Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જિલ્લા  ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈની મુદાસરની રજુઆત

મોરબી નગરપાલિકાના વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન(મહા નગરપાલિકા)માં તબદીલ કરવા જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ માંગણી કરી મોરબી માટે વિકાસના દ્વારા ખોલવા રજુઆત કરી છે.

મોરબી જિલ્લા ભાજપ મીડિયા સેલના વિજયભાઈ લોખીલે આ રજુઆત સંદર્ભે જણાવ્યું હતું કે આ અગાઉ પણ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા દ્વારા ઘણા સમયથી કરેલ છે. તે અંગેની સઘળી માહિતી સભર હકીકતો પણ જે તે સમયે રજૂ કરવામાં આવેલ છે. જે સરકારશ્રીના સંબંધીત વિભાગમાં હાલે વિચારણા હેઠળ છે. આમ છતાં મોરબી શહેરની તથા સૂચિત મોરબી મ્યુનીસીપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ એરિયામાં હાલે ઉપલબ્ધ સગવડોની મુખ્ય હકીકતો આ સાથે સામેલ રાખી મુખ્યમંત્રીશ્રીને મોકલીએ છે.

મોરબી નગરપાલિકાને મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ફેરવવા અંગેની માંગણીઓ સંદર્ભે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ અંગે મોરબી શહેર જિલ્લાની જાહેર સભામાં પણ આ અંગે ભવિષ્યમાં આ માંગણી અંગે ચોક્કસ અને વહેલીતકે વિચારણા કરવામાં આવશે તેવી સહાનુભુતી જે તે વખતે વ્યક્ત કરી અને ભવિષ્યમાં આ અંગે રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારણા કરશે. તેવું પ્રજાજોગ આશ્વાસન પણ આવેલ છે. તે હકીકત પણ મુખ્યમંત્રીશ્રીના ધ્યાને નમ્રતાથી મુકેલ છે.

મોરબી નગરપાલિકા અ વર્ગ વર્ગની નગરપાલિકા સને ૨૦૦૧ ની સાલથી છે અને મોરબી જિલ્લો પણ તારીખ ૧૫-૮-૨૦૧૩ થી કાર્યરત થઈ ગયેલ છે. આમ મોરબી શહેર અત્યારે જિલ્લા મથક તરીકે પણ નવા જાહેર થયેલા તમામ જિલ્લાઓમા અગ્રેસર જિલ્લા મથક તરીકે વિશિષ્ટ સુવિધાઓ વાળુ શહેર બનેલ છે. હવે આ જિલ્લા મથકના હેડ ક્વાર્ટર એવા મોરબી શહેરને મ્યુનીસીપલ કોર્પોરેશનનો દરજ્જો મળવા માટેની ખાસ તાતી જરૂરીયાત છે. આ માટે સમગ્ર પ્રજાજનોમાં પણ આ માંગણી તુરત સંતોષાય તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રી પાસે વ્યક્ત કરેલ છે.

મોરબી શહેરની ૩ લાખ થી વધુ વસ્તીની લાગણીને ધ્યાને મૂકી મોરબી નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો આપવા માટે આપ મુખ્યમંત્રી સાહેબ તરફથી ખૂબ જ સહાનુભુતિ પૂર્વક વિચારણા કરી અને તુરંત આ અંગે ઘટતું કરશે તેવી અપેક્ષા છે.

મોરબી નગરપાલિકા વિસ્તાર માટે નીચેના મુદ્દાઓ નગરપાલિકામાંથી મહાનગર પાલિકા  વિસ્તારમાં ફેરવવા માટે પૂરતા છે.

૧.   મોરબી શહેર તથા આજુબાજુના ૧૫ થી ૨૦ ગામોનો બહોળા પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસ થયેલ છે. તેમાં કાર્યરત મોટાભાગના લોકો મોરબી શહેરને રહેણાક વિસ્તાર તરીકે પસંદ કરેલ છે. જેના કારણે ખરેખર વસ્તી ગણતરી ૨૦૧૧ કરતાં પણ અત્યારે અઢી ગણી વસ્તી મોરબી શહેરમાં અને મોરબી નગરપાલિકા વિસ્તારમાં રહેણાક ઝોન વિકસાવીને હૈયાત રીતે વસી રહેલ છે. તે રીતે મોરબીમાં ૪ લાખથી વધુ વસ્તી વસવાટ કરે છે. જે મ્યુનીસીપલ કોર્પોરેશન જેટલો ક્રાઇટ એરિયા ધરાવે છે.

૨.   મોરબી શહેર જિલ્લા મથક છે અને મોરબી શહેરનો આજુબાજુનો એરિયા પણ મોટા પાયે  રહેણાક વિસ્તારની દ્રષ્ટિએ ૮ થી ૧૦ ચોરસ કિલોમીટર રહેણાક વિસ્તાર વિકાસ પામેલ છે. આ બધા એરિયામાં મોરબી નગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓ જેવી કે લાઇટ, પાણી, ગટર, આંતરિક રોડ રસ્તા, આંગણવાડીઓ વગેરે  સેવાઓ નગરપાલિકા જેવી સંસ્થા માંડ-માંડ સંભાળી શકે તેવી પરિસ્થિતી રહેલ છે. તેથી મ્યુનીસીપલ કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવે તો પ્રજાજનોને આ પ્રાથમિક સુવિધાઓ ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી પ્રાપ્ત કરાવી શકાય અને તે રીતે પણ મોરબીના શહેરી રહેણાક વિસ્તાર પામેલ એરિયાને સારી સુવિધા આપવા માટે કોર્પોરેશનના દરજ્જાની તાતી જરૂરીયાત છે.

૩.   મોરબી શહેરના મધ્યચોકમાં મોરબીની સિવિલ હોસ્પિટલ  ગાંધીચોક એટલે કે મોરબી શહેરની મધ્યમાં આવેલ છે અને પૂર્ણ કક્ષાની આંખની હોસ્પિટલ પણ રાજ્ય સરકાર તરફથી અલગ દરજ્જાથી ફાળવેલ છે. સાથો સાથ રાજ્ય સરકારે કોર્પોરેશન એરિયામાં હોય તે પ્રકારની બ્લડ બેંકની સુવિધા પણ ફાળવેલ છે. આમ તબક્કે તબક્કે રાજ્ય સરકાર તરફથી મોરબી શહેરને કોર્પોરેશન સમકક્ષ આરોગ્ય વિષયક સુવિધાઓ ભૂતકાળમાં પૂરી પાડેલ છે. તે હેતુ સર પણ ભવિષ્યમાં મોરબી શહેરની નગરપાલિકાને કોર્પોરેશન એરિયામાં તબદીલ કરવાનો હોવાથી કોર્પોરેશન કક્ષાની આરોગ્ય વિષયક તબીબી સુવિધાઓ પૂરી પાડેલ છે. તેમાં મ્યુનીસીપલ કોર્પોરેશન હોય તો આ સુવિધાઓનો હજુ પણ વધુ વિસ્તૃત વિકાસ કરવાની પૂરતી સુવિધાઓ અત્યારના હૈયાત સરકારી દવાખાનાઓ ધરાવે છે. જે હકીકત પણ આરોગ્ય વિષયક સુવિધા માટે ઘણી મહત્વની છે.

૪.   આ સિવાય પણ મોરબી શહેરમાં વિવિધ પ્રકારની અન્ય ખાનગી હોસ્પિટલો પણ ઘણી જ વિકાસ પામેલ છે. તેના કારણે પણ લોકો મોરબીના એન્જોયડ એરિયામાં રહેણાંક ઝોન વસાવવાનું પસંદ કરેલ છે. જેને કારણે મોરબી શહેરની વસ્તીનું ભારણ દિવસે-દિવસે ઘણું જ વધે છે. જે હકીકત પણ ધ્યાને લેવા વિનંતી છે.

૫.   મોરબી શહેર તથા શહેરની આજુબાજુના ૨ થી ૩ કિલોમીટર વિસ્તારમાં મોટા-મોટા શૈક્ષણિક સંકુલો પણ વિવિધ પ્રકારની અકેડેમી તથા એજયુકેશન ઈન્સ્ટિટ્યૂટ મોટાપાયે વિકાસ પામેલ છે. જેના કારણે પણ મોરબી શહેરના રહેણાંક ઝોન વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે. જે હકીકત પણ ઘણી જ મહત્વની છે.

૬.   મોરબી શહેરમાં તથા નગરપાલિકા વિસ્તારમાં સરકારી સુવિધાઓ પણ જેવી કે મોટા મોટા સરકારી બિલ્ડીંગો તથા સુવિધાજનક આવાસો તથા જિલ્લા સેવાસદન, તાલુકા સેવાસદન તેમજ જિલ્લા પંચાયત તથા સરકારી રહેણાંક વસાહતો તેમજ જિલ્લા પોલીસ વડાની કચેરી તેના આવાસો તેમજ અન્ય સરકારી કચેરીઓના બિલ્ડીંગો, આવાસો અને કોર્પોરેશન માટે ભવિષ્યમાં તેની ઓફિસ, અધિકારીઓના રહેણાંક વિસ્તાર માટે સરકારી જમીનો વગેરે મોટા પાયે ઉપલબ્ધ છે. જે બધી નગરપાલિકા એરિયામાં સમાવિષ્ટ જમીનો છે. જો કોર્પોરેશનની રચના થાય તો કોર્પોરેશનના વિકાસ માટે પણ જે જે અનુસાંગીક સુવિધાઓ જરૂરી છે તે ખૂબ જ સહેલાઈથી ઉપલબ્ધ છે. એટલે તે રીતે પણ કોર્પોરેશન આકાર પામે તો તાત્કાલિક તેમનો જરૂરીયાત મુજબનો સંપૂર્ણ વિકાસ કરી શકવા માટે શહેરની સરકારી અસ્ક્યામતો પૂરતા પ્રમાણમાં સક્ષમ છે.

૭.   મોરબી શહેરમાં પણ લાતી પ્લોટ વિસ્તાર, જી.આઇ.ડી.સી. વિસ્તાર તથા નગરપાલિકા એરિયામાં પ્રકારના નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, વગેરે પણ મોટા પ્રમાણમાં વિકાસ પામેલા છે. જેના કારણે બહારથી પણ મોટા પ્રમાણમાં વસ્તીનું શહેરમાં સ્થળાંતર થયેલ  છે. જેથી તેઓ પણ રોજગારી મેળવી અને મોરબી નગરપાલિકા એરિયાના વિસ્તારમાં પોતાના રહેણાંક મકાનો વસાવી રહ્યા છે. જેના કારણે મોરબી શહેરમાં પણ તમામ રીતે રેવન્યુ આવક પણ ઊંચા પ્રમાણમાં છે. તે રીતે કોર્પોરેશન પણ આર્થિક રીતે સક્ષમ બની શકે તેમ છે.

૮.   મોરબી શહેરી વિસ્તાર તથા નગરપાલિકા એરિયામાં અંદાજે દોઢ લાખથી વધારે વાહનોનું રજીસ્ટ્રેશન થયા હોવાનું ગયા વર્ષના સરકારી આંકડામાં દર્શાવામાં આવેલ છે.  તે રીતે પણ આર્થિક સક્ષમતા પામી શકે તેમ છે.

૯.   માધાપર, વજેપર અને ત્રાજપરના મવડા અંગેના પેચીદા પ્રશ્નને હલ કરવામાં પણ કોર્પોરેશન જાહેર થતાં લાભ મળે તેમ છે. કેમ કે કોર્પોરેશન જાહેર થતાં ઉપરોક્ત ત્રણે ગામો મહા નગરપાલિકા વિસ્તારમાં આવી જશે.

૧૦. મોરબીમાં ખૂબ મોટા પ્રમાણમાં સિરામિક ઉદ્યોગના એકમો આવેલ છે. વિશ્વકક્ષાનું સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતું શહેર જો કોઈ હોય તો ગૌરવ સાથે કહેવું પડે કે તે મોરબી છે. તેની સામે મોરબીમાં ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે. મોરબીમાં સિરામિક ઉદ્યોગ માટે દરરોજની આશરે ૫૦૦૦ હજાર જેવા ટ્રકો રો-મટીરિયલ અને ડિસ્પેચ માટે આવે છે. તેથી મોરબીમાં વહેલી તકે એક ટ્રાન્સપોર્ટ નગર બનાવાની જરૂરિયાત છે.

૧૧. મોરબી શહેર મધ્યમાંથી મચ્છુ નદી પસાર થાય છે. આ નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની જરૂર છે. કેમકે મોરબીમાં નાના બાળકો માટે કોઈ બાગ-બગીચાઓ નથી. તો રિવરફ્રન્ટ બનાવવાથી ત્યાં બાગ-બગીચાઓ બનાવી શકાય. સરકારશ્રીનું આ એક નમૂનેદાર કાર્ય ગણાશે.  તદોપરાંત મચ્છુ નદીની આસપાસની ગંદકી પણ હટાવી શકાશે. આ તબક્કે ખાસ જણાવાનું કે અમદાવાદ ખાતેના સાબરમતી રિવરફ્રન્ટ પછીનો બીજા નબરનો ખૂબ સારો રિવરફ્રન્ટ મોરબી ખાતે મચ્છુ નદી પર બની શકે એવિ ભૌગોલોક સ્થિતિ છે.

૧૨. મોરબીમાં ટ્રાફિક સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં હોય મોરબી શહેરના જેલરોડ થી ગાંધી સોસાયટી, મુ. ભડિયાદ સુધીનો બ્રિજ(પુલ) બનાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. આ બ્રિજ(પુલ) થકી મોરબીની ૪૦ ટકા ટ્રાફિકની સમસ્યા હલ થઈ જશે.

તો રજૂ કરવામાં આવેલ ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાને લઈ મોરબી નગરપાલીકા વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન (મહા નગરપાલિકામાં) તબદીલ કરવા અમોની અંગત ભલામણ સહ વિનમ્ર વિનંતી મુખ્ય મંત્રીશ્રી પાસે કરવામાં આવેલ છે. તેમજ આ પત્ર સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા સાહેબને તથા સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાને કરવામાં આવેલ છે. તેમજ મોરબી જિલ્લા કલેકટર સાહેબને પણ આ રજૂઆત લેખિતમાં કરવામાં આવેલ છે. તેવું જિલ્લા મીડિયા ઇન્ચાર્જ તથા પ્રભારી જિલ્લા ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવવામાં આવે છે. આભાર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.