Abtak Media Google News

અગરબત્તી ઉપર ૧૨ ટકા ટેક્સ ઝીકાયો : મોરબીના અગરબત્તી ઉધોગ દ્વારા ટેક્સ રદ કરવા આવેદનપત્ર

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સમાન કર માળખું રાખવા ૧ જુલાઈ થી અમલી બનાવનાર જીએસટી કાયદામાં ભગવાનની અગરબત્તી ને પણ ન છોડવામાં આવતા અગરબત્તી ઉધોગ નારાજ થયો છે ગઈકાલે મોરબીના અગરબત્તી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી અગરબતીને જીએસટી માંથી મુક્ત કરવા માંગણી કરી હતી.

મોરબી ડીસટ્રીકટ અગરબતી મેન્યુ. એન્ડ ટ્રેડર્સ એશો. દ્વારા ગઈકાલે જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવીને જણાવ્યું હતું કે અગરબતી ઉદ્યોગ અને વેપાર સાથે જોડાયેલા તમામ વેપારી અને કારીગર સામાન્ય વર્ગના છે જે માત્ર રોજીરોટી મેળવી સકે છે. અગરબતીને જીએસટી કાઉન્સિલ કમિટી દ્વારા ૧૨ ટકા સ્લેબમાં લેવાની જાહેરાત થઈ છે ત્યારે અગરબતી ઉદ્યોગમાં હાલ વેટ ૦ ટકા છે જેથી વેટ ફ્રી રાખવા અથવા જીએસટીમાં ૫ ટકા કરી આપવા ઉદ્યોગ વેપાર વતી માંગ કરવામાં આવી છે.

પૂજાની સામગ્રી તરીકે વપરાતી અગરબતીને જીએસટીમાં ઊંચા ૧૨ ટકાના સ્લેબમાં લેતા ઉદ્યોગ પડી ભાંગશે અને આ ઉદ્યોગ અને વેપાર સાથે જોડાયેલા કારીગરો અને વેપારીઓની મુશ્કેલીઓ અનેકગણી વધી જશે.

અગરબત્તી ઉદ્યોગ સાથે જોડાયેલ ધ્યેયભાઈએ જણાવ્યું હતું કે મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫૦ થી વધુ અગરબત્તી બનાવતા યુનિટ આવેલા છે આ ઉધોગ થાકી હાલમાં ૨૦૦૦ થી વધુ મહિલાઓ રોજી રોટી મેળવી રહી છે ત્યારે સરકારના આ પગલાં થી નાના ઉદ્યોગકારો ની મુશ્કેલી વધશે.

ઉપરાંત અગરબતીનો ઉપયોગ ધાર્મિક કાર્યમાં થતો હોય છે જે કોઈ મોજશોખની ચીજ વસ્તુ નથી. પરંતુ ભગવાનની શ્રદ્ધા સાથે જોડાયેલી છે જેથી આ ઉદ્યોગના હિતમાં તેમજ વેપારીઓ અને કારીગરોની રોજગારી ટકી રહે તેવા આશયથી સરકાર આ મામલે પુન: વિચારણા કરે તેવી માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.