Abtak Media Google News

સર્વેલન્સ એલાઉન્સ તરીકે જો નવેમ્બર માસમાં 4 હજાર રૂપીયા ચૂકવાયા હોય તો તેની રિક્વરી કરવા પણ આદેશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વ રાજ્યમાં અલગ-અલગ સરકારી કર્મચારીઓએ પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓના પ્રશ્ર્ને આંદોલન છેડ્યા હતા. પરિણામ પર અસર ન પડે તે માટે રાજ્ય સરકારે પણ ધડાધડ નિર્ણયો લેતા પગાર વધારો કરવામાં આવ્યો હતો. જો કે ગુજરાતની જનતાએ ભાજપને રેકોર્ડ બ્રેક બેઠકો સાથે ફરી ગુજરાતનું સુકાન સોંપતાની સાથે જ સરકારે યુ-ટર્ન માર્યો છે.

આરોગ્ય કર્મચારીઓને સર્વેલન્સ પ્રોત્સાહન તરીકે પગારમાં આપવામાં આવેલો 4 હજાર રૂપિયાને પગાર વધારો પાછો ખેંચી લીધો છે. એટલું જ નહી નવેમ્બર માસમાં ચૂકવવામાં આવેલો વધારાની પણ રિક્વરી કરવા આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યભરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. જો કે સર્વેલન્સ પ્રોત્સાહનનો વધારો ન આપવાનો નિર્ણય હાલ માત્ર અમરેલી જિલ્લા પંચાયત દ્વારા લેવામાં આવ્યો છે.

અમરેલી જિલ્લા પંચાયતની હિસાબી શાખા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા પરિપત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પંચાયત સેવા હસ્તકના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પરપઝ સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓ ગ્રેડ-પે સુધારવાની માંગણી અન્વયે હડતાળ પર ઉતરેલ હતા.

રાજ્ય સરકાર દ્વારા ઠરાવથી ગ્રામ્ય સ્તરે તેઓની સઘન સર્વેલન્સની કામગીરી ધ્યાને લઈ ફરજના ભાગરૂપે પ્રતિમાસ રૂ.4000/- ઉચ્ચક રકમ ‘સર્વેલન્સ પ્રોત્સાહન’ તરીકે આપવાનું ઠરાવ્યું હતું. પરંતુ, સદરહું ઠરાવનો અભ્યાસ કરતાં ફિક્સ પે મેળવતા હંગામી કર્મચારીઓને ઉપરોક્ત ‘સર્વેલન્સ પ્રોત્સાહન’ રકમ આપવાની પાત્રતાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. હાલ ફિક્સ-પે કર્મચારીઓને અન્ય કોઈ ઠરાવ ન થાય ત્યાં સુધી ઉપરોક્ત ‘સર્વેલન્સ પ્રોત્સાહન’ આપી ન શકાય તેવુ સ્પષ્ટ થાય છે.

આમ છતા નવેમ્બર-ર0રર પેઈડ ઇન ડિસેમ્બર-2022ના પે-બિલે તમામ ફિક્સ-પે મેળવતા કર્મચારીઓને સદરહુ ‘સર્વેલન્સ પ્રોત્સાહન’ આકારેલા છે. જેની રીકવરી સત્વરે ઘટિત કાર્યવાહી કરી અત્રેની કચેરીને જાણ કરવા સુચના આપવામા આવે છે.

આગામી દિવસોમાં રાજ્યની અન્ય જિલ્લા પંચાયત કચેરીઓ દ્વારા આવો નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના પણ હાલ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.