Abtak Media Google News

મહારાષ્ટ્રનાં જંગલમાંથી તાપી જિલ્લામાં વાઘની અવર-જવર: વાઘ અને સિંહનો વસવાટ ધરાવતું દેશનું એકમાત્ર રાજય બની શકે છે ગુજરાત

ગુજરાત દેશનું એકમાત્ર રાજય બની શકે છે, જયાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને એશિયાઈ સિંહોનો બંનેનો વસવાટ હોય. તાજેતરમાં ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા તાપી જીલ્લાના નિઝર ગામમાં એક વ્યકિત પર તા.૨૫ જુલાઈ ૨૦૧૮ને બુધવારના રોજ વાઘ દ્વારા થયેલા હુમલાએ ગુજરાત રાજયમાં વાઘની મોજુદગીનો પુરાવો આપ્યો છે. રાજયસભા સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણીએ અગાઉ જાન્યુઆરી ૨૦૧૭માં ગુજરાતના જંગલમાં વાઘની મોજુદગી અંગે ગુજરાત સરકાર અને જંગલ વિભાગના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.

પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, વાઘના મળમુત્રના અવશેષો અને પંજાના નિશાન વગેરે સહિતના વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે વાઘની અવર-જવરનો કોરીડોર સ્થાપિત થઈ રહ્યો છે. ગુજરાત સરકારને જાન્યુઆરી ૨૦૧૭માં લખેલા પત્રમાં પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત-મહારાષ્ટ્ર સીમા પર ચેકપોસ્ટમાં નિયુકત મહારાષ્ટ્ર પોલીસના બે કોન્સ્ટેબલોએ પણ વાઘને ગુજરાતના જંગલ વિસ્તારમાંથી મહારાષ્ટ્રના જંગલ વિસ્તારમાં પ્રવેશી અને પરત ગુજરાતનાં જંગલ વિસ્તારમાં જતા જોયો હતો.

નથવાણીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં નિઝરના ગ્રામજન પર વાઘ દ્વારા હુમલાની ઘટનાના સમાચારોએ ફરી એક વખત વાઘ ગુજરાતના જંગલમાં વસવાટ કરી રહ્યા હોવાનું પુરવાર કર્યું છે. હવે આ યોગ્ય સમય છે જયારે રાજયના વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહોની સાથે-સાથે વાઘોના સંરક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે. વન વિભાગે આ રાષ્ટ્રીય પ્રાણીની સલામતી ઉપરાંત તેમના ખોરાક માટે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા તે વિસ્તારમાં જળવાઈ રહે તે માટે પણ યોગ્ય પગલા લેવા જરૂરી છે તેમ નથવાણીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર માટે પર્યટન ક્ષેત્રનો વિકાસ કરવાની આ ઉજળી તક છે. વાઘની હાજરી આપણી વન્યજીવ સૃષ્ટિને વધારે સમૃઘ્ધ બનાવશે. એ સર્વવિદિત છે કે, ગુજરાતમાં એશિયાઈ સિંહોની હાજરીથી પર્યટન ક્ષેત્રને ખુબ જ ઉતેજન મળ્યું છે. ગુજરાતમાં વાઘના વસવાટથી રાજય પર્યટન ક્ષેત્ર પણ ચોકકસ ઘણી વધુ ઉંચાઈઓ સર કરશે એમ તેમણે જણાવ્યું હતું. નથવાણીએ કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સંબઘ્ધ વિભાગને પત્ર લખીને ગુજરાતમાં વાઘના સંરક્ષણ માટે જરૂરી તમામ પગલાઓ લેવામાં આવે તેવી અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.