Abtak Media Google News

પંચાયત હોવાથી લોકોના અનેક કામોમાં વિલંબ થાય છે અને વિકાસ કાર્યો પણ થતા નથી

ટંકારાને નગરપાલિકાનો દરજજો  આપવા ચૂંટણી પહેલા પ્રજા અને   સંગઠનોએ ‘રણટંકાર’ કર્યો છે.  લાંબા સમયથી આ માગણી થઈ રહી છે હવે આ માંગણીને ઉગ્ર બનાવાઈ છે.

છેલ્લા ઘણા સમયથી ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ ઉઠી રહી છે. આ માંગ હવે ધીમે ધીમે ઉગ્ર બની રહી છે. ચૂંટણી આવતા જ વિવિધ સંગઠનો અને ટંકારાની પ્રજા ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવા ઉગ્ર માંગ કરી રહ્યા છે. ત્યારે ટંકારા નગરપાલિકાની માંગણી કેમ થઈ રહી છે? હાલની પંચાયતથી લોકો કેમ પરેશાન છે? આ બધા મુદ્દા પુર્વે નગરપાલિકા મળે તો કેવું માળખું તૈયાર થાય એ જાણવું જરૂરી છે.

નગરપાલિકા એ શહેર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે, બદલામાં નગરપાલિકા લોકો પાસેથી વિવિધ પ્રકારના વેરા ઉઘરાવે છે અને રાજ્ય સરકાર દ્વારા મોટા પ્રમાણમાં આર્થિક સહાય કરે છે.નગરપાલિકાના વડા નગરપાલિકા પ્રમુખ હોય છે, પરંતુ વહીવટી જવાબદાર અધિકારી ચીફ ઓફીસર હોય છે. જે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત હોય છે.

ઉપરાંત અનેક સરકારી સ્ટાફ પણ મળે છે. તમામ ચૂંટાયેલા સભ્યોનો સમૂહ નગરપાલિકાનું બોર્ડ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે દર ત્રણ મહીને મળતી સામાન્ય સભા મારફતે સભ્યોની બહુમતીથી નિર્ણયો લઈને સંચાલન કરવામાં આવે છે. બોર્ડે લીધેલા નિર્ણયોને અમલમાં મૂકવા માટે મુખ્ય અધિકારીની આગેવાનીમાં વિવિધ શાખા અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરી કરે છે. રહીશોની સુખાકારી માટે કારોબારી સમિતિ, ટાઉન પ્લાનિંગ સમિતિ, પાણી સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ, લાઈટીંગ સમિતિ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હોય છે.

નગરપાલિકા દ્વારા એરીયાબેઇઝ મિલકતની આકારણી કરીને મિલકત વેરો, પાણી વેરો, દીવાબત્તી વેરો, વ્યવસાય વેરો વગેરે કરવેરા ઉઘરાવવામાં આવે છે. ઉપરાંત જન્મ-મરણ, લગ્ન નોંધણી વગેરે કાર્યો માટે નિયત ફી ઉઘરાવવામાં આવે છે. ટાઉનહોલનું ભાડું, મેદાનો ભાડે આપવા વગેરે કાર્યોથી પણ ભંડોળ એકઠું કરવામાં આવે છે, જે રકમ સ્વ-ભંડોળમાં જમા થાય છે. ઉપરાંત સરકાર દ્વારા વિવિધ કાર્યો માટે મોટા પ્રમાણમાં આર્થિક સહાય આપવામાં આવે છે. આમ પંચાયત કરતાં નગરપાલિકાનો દરજ્જો મળે તો પ્રજાજનોની મૂળભૂત જરૂરિયાતો સારી રીતે પરિપૂર્ણ થઈ શકે તેમ છે. જેથી ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવા માટેની ઉગ્ર માંગણી થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.