Abtak Media Google News

સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસિએશનની નાણામંત્રીને રજૂઆત

લોકડાઉન બાદ દેશભરમાં સ્થાનિક ગ્રાહકોની માંગ બહુ અલ્પ છે ત્યારે બજારમાં માંગ વધારવા માટે ગરીબો,ખેડૂતો, શ્રમિકો અને મઘ્યમ વર્ગીય પરિવારોને કેશ ડોલ્સ આપવા સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસિએશને નણામંત્રીને રજુઆત કરી છે. એમ.એસ. એમ. ઇ. સેકટરને સરકારે લોન સહીતની ફાળવણી કરી છે તેનું યોગ્ય મોનીટરીંગ  કરવા પણ સોમાએ માંગણી કરી છે.

સૌરાષ્ટ્ર ઓઇલ મીલ્સ એસોસિએશનના પ્રમુખ સમીરભાઇ શાહે નાણામંત્રી નિર્મલા સીતારામનને આવેદન પત્ર પાઠવી જણાવાયું છે કે દેશમાં નાણાકીય વ્યવસ્થા ખોડંગાઇ હતી તેમાં પણ દેશમાં કોરોનાનો કહેર વધતા અર્થ વ્યવસ્થાને ખુબ જ માઠી અસર થઇ છે. દેશના અર્થતંત્રમાં પ્રાણ પુરવા માટે સરકાર દ્વારા ર૦ લાખ કરોડના આર્થિક પેકેજ આપી પ્રયાસ કરાયા છે પણ આ સહાય છતાં લોકોની માનસિકતા બદલાઇ નથી અને બજારમાં માંગમાં વધારો થયો નથી, બજારોમાં ધરાકી દેખાતી નથી. લોકો પાસે નાણા આવે તો જ બજારમાં ખરીદી થાય અને માંગમાં વધારો થાય લોકોની ખરીદી શકિત વધે તો જ બજારમાં માંગ ઉભી થાય.

હાલના સમયમાં બજારમાં માંગ ઉભી કરવા માટે ગરીબો,ખેડૂતો,શ્રમિકો અને મઘ્યમ વર્ગના લોકોને કેશ ડોલ્સ ચૂકવવામાં આવે તે એક જ ઉપાય છે. વિશ્ર્વના કેટલાક દેશોએ કોરોનાના કહેર વચ્ચે આવી આર્થિક  સહાય ચૂકવી છે ત્યારે આપણે પણ લોકોના હાથમાં નાણા આવે તે માટે ગરીબો, શ્રમિકો ખેડૂતો અને મઘ્યમ વર્ગના લોકોને કેશ ડોલ્સ ચૂકવવી જોઇએ.

સરકારે ર૦ લાખ કરોડના રાહત પેકેજ જાહેર કરવા છતાં પણ બજારમાં ખરીદી દેખાતી નથી માંગ દેખાતી નથી આથી લોકોની માનસિકતા બદલવા લોકોની ખરીદ શકિત વધે તે માટે કેશડોલ્સ ચૂકવવી જોઇએ.

આ ઉપરાંત હાલમાં દેશની બેંકો પણ આર્થિક મુશ્કેલીમાં છે જેથી સરકારે જાહેર કર્યા મુજબ એમએસએમઇને જામીનગીરી વગર ૩ લાખ કરોડ ‚પિયાની લોન આપવા બેંકો આગળ નહી આવે એથી આવી લોન બેંકો દ્વારા વિતરણ કરવામાં આવે તેના પર ભાર મુકવો જોઇએ અને બેંકોએ કેટલી લોન આપી? તેનું પણ મોનીટરીંગ કરવું જોઇએ જેથી નાના ધંધાર્થીઓને રાહત થાય. આ બાબતે તાત્કાલીક યોગ્ય કરવા તથા તેની જાહેરાત કરવા પણ સોમાએ નાણામંત્રીને રજુઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.