જે આ પ્રયોગની સફળતાનુ મુખ્ય પાસુ છે. આ ઓનલાઇન અભ્યાસને વધુ રસપ્રદ બનાવવા માટે શિક્ષકો દ્વારા જનરલ નોલેજ, કરન્ટ અફેર્સ અને સ્કીલ ડેવલપમેન્ટ જેવા વિવિધ પાસાઓને પણ વણી લેવામાં આવે છે.

આ ઉપરાંત શાળા સંકુલમાં આધુનિક તકનીક અને સાધનોથી સજ્જ  મિડીયારુમની સુવિધા પણ છે. અહિં સંસ્થાના જે-તે વિષયોનાં નિષ્ણાત શિક્ષકો દ્વારા વર્ષ દરમ્યાન અભ્યાસક્રમ  આધારીત વિવિધ વિષયોના પાઠના રેકોર્ડીંગ કરવામાં આવે છે, જે સમયાંતરે જીનિયસ સ્કૂલની યુ-ટ્યુબ ચેનલ જીનિયસ કનેકટ ઉપર પ્રસારીત કરવામાં આવે છે. જેની મદદથી વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ ઉપરાંત જે-તે વિષયના કોઇપણ ટોપીકના પુનરાવર્તન માટે કે ફરી સમજવા માટે સહાયક બને છે.

આ કાર્યક્રમની સફળતા માટે જીનિયસ ગ્રુપના ચેરમેન ડી વી મહેતા, સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં જીનિયસ સ્કૂલના સેકશન હેડ શ્રીકાંત તન્ના, કાજલ શુકલ, હિના દોશી, તેમજ જય ઇન્ટરનેશનલ સ્કૂલના સેકશન હેડ વિપુલ ઘન્વા, અને પ્રજ્ઞાબેન દવે અને ૧૦૦ થી વધુ શિક્ષકોની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.