Abtak Media Google News

હવે…પ્રેમ પણ સંભાળપૂર્વક કરવા જેવો…

આજના પ્રેમમાં ‘પ્રેમ’ હોતો જ નથી, અમુક અપેક્ષા અને ઇચ્છાના સંતોષ ખાતર જ બધા નાટકો થાય છે: જે દેખાય છે એ ક્યારે સાચું નથી હોતું: અલગ રહીને પણ જોડે રહેવું એ જ સાચો પ્રેમ છે

આજના યુવાનોમાં ફિલ્મી લવેરીયા અને ફ્રેન્ડશીપના નામે થતાં પ્રેમ બહું લાંબા ટકતા નથી: છોકરા કરતાં છોકરી બહું ઝડપથી વિશ્વાસ મુકી દેતા મુશ્કેલી પડે છે

દુનિયામાં મા-બાપ અને પરિવાર જેટલો પ્રેમ કોઇ ન આપી શકે તે વાતની સમજ સાથે યુવાવર્ગે પ્રેમની પરિભાષા સમજવી પડશે

“તુમ્હારા ચાહને વાલા ખુદા કી દુનિયા મે, મેરે સિવા ભી કોઇ ઔર હો…ખુદા ન કરે” વર્ષો પહેલા આ જુની ફિલ્મના ગીતોના શબ્દો બરોબર આજની યુવા પેઢીને લાગુ પડે છે. બધા જ પ્રેમીઓને એમ જ હોય કે એ મારી કે મારો છે પણ એ સમય આવ્યે ખબર પડતાં જ જોયેલા સપના ચકનાચૂર થઇ જાય છે. પવર્તમાન સમયમાં છોકરીએ સૌથી વધુ સંભાળ રાખવી પડશે કારણ એકવાર મુશ્કેલી કે નામ ચડ્યું તો પરિવારમાં વગોવાય જવાથી લગ્ન કરવામાં ઘણી મુશ્કેલી પડે છે.

Advertisement

આજની દુનિયામાં ‘પ્રેમ’ પણ સંભાળપૂર્વક કરવાનો સમય આવી ગયો છે. પુરૂષ પ્રધાન આપણાં દેશમાં છોકરી કરતાં છોકરાને વિશેષ છૂટ મળે છે અને મિત્ર-સંગતને કારણે તે થોડો તૈયાર પણ હોવાથી પ્રેમનું નાટક કરીને છોકરીની જીંદગી બગાડી શકે છે. છોકરીઓને પારિવારિક પ્રેસરના માહોલમાંથી નીકળવા બહાનારૂપે કોલેજ-ટ્યુશન કે બહેનપણીના ઘરે જવાના સમયે મુગ્ધાવસ્થાની સમસ્યાને કારણે તે ઝડપથી વિજાતીય પાત્ર સાથે આકર્ષિત થઇ જાય છે અને તેને સારા-નરસાની પરિભાષાની સમજ ન હોવાથી ઝડપથી ફસાઇ જાય છે.

Love Couple 2

આજના યુવાવર્ગમાં ટીવી-ફિલ્મો જોઇને તેના જેવો પ્રેમ અને ફ્રેન્ડશીપ કરવી ગમતી હોવાથી તે ઝડપથી એ કરવા પ્રેરાય છે. મોટાભાગે આવા પ્રેમ સંબંધ લાંબા ટકતા નથી. હવે તો લવ મેરેજ પણ ક્યાં લાંબા ટકે છે, પ્રારંભમાં બધુ જ સારૂ લાગતું એ પાત્ર લગ્ન બાદ સત્ય હકિકત બહાર આવતાં જે ફ્યુચર વિચારેલ હતું તેજ પડી ભાંગતા નિરાશા હાથ લાગે છે. છોકરા કરતાં છોકરી બહું ઝડપથી વિશ્ર્વાસ કે સાચી-ખોટી વાતોમાં આવી જાય છે, પણ એક વાત આજના યુવાનોને સમજવી જોઇએ કે દુનિયામાં મા-બાપ અને પરિવાર જેટલો પ્રેમ ક્યારેય કોઇ ન આપી શકે.

આજના યુવાનો કે યુવતી વસ્ત્રો, ફોરવ્હીલ, પૈસા વાપરવા, મોજ-શોખ, હોટલમાં જમવા જવું કે ઘણી સામાન્ય વાતથી પણ પ્રભાવિત થઇ જતાં જોવા મળે છે. જો કે આ જીવન નથી તે વાત તેને સમજાતી નથી. કોલેજ શિક્ષણ લેતા છાત્રો વિજાતીય આકર્ષણને કારણે નજીક આવીને તમામ છૂટછાટો લેવા લાગે ત્યારે ‘પ્રેમ’ નષ્ટ થઇને માત્ર સ્વાર્થના સંબંધો રહી જાય છે. ફોનના રિચાર્જ જેવી રકમ સહાયમાં પણ કેટલાક યુવાનો છોકરીઓને પટાવી લેતા જોવા મળે છે. આજની દુનિયામાં થતાં આવા નાટકો બાબતે છોકરીઓએ જાગૃત થવું જ પડશે. કારણ કે છોકરાને ફેર પડશે નહી પણ છોકરીઓની જીંદગી બગડી જાય છે.

આજના પ્રેમમાં ‘પ્રેમ’ હોતો જ નથી, માત્ર સ્વાર્થ જ અને અપેક્ષા-ઇચ્છાઓ હોય છે. જે સંતોષાતા આવા સંબંધનો અંત આવી જાય છે. આજના પ્રેમ સંબંધો વાસનાના કિડા જ છે, અણી શુધ્ધ પ્રેમની યુવાધનને ખબર નથી. પ્રેમ-હુંક અને લાગણી આ ત્રણ વસ્તું તરૂણાવસ્થા ન મળે કે ઓછી મળે તો એ તરૂણો કે તરૂણી એ શોધવા બીજે ધ્યાન કેન્દ્રીત કરે છે અને શરૂ થાય છે. એક આંધળી દોટ એટલે જ આ ઊંમરનાં પ્રેમ કે લવને ‘આંધળો’ કહ્યો છે. હોસ્ટેલ કે કોલેજમાં શિક્ષણ તો ઠીક પણ મોજ-શોખ-આનંદ પોષવાનું સ્થળ બની ગયું છે.

યુવાનીમાં પ્રેમમાં સફળતા અને નિષ્ફળતા બન્ને જોવા મળે છે. પ્રેમમાં પડવું અને પ્રેમમાં નિષ્ફળતાથી દુર રહેવું. આ બે વચ્ચે જમીન-આસમાનનો ફેર છે. પ્રેમમાં પોતાના પાત્રની પસંદગી સમજપૂર્વક કરવાથી નિષ્ફળતા નથી આવતી. પ્રેમ આપવાથી જ પ્રેમ મળતો હોય છે. બે વિજાતીય પાત્રો આભાષી પ્રેમના વમણમાં ભેગા થાય પણ જીવનની રીયાલીટી સમજાય ત્યારે એ ‘ભંગ’ થાય છે. આજે તો પ્રેમમાં પણ સ્પર્ધા જોવા મળે છે. સુંદર છોકરીના પ્રેમમાં કોણ પડશે કે તેને પટાવશે? મોટાભાગે આવા કિસ્સામાં સાદા માણસો (યુવાન)વધુ જોવા મળે છે. કારણ કે તેનામાં ઉન્નત અને ચિરસ્થાયી પ્રેમ જોવા મળે છે. પ્રેમ અને સંબંધ યુઝ એન્ડ થ્રો માટે નથી, પણ જીવનભરનો સંગાથ છે.

રિલેશનશિપ : ઇટ્સ ‘કોમ્પ્લિકેટેડ’

સંબંધમાં પ્રેમ જેટલું જ મહત્વ તેની પારદર્શિતાનું જોવા મળે છે. ગમવું અને ચાહવું આ બે શબ્દોમાં ફેર છે. આપણા જીવનમાં આપણને ગમતી વ્યક્તિ આપણને ચાહતી જ હોય એવું ન પણ હોય. રિલેશનશિપ હમેંશા ‘કોમ્પ્લિકેટેડ’ જ હોય શકે એવું નથી. પ્રેમ તકવાદી કે તકલાદી હોય તે ક્યારેય ટકતો નથી કારણ તેમાં નર્યો સ્વાર્થ હોય છે. આજના પ્રેમ સંબંધોને ‘પ્રેમ’ કહેવાય જ નહી તે માત્ર સ્વાર્થ ખાતર ભેગા થયેલા બે વિજાતીય પાત્રો જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.