Abtak Media Google News

આગામી સોમવારે સાંજે ગુજરાત પ્રદેશ ભાજપની અઢી કલાકની સૌથી ટુંકી કારોબારી બેઠક પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને મળશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે દોઢ વર્ષનો જ સમય ગાળો બાકી છે. ત્યારે કારોબારીમાં ચૂંટણીનું મનોમંથન કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ હોદેદારો ઉપસ્થિત રહેશે. જયારે તાલુકા અને જિલ્લા સ્તરના કારોબારી સભ્યો વર્ચ્યુઅલ હાજરી આપશે.

સામાન્ય રીતે પક્ષની પ્રદેશ કારોબારી બેઠક એક આખો દિવસ અથવા બે દિવસ માટે ચાલતી હોય છે. પરંતુ હાલ કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સની જાળવણી ખૂબજ મહત્વનું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ પદે નિયુકત થયા બાદ અને કારોબારીની રચના કર્યા બાદ સી.આર. પાટીલ દ્વારા પ્રથમ વખત કારોબારી બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કોરોનાકાળમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા કરવામા આવેલી કામગીરી બદલ બંને સરકારને અભિનંદન આપતો ઠરાવ પ્રસાર કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને મળેલી જીત બદલ પણ સંગઠન અને સરકારને શુભેચ્છા પાઠવતો ઠરાવ પસાર કરવામાં આવે તેવી શકયતા રહેલી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે દોઢ માસ જેટલો સમય ગાળો બાકી રહ્યો છે. ત્યારે રાજયમાં ફરી ફતેહ હાંસલ કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ચૂંટણીનું મનોમંથન પણ કારોબારી બેઠકમાં કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. કારોબારીની રચના કરાયા બાદ પ્રથમ બેઠક મળી હોય મોટાભાગે સભ્યોનો પરિચય કરાવવામાં આવશે કોઈ ઠરાવ પ્રસાર નકરાય તેવું બની શકે. સામાન્ય રીતે ભાજપ દ્વારા બે દિવસ માટે કારોબારી બેઠક બોલાવવામાં આવતી હોય છે. જેમાં અલગ અલગ મુદાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવતી હોય છે અને વિવિધ ઠરાવ પસાર કરવામાં આવતા હોય છે. સોમવારે ભાજપના ઈતિહાસમાં સૌથી ટુંકી કારોબારી બેઠક મળશે.

સોમવારે સાંજે કમલમ ખાતે બપોરે 3.30 થી 6 કલાક સુધી એમ માત્ર અઢી કલાક માટે મળનારી કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપરાંત સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહેશે. જયારે જિલ્લા અને તાલુકા કક્ષાના કારોબારી સભ્યો વર્ચ્યુઅલ હાજર રહેશે હાલ ભાજપ દ્વારા હોદેદારોનો અભ્યાસ વર્ગ ચાલી રહ્યો છે. દરમિયાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા સોમવારે કારોબારી બેઠક બોલાવવામાં આવી છે.

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ચહલ પહલ જોવા મળી રહી છે. પ્રભારી ભુપેન્દ્ર યાદવની મુલાકાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહની ગુજરાતની બે દિવસની મુલાકાત અને તે દરમિયાન બેઠકોનો ધમધમાટ બાદ હવે કારોબારી બેઠકે રાજકીય પંડિતોની ઉત્સુકતામાં ભારે વધારો કર્યો છે. સોમવારે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળ્યા બાદ જિલ્લા અને તાલુકા કક્ષાએ ભાજપની કારોબારી મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.