Abtak Media Google News

કરોડો લોકોની આસ્થાનું પ્રતીક અને જગ વિખ્યાત પવિત્ર યાત્રાધામ પરબ ધામના મહંત કરસનદાસ બાપુ તરફથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી અષાઢી બીજે યોજાતો પારંપારિક મેળો આ વર્ષે પણ કોરોનાની મહામારીના કારણે મુલત્વી રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે.

Karsandas Bapu

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબ ખાતે જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ પરબ ધામમાં દર વર્ષે અષાઢી બીજે ભવ્યાતિભવ્ય પારંપારિક લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, અને આ મેળામાં લાખો લોકો દેશ વિદેશથી આવે છે અને પરબધામના દર્શન કરી મેળાની મોજ માણે છે.

ભેસાણ ખાતે યોજાતા અષાઢી મેળામાં આવતા લાખો લોકોની વ્યવસ્થા પરબધામ કરસનદાસ બાપુ તથા તેમના અનુયાયીઓ દ્વારા કરવામાં આવે છે અને અહીં આવતા લોકો માટે ભોજન પ્રસાદની સેવા આપવામાં આવે છે. આ મેળામાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન ની રમઝટ બોલાવવામાં આવે છે અને મંદિરને રોશનીથી શણગારવામાં આવે છે. આમ અહીં ત્રણ દિવસ મહોત્સવ જેવો માહોલ રહે છે.

મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે. ત્યારે હાલ વધુ ભીડ એકત્ર થવાથી કોરોના વકરવાનો ભય હોય જેને ધ્યાને લઈને પરબ ધામના મહંત કરસન દાસ બાપુ દ્વારા આ વર્ષે પણ અષાઢી બીજનો મેળો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે ગત વર્ષે પણ અષાઢીબીજનો મેળો રદ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.