Abtak Media Google News
  • ગુજરાતને આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022 મળ્યો
  • વર્ષ 2021-22 દરમિયાન સૌથી વધુ 50 લાખ આયુષ્માન કાર્ડ કાઢી ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢની તુલનામાં ગુજરાતે કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને આયુષ્માન બનાવવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્યાન્વિત કરી છે.આ આયુષ્માન ભારત પી.એમ.જે.એ.વાય.-મા યોજના અંતર્ગત ગુજરાત રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે. વર્ષ 2021-22 દરમ્યાન સૌથી વધુ આયુષ્માન કાર્ડ કાઢી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ એનએચએ, નવી દિલ્હી ખાતે તા. 26.09.2022 ના રોજ “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 50 લાખ આયુષ્માન કાર્ડ કાઢી ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢની તુલનામાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે એમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાના વરદહસ્તે ગુજરાતના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને કમિશ્નર શાહમીના હુસૈને આ ગૌરવપ્રદ એવોર્ડ સ્વીકાર્યો હતો.આ પ્રસંગે રાજયના અધિક નિયામક ડો. રાજીવ દેવેશ્વર અને જનરલ મેનેજર એસએચએ ડો. શૈલેષ આનંદ પણ હાજર રહ્યા હતા.

ગુજરાત રાજ્યમાં વર્ષ 2012 થી જનહિતાર્થે કાર્યરત મા અને મા વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાનો સમન્વય કરીને પી.એમ.જે.એ.વાય.-મા યોજના કાર્યન્વિત બનાવી છે. નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત પ્રોસીજર/ઓપરેશન માટે કુટુંબદીઠ વાર્ષિક રૂ.5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.

રાજ્યની 1884 સરકારી અને 803 ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર તેમજ ખર્ચાળ બિમારીઓ માટે કુલ 2711 જેટલી નિયત પ્રોસીજરો/ઓપરેશનોનો લાભ મળવાપાત્ર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના પ્રથમ બે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં અમદાવાદ કિડની હોસ્પિટલ ખાતે થયા છે એટલું જ નહીં જેને માતા બનવું અસંભવ હતું એવી બે યુવતીઓને પી.એમ.જે.એ.વાય.-મા યોજના થકી “મા” બનવાના આશીર્વાદ મળ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતના અંદાજિત 80 લાખ કુટુંબો એટલે કે, ત્રણ કરોડ વ્યક્તિઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવા એક નવી પહેલ આપ કે દ્વાર-આયુષ્માન મહાઝુંબેશ પણ આરંભવામાં આવી છે. મહત્તમ લોકો આયુષ્માન કાર્ડથી લાભાન્વિત થાય તે પ્રકારનું વ્યવસ્થાપન હાથ ધરાયું છે. આ યોજનાનો મહત્તમ પરિવારોને લાભ મળે તે માટે રાજ્યની આશા બહેનો, આંગણવાડી વર્કર્સ, પંચાયતી રાજ સંસ્થાઓ જેવા પાયાના કાર્યકરો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે.

આ અગાઉ એક કાર્ડ ઉપર એક પરિવારને લાભ મળતો હતો પરંતુ હવે પરિવારના દરેક સભ્યને પીએમજેએવાય માં કાર્ડનો લાભ મળે તે પ્રકારનું સુદ્રઢ આયોજન ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને રાજય મંત્રી નિમીષાબેન સુથારના નેતૃત્વ હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગે હાથ ધર્યું છે. જેના ફળ સ્વરૂપે આજે ગુજરાતે, સૌથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરી, “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022″ પોતાના નામે કર્યો છે.

હાલ આપ કે દ્વાર-આયુષ્માન” ઝુંબેશ અંતર્ગત નેશનલ હેલ્થ મિશન-ગુજરાતના મિશન ડાયરેકટ2 રેમ્યા મોહનની અધ્યક્ષતામાં, મદદનીશ નિયામક ડો. સુરેન્દ્ર જૈન અને એસએચએ ગુજરાતની ટીમના અથાગ પ્રયત્નોથી તમામ પાત્ર લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાની નેમ સાથે સમગ્ર રાજ્યમાં આયુષ્માન કાર્ડ માટેના કેમ્પ પૂરજોશમાં ચાલી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.