Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અઘ્યક્ષતામાં મળેલી હાઇ લેવલની બેઠકમાં લેવાયો નિર્ણય: રાષ્ટ્રઘ્વજ અડધી કાઠીએ ફરકશે, સરકારી કાર્યક્રમો નહી યોજાઇ

મોરબીમાં રવિવારે એક ગોઝારી ઘટના બની હતી. ઐતિહાસિક ઝુલતો પુલ તુટી પડવાના કારણે 140 થી વધુ નિર્દોષ નાગરીકોના દુ:ખદ મોત નિપજયા હતા. મોરબીમાં બનેલી દુ:ખદ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાયો છે. દરમિયાન આવતીકાલે બુધવારે શોક મગ્ન ગુજરાત રાજય વ્યાપી શોક પાળશે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રવિવારથી ગુજરાતના પ્રવાસે છે. મોરબીનાં ઝુલતો પુલ તુટવાની ઘટનાથી ખુદ પીએમ પણ ખુબ જ વ્યથિત છે પીએમએ ગઇકાલે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ રાત્રે રાજભવન ખાતે હાઇલેવલ કમિટીની બેઠક યોજી હતી. આ બેઠકાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંધવી અગ્ર સચિવ, ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉ5સ્થિત રહ્યા હતા. જેમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં આગામી બીજી નવેમ્બર અર્થાત આવતીકાલે બુધવારે ગુજરાતમાં રાજય વ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કાલે તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રઘ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

આ ઉપરાંત કોઇપણ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ અને મનોરંજન કાર્યક્રમો યોજાશે નહી આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પણ ટવીટ કર્યુ હતું પુલ ધરાશાળી થવાની ઘટનામાં જાન ગુમાવનાર દિવંગત આત્માઓની શાંતિ માટે તેમ જ તેઓના પરિવારજનોને પરમાત્મા આઘાત સહન કરવાની શકિત આપે તે માટે આવતીકાલે રાજયવ્યાપી શોક દરમિયાન ગુજરાતના દરેક નાગરીકો શાંતિ પ્રાર્થના કરે તેવી અપીલ પણ કરી હતી.

આજે બપોરે બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મોરબીની મુલાકાતે આવશે તેઓ  રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે ઉપરાંત મૃતકોના પરિવારજનોને મળી તેઓને સાંત્વના આપશે. ઘાયલોના ખબર અંતર પૂછશે મોરબી માટે રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.