Abtak Media Google News

ચરેઠાની ટોકરી નદીમાં અગાઉ પણ કંપનીએ ઝેરી પ્રદૂષિત પાણી છોડતા GPCBએ નોટીસ આપી હતી

માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે કાર્યરત જી.આઇ.પી.સી.એલ.  કંપની દ્વારા ગંદુ પ્રદુષિત પાણી ચરેઠા ગામેથી પસાર થતી ટોકરી નદીમાં છોડતા પાણીનો કલર બદલાવા સાથે  માછલી – દેડકા- કાચબાઓના મોત થઇ રહ્યાં છે. અગાઉ જીપીસીબીએ કંપનીને કારણદર્શક નોટીસ પણ ફટકારી હતી.

માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે આવેલી જી.આઇ.પી.સી.એલ. કંપનીની માંગરોલ લિગ્નાઇટ માઇન્સની નજીકથી ચરેઠા ગામે થઇ ટોકરી નદી પસાર થાય છે. કંપની પોતાના પ્લાન્ટનું ઝેરી  પ્રદૂષિત પાણી આ ટોકરી નદીમાં છોડે છે. જેથી નદીનું પાણી વપરાશ કે પીવા માટે યોગ્ય રહેતું નથી. હાલમાં નદીમાં ઝેરી પાણી છોડતા માછલા- દેડકા- કાચબા સહિતના જળચર જીવો મૃત્યુ  પામ્યા છે. સાથે જ નદી કિનારાની વનસ્પતિઓ પણ મરણ પામી છે. વળી ચોમાસાની મોસમમાં નહેરો બંધ હોવાથી બળદ- ગાય- ભેંસ- બકરા જેવા પ્રાણીઓને પીવાનું પાણી પીવડાવવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે.

ગ્રામજનો માટે પીવાના પાણી માટે ટોકરી નદીનાં કિનારે પાણીનો બોર કરેલો છે પરંતુ નદીનું પાણી પ્રદૂષિત થતાં બોરનું  પાણી પણ પીવાલાયક રહ્યું નથી. આ પ્રશ્ને ઘણાં વર્ષોથી રજૂઆતો કરવામાં આવી છે છતાં આ કંપનીનાં અધિકારીઓ કોઇપણ કાયદા કે નિયમને ગણકારતા નથી. ગ્રામજનોએ હાલમાં પુન: જિલ્લા કલેકટર, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જમીન સંપાદન અધિકારીને રજૂઆત કરી આ સ્થળની રૃબરૃ મુલાકાત લેવા જણાવ્યું છે, સાથે જ કંપની પોતાનું ગંદુ પાણી આ નદીમાં નહીં છોડે તે માટે યોગ્ય હુકમ કરવા માંગ કરી છે.

અગાઉ આ પ્રશ્ને ગુજરાત રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગરને ફરિયાદ કરાઇ હતી ત્યારે સ્થાનિક પ્રદુષણ નિયંત્રણ કચેરી દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી છે. જેમાં માઇન્સ (ખાણ)માં ભરાયેલું પાણી કંપની પ્લાન્ટેશન અને વોટર સ્પ્રીનક્લીનીંગમાં વાપરે છે અને વધારાનું પાણી નજીકનાં નાળામાં છોડવામા આવતું હોવાનું જણાયેલ છે.

આ પાણી આગળ જઇ ટોકરી નદીનાં પાણીમાં ભળે છે. જેથી કંપનીએ બોર્ડે આપેલી મંજુરીની પૂર્તતા નહીં કરેલી હોય કંપનીને તે સમયે કારણદર્શક નોટીસ પણ પાઠવવામાં આવી હતી છતાં કંપનીનાં અધિકારીઓ ગંદુ પાણી નદીમાં છોડવાનું બંધ કરતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.