Abtak Media Google News

રિવર્સ ચાર્જ હટાવવાની માંગણી પૂર્ણ ન થતા સૌરાષ્ટ્રભરના જીનર્સ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા: ખેડૂતો પરેશાન

તાજેતરમાં જ જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં એગ્રોકોમોડિટીની આઈટ્મસમાંથી ફકત કપાસ ઉપર લાદવામાં આવેલ રિવર્સ ચાર્જ મીકેનિઝમનો વિરોધ સૌરાષ્ટ્ર જીનર્સ એશોસિએશન દ્વારા કપાસમાંથી રિવર્સ ચાર્જ રદ્દ કરવા અથવા યોગ્ય નિરાકરણ લાવવા માટે જીએસટી કાઉન્સિલમાં રજૂઆત કરાઈ હતી અને આજરોજ સુધીની મુદ્દત આપવામાં આવી હતી. પરંતુ સરકારે માંગણી ન સંતોષતા જીનર્સ હડતાળ ઉપર ઉતરી ગયા છે.

રાજકોટના યાર્ડમાં ખેડૂતો માટે કપાસ વેચવાનું એક માત્ર કેન્દ્ર હડતાલ ઉપર ઉતરી ગયું છે. જેથી સૌથી વધારે હાલાકી ખેડૂતોને ભોગવવી પડશે અને જો આ હડતાલ લાંબો સમય સુધી ચાલશે તો કપાસ સુકાઈ જવાથી ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે જે ખેડૂતો માટે ખુબ જ મુશ્કેલીભર્યું વાતાવરણ ઉભુ કરશે.

આજથી રાજકોટ બેડી યાર્ડ ખાતે કપાસની આવક સંપૂર્ણપર્ણે અટકાવી દેવામાં આવી છે અને ખેડૂતોને પોતાનું ઉત્પાદન લઈને ન આવવાની જાણ કરી દેવામાં આવી છે. જેથી ખેડૂતો પણ રઝળી ગયા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

આ વિશે કપાસનું વેંચાણ કરવા આવેલા બહારગામના ખેડૂતો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ખુબ જ વિકટ પરિસ્થિતિ ખેડૂતો માટે આવી ગઈ છે. અહિંયા હું હાલ મારું ઉત્પાદન લઈને આવ્યો છું પરંતુ ખરીદનાર કોઈ જ નથી. અમારા જીવનના ગુજરાન માટેનો એકમાત્ર સ્ત્રોત ખેતી છે અને તેમાં આ વર્ષે કપાસનું વાવેતર હતું પરંતુ વેચાણની સમસ્યા ઉભી થઈ છે.

હવે આ સમસ્યાનો નિવેડો કેમ આવશે તે નથી સમજાતું. ગત વર્ષની પરિસ્થિતિ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, ગત વર્ષે પણ નોટબંધીના કારણે કપાસમાં હડતાલ સર્જાઈ હતી અને ખેડૂતોને ખુબ જ હાલાકી ભોગવવી પડી હતી. અને આ વર્ષે જીએસટી નડી રહ્યું છે. તેમણે નિકાલ વિશે પુછાતાં જણાવ્યું હતું કે, સરકારે આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ અને તે પણ ટૂંકા સમયગાળા નિવેડો આવવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો નિવેડો નહીં આવે તો ખેડૂતો પણ આંદોલન કરશે અને અન્નદાતા રસ્તાઓ ઉપર ઉતરશે.

હડતાલ વિશે સૌરાષ્ટ્ર જીનર્સ એશોસીએશનના જોઈન્ટ સેક્રેટરી હિતેશ ‚ધાણીએ ‘અબતક’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર એગ્રોકોમોડિટીમાં ફકત કપાસ પર જ રિવર્સ ચાર્જ લાદવામાં આવ્યો છે જે હાલ ૫ ટકા રાખવામાં આવ્યો છે. રિવર્સ ચાર્જની સિસ્ટમમાં ખરીદી સમયે જ અમારે ૫ ટકા જીએસટી ચુકવવાનો રહેશે અને તે રકમ રિફન્ડેબલ છે પરંતુ વેચાણના ૪૫ દિવસ બાદ રિફન્ડ મળે છે. જયારે ૪૫ દિવસ સુધી અમારી મુડી ફસાય જાય છે જેમાં વેપાર કરવો અમારા માટે ખૂબ જ મુશ્કેલીભર્યું છે જેથી અમે સરકારને રજૂઆત કરી હતી અને નિવેડો લાવવા ક્હ્યું હતું. પરંતુ કોઈ પણ ઉકેલ ન આવતા આજથી અમે હડતાલ પાડી છે.

તેમણે મુખ્ય માંગણી વિશે કહ્યું હતું કે, રિવર્સચાર્જ સિસ્ટમમાં વેપાર કરવું મુશ્કેલ છે. તેથી રિવર્સ ચાર્જ મિકેનિઝમ રદ કરવામાં આવે અથવા તો યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. તેમણે ખેડૂતોની હાલાકી વિશે જણાવતા કહ્યું હતું કે અમે એક સપ્તાહ અગાઉ ખેડૂતોને જાણ કરી હતી કે, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શકયતા છે અને ફકત ખેડૂતોને નહીં અમારે પણ ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.