Abtak Media Google News

140 દિવસની 22834 કી.મી. બાઈક સવારી કરી ઘૂમ્યો 20 રાજ્યોના 190થી વધુ પ્રદેશ

“સુજલામ સુફલામ મલયજ શીતલામ સષ્ય શ્યામલામ માતરમ… “એ ફક્ત કવિતા નથી પરંતુ અફાટ કુદરતી સૌંદર્ય, પહાડો વચ્ચે વહેતી નદીઓ અને ઝરણાઓને અનુભવવાની અને માણવાની વાત છે, જેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે, રાજકોટના સાહસીક એવા નવયુવાન ફખરુદ્દીન નુરુદ્દીનભાઈ ત્રિવેદીએ. “યૌવન વીંઝે પાંખ” ઉક્તિને યથાર્થ સાબિત કરતા યુવાન ફખરીએ 22834 કી.મી. 140 દિવસની બાઈક પર સફર ખેડી નોર્થ – ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ ઇન્ડિયાના 20 જેટલા રાજ્યોની યાત્રા પૂર્ણ  કરી હાલમાં જ રાજકોટ પરત ફર્યો છે.

યાત્રાનો ઉદેશ, તેના અનુભવો અને સફર કેવી રીતે પૂર્ણ કરી તેના વિષે જણાવતા ફખરુદ્દીન કહે છે કે, મારે વિદેશ જતાં પહેલાં ભારતને જોવું અને જાણવું હતું.  સોલો ટ્રાવેલ એટલે કે તમારા કમ્ફર્ટ ઝોન અને રોજિંદી જિંદગીમાંથી બહાર નીકળી એક અલગ જગ્યા પર જાવ છો, જ્યાં તમારો પરિવાર ન હોય, જ્યાં તમારા મિત્ર કે કોઈ ઓળખીતા વ્યક્તિ ન હોય… બસ તમે એક પોતે જ હોવ, અને તમારા વિચારો અને એક નવી જગ્યા અને નવા લોકો…જેની સાથે તમે તમારો પુરો સમય વીતાવો છો, જે જગ્યા પર ભાષા અલગ છે, રીતરિવાજ અનોખા છે, જમવાનું અને રહેણીકરણી  અલગ હોય ત્યાં જઇને તમે ફરો છો.

અલગ અલગ પડકારોનો સામનો કરવાનો, અને તમારી કમજોરી અને તમારા સાચા વ્યક્તિત્વને નજીકથી જોવાનો મોકો મળે છે, દરરોજ  એક નવી જ વસ્તુનો અનુભવ થાય છે, જ્યાં જિંદગીને એક અલગ દ્રષ્ટિકોણથી જોવા માટે એક અલગ જ વાતાવરણ મળે છે અને તમારી જાત પરનો  આત્મવિશ્વાસ વધારે દ્રઢ થાય છે. સેલ્ફ એક્સપ્લોર કરવાની મજા જ કંઈક ઓર હોવાનું જણાવતા ફખરુદ્દીન કહે છે કે, ભારત દેશ ખુબ જ સમૃદ્ધ છે.

ભારત ભ્રમણ દરમ્યાન મેં  ભારતના બધા પ્રખ્યાત અને આસ્થાના સ્થાનો જેમ કે બધા મંદિરો, દરગાહ, ગુરુદ્વારા અને ચર્ચ બધી જગ્યા જોઈ લીધા છે. મુસ્લિમ તરીકે મેં 3 ધામની યાત્રા પણ કરી લીધી છે, અને બધા ધર્મ અને સંપ્રદાયના નાગરિકોને નજીકથી જોયા અને બધી મહત્વની નદીઓ જેમ કે ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા અને અન્ય ઘણી બધી નદીઓ જોઈ અને તેમનું પાણી પીધેલું છે.

ફખરુદ્દીનને ફોટોગ્રાફીનો ખુબ શોખ છે, જે આ દિવસોમાં ખુબ કામ આવ્યો. એ કહે છે કે મેં માત્ર ભ્રમણ જ નહીં પરંતુ આ દિવસો દરમ્યાન મારો મૂળ વ્યવસાય એવો ગ્રાફિક ડિઝાઈનર તરીકેનું કામ પણ કર્યુ છે. લેપટોપ સાથે લઇને કામ, ફરવાનું અને નવી વસ્તુ જોવાનું-બધું સાથે સાથે થતું  જતું હતું.

બિહાર કે છત્તીસગઢ જેવા રાજ્યો વિષે આપણે જે સાંભળતા હોઈએ તેનાથી વિપરીત અહીંના લોકો ઘણા સારા છે. નક્સલી વિસ્તારોમાં પણ હિંમતભેર હું  આગળ વધતો ગયો. પૂર્વાંચલના પ્રદેશો અને ત્યાંના લોકો ખુબજ માયાળુ હોવાનું જણાવતા ફખરી કહે છે કે , અહીં લોકોનું  જનજીવન ખુબ જ કુદરતી છે. વહેલી સવારે ચાર વાગ્યે સુરજ ઉગે અને સાંજે પાંચ વાગ્યે સુરજ આથમી જાય. લોકો હજુ પણ સંસ્કૃતિને જાળવી સામાન્ય જીવન જીવે છે. આવું જ લડાખ પણ છે. વારાણસીનો અનુભવ ખુબ જ દિવ્ય રહ્યો. દરેક લોકોએ આ પવિત્ર સ્થળે એક મુલાકાત ચોક્કસ લેવી જોઈએ તેમ ફખરી જણાવે છે.

8 મી સપ્ટેમ્બર 2022 થી શરૂથયેલી યાત્રા  25 જાન્યુઆરી 2023 તેમણે પૂરી કરી આ દિવસો દરમિયાન તેણણે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય. અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, સિક્કિમ, ઝારખંડ, ઓડિશા, આંધ્ર પ્રદેશ,છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા,રાજસ્થાન  સહીત 20 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો, નેપાળ સુધીની સફર બાઈક પર કરી રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભવિષ્યમાં રાજકોટથી લંડન બાઈક પર સાહસિક સવારી કરવાનું આયોજન કરતો ફખરુદ્દીન જણાવે છે કે, ભારત જોયા પછી હું ગર્વ સાથે કહી શકું છે કે આપણું ભારત સૌથી ખૂબસૂરત છે અને મને ભારતીય હોવા પર ખૂબ જ ગર્વ મહેસુશ કરું છું. કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ પણ તેની આ હિંમત અને ભારત પ્રેમને રૂબરૂ મળી બિરદાવ્યો છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.