Abtak Media Google News

સખી મંડળની ૬૦ બહેનોને દિવેટ બનાવવાના મશીન અર્પણ

મહિલાઓ આર્થિક ઉપાર્જન કરીને પગભર બની શકે તેવા હેતુસર રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાજકોટના સંસદ મોહનભાઈ કુંડારીયાની પ્રેરક ઉપસ્થિતમાં ૬૦જેટલી મહિલાઓને માનવ ગરિમા યોજના  હેઠળ દિવેટ બનાવવાના મશીન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ બહેનોને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે, બહેનો સ્વરોજગારી મેળવીને આર્થિક રીતે સક્ષમ બને તે માટે મિશન મંગલમ યોજના દ્વારા અનેક સહાય પુરી પાડવામાં આવી રહી છે. દિવેટ એ મંદિરમાં દેવી દેવતાઓની આરાધના સમયે દિપ પ્રાગટ્યમાં ઉપયોગી થાય છે. ત્યારે સ્વાર્થ અને પરમાર્થના બંને હેતુસર દિવેટ મશીનનો ઉપયોગ કરીને આર્થિક રીતે પગભર બનીએ. આજે ગુજરાતની લાખો બહેનો સખી મંડળમાં જોડાઈને બેંકિગ સુવિધાનો લાભ લઈને ગૃહ ઉદ્યોગ થકી સારી એવી આજીવિકા મેળવી રહી છે. જે દર્શાવે છે કે ગુજરાત મહિલા સશક્તિકરણની દિશામાં શ્રેષ્ઠ ગતિ સાથે આગળ વધી રહ્યું છે.

આવકની સાથે આત્મવિશ્વાસ કેળવવાના ઉમદા વિચાર સાથે બહેનોને આર્થિક પ્રવૃતિના અનેક માધ્યમો વિશે વિશદ માહિતી આપતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલએ જણાવ્યું હતું કે, અહીં ઉપસ્થિત દરેક બહેનો માટે દિવેટનું બોક્સ આવકની સાથે તેના આત્મવિશ્વાસને ઉજાગર કરતું સન્માનનું બોક્સ છે. રાજકોટ, લોધીકા,પડધરી અને કોટડા સાંગાણી સહિતના સખી મંડળની ૬૦ બહેનો દિવેટ બનાવવાના મશીની સ્વરોજગારી મેળવી શકશે. આ ઉપરાંત મોબાઈલનો સદ્ઉપયોગ કરી યુ-ટ્યુબ પરી રોજગારી પ્રાપ્ત થઈ તેવા વિવિધ સાધનો વિશે જાણકારી મેળવવાનું સુચન કર્યું હતું અને કહ્યું હતુ. કે તમારા આ પ્રયાસોમાં અમે તમને આર્થિક રીતે સહાયરૂપ બનીશું. આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના હિસાબી અધિકારી મિલન કાવઠિયા, મિશન મંગલમ યોજનાના આસિસ્ટન્ટ મેનેજર એલ્વીશ ગોજારિયા, દિવ્યેશ મણવર અને રાજકોટ-લોધીકા-પડઘરી-કોટડાસાંગાણીના તાલુકા લાઈવલી હુડ મેનેજરઓ ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.