Abtak Media Google News

સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા 

અમદાવાદમાં 1275 કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમૂહૂર્ત કરતા વડાપ્રધાન

ગુજરાતમાં વિશ્વ કક્ષાની અત્યાધુનિક વિવિધ આરોગ્ય સુવિધાઓના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદમાં સિવિલ મેડિસિટી ખાતેથી રૂ. 1275 કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સંસાધનોમાં સંવેદના જોડાય ત્યારે તેનો ઉપયોગ પરિણામલક્ષી બની શકે છે. જેનો લાભ ગરીબ, મધ્યમવર્ગ, મહિલાઓ અને બાળકોને મળે છે. સંસાધનો સાથે સંવેદના જોડાતા સંસાધનો સેવાનું ઉત્તમ માધ્યમ બને છે.

વડાપ્રધાન એ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે ક્ષેત્રો એવા છે જે માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભવિષ્યને પણ સુરક્ષિત કરવાનું સમાર્થ્ય ધરાવે છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં વિવિધ આરોગ્ય પ્રકલ્પોને ખુલ્લા મુકતા વડાપ્રધાન એ જણાવ્યું કે, અમદાવાદ-ગુજરાતમાં વિશ્વની સૌથી એડવાન્સ મેડિકલ ફેસિલીટી ઘરાવતી મેડિસીટી કાર્યાન્વિત થતા અમદાવાદ આજે મેડિકલ ટુરિઝમનું હબ બન્યું છે. મેડિસિટી માત્ર આરોગ્યની એક સંસ્થા જ નહીં પરંતુ ગુજરાતના સામર્થ્યનું પ્રતિક છે.

વડાપ્રધાન એ આ અવસરે 850 બેડની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ, સિવિલ મેડિસિટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્ટિટ્યૂટના 1-સી બ્લોક તથા યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની નવનિર્મિત ઇમારતનું લોકાર્પણ, સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ન્યૂ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભીલોડા અને અંજાર ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા અસારવા સિવિલ કેમ્પસમાં મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ અને રૈનબસેરાનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

Img 20221011 Wa0422

તેમણે રાજ્ય સરકારના વન ગુજરાત-વન ડાયાલિસિસ કાર્યક્રમ અંતર્ગત કુલ 188 ડાયાલિસિસ સેન્ટર તથા રાજ્યમાં જિલ્લા મથકો પર 22 (બાવીસ) ડે કેર કિમોથેરાપી સેન્ટરનો શુભારંભ કરાવ્યો અને નવિન 188 ડાયાલિસિસ સેન્ટર સાથે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ  અંતર્ગત રાજ્યમાં કુલ 270 નિ:શુલ્ક ડાયાલિસિસ સેન્ટરો કાર્યરત કરાવ્યા હતા.

વડાપ્રધાન એ વધુમાં કહ્યું કે, આજથી 20 વર્ષ પહેલાં રાજ્યની વ્યવસ્થાઓને અનેક બીમારીઓએ જકડી રાખી હતી. આરોગ્ય ક્ષેત્રે અપૂરતી સુવિધાઓ, શિક્ષણની વ્યવસ્થાઓમાં અભાવ, વીજળીમાં અવરોધ, પાણીની તંગી, કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતી અને સૌથી વિશેષ વોટ બેંકના રાજકારણે ગુજરાતના વિકાસને અવરોધી રાખ્યો હતો. પરંતુ અમે આરોગ્ય સુવિધાઓની સાથે સાથે, સમાજ વ્યવસ્થાના સુધારથી ગુજરાતને વિકાસના પંથે લઇ જવા તબીબોની જેમ જ સારસંભાળનો અભિગમ અપનાવીને કાર્ય કર્યું. આ અંગે વિસ્તૃત જાણકારી આપતા તેમણે કહ્યું કે, સર્જરી દ્વારા જુની સરકારી વ્યવસ્થાઓમાં સમૂળગું પરિવર્તન, દવાઓ સ્વરૂપે નવી વ્યવસ્થાઓ ઉભી કરવાના નિત્યનવા પ્રયાસો અને સારસંભાળ સ્વરૂપે લોકોની તકલીફો-પીડાઓ દૂર કરવા સંવેદનશીલતા અને પારદર્શિતાથી કામ કર્યું. આ યજ્ઞથી ગુજરાત આજે સુખ સુવિધાઓમાં અગ્રેસર બન્યું છે.

વડાપ્રધાન એ વન અર્થ, વન હેલ્થ મિશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ અભિગમથી કામ કરીશું તો જ વિશ્વમાં સુખાકારી વધશે. કોરોનાના સમયમાં કેટલાય દેશોમાં વેક્સિનનો એક પણ ડોઝ મળ્યો ન હતો ત્યારે આ અભિગમથી જ આપણે દુનિયામાં અનેક દેશોમાં જ્યાં જરૂર હતી ત્યાં સ્વદેશી વેક્સિન પહોંચાડી હતી. કોરોના સામેની લડતમાં હોલિસ્ટિક એપ્રોચ સાથે બહુઆયામી પ્રયાસો ભારતે હાથ ધર્યા હતા. રાજ્યમાં મેડિકલ ક્ષેત્રે છેલ્લા 20 વર્ષમાં ઉભી કરાયેલી સુવિધાઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, 20 વર્ષ પહેલા રાજ્યમાં માત્ર 9 મેડિકલ કોલેજ હતી આજે 36 મેડિકલ કોલેજ કાર્યરત બની છે. જેમાં અગાઉ યુ.જી,પી.જીની 2200 બેઠકો હતી જે પણ વધીને આજે 8500 થઇ છે.ગુજરાતમાં જે કાર્યસંસ્કૃતિ વિકસાવી તેની રાહ પર સમગ્ર દેશમાં પણ વિકાસ કાર્યો હાથ ધર્યા તેના પરિણામે 8 વર્ષમાં દેશમાં નવી 22 એઇમ્સની શરૂઆત કરી છે.

જેમાંથી ગુજરાતના રાજકોટમાં પણ એક એઇમ્સ કાર્યરત બની છે. સાથે સાથે સરકારી હોસ્પિલમાં જે-તે સમયે 15000 બેડ હતાં જે આજે વધીને 60 હજાર થયા છે. એટલું જ નહીં. પી.એચ.સી., સી.એચ.સી. અને વેલનેસ સેન્ટરનું સુદ્રઢ નેટવર્ક ગુજરાતમાં તૈયાર થયું છે. ગુજરાત આવનારા સમયમાં મેડિકલ, ફાર્મા, બાયોટેક રીસર્ચ ક્ષેત્રે સમગ્ર દુનિયામાં પરચમ લહેરાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં 188 ડાયાલિસિસ કેન્દ્રો અને 22 ડે કેર કિમો થેરાપી સેન્ટર કાર્યરત બન્યા છે જે લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે. દેશના દરેક જિલ્લામાં ડાયાલિસીસ સેન્ટર કાર્યરત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

જ્યાં સંસાધનો સાથે સંવેદનાઓ જોડાય છે ત્યારે સંસાધન સેવાનું ઉત્તમ માધ્યમ બને છે તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ગુજરાતમાં ચિંરજીવી યોજના, ખિલખિલાટ યોજના, મિશન ઇન્દ્રધનુષ, માતૃવંદના યોજનાના અસરકારક અમલીકરણના પ્રયાસોથી માતા અને શીશુ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનના પરીણામે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત દીકરાઓના સાપેક્ષે દીકરીઓની સંખ્યામાં વધારો થયો છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન   નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સાડા 6 કરોડની જનતાને આરોગ્ય સુરક્ષા-સુખાકારી માટે રૂ. 1275 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે.  નરેન્દ્રભાઈ મોદી એવા લોક નેતા છે, જે લોકોની નાડ પારખીને તેમને જોઈતી સુવિધાઓ આપવાનું સમયબદ્ધ આયોજન કરે છે. આજે આપણે જે મેડિસીટીનું આધુનિક સ્વરૂપ જોઇ રહ્યા છીએ તે  નરેન્દ્રભાઈના વિઝનને આભારી છે, એવું તેમણે ઉમેર્યંસ હતું.મુખ્યમંત્રી  એ વધુમાં જણાવ્યું હતું કે,  નરેન્દ્રભાઈએ સારવાર સુવિધામાં માનવીય અભિગમ અપનાવ્યો છે. આ અભિગમને કારણે જ આજે અમદાવાદ મેડીસિટીમાં અદ્યતન સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, હૃદયની હોસ્પિટલ અને નર્સિંગ કોલેજ કાર્યરત છે. આ મેડીસિટીમાં દર્દીના સગાને રહેવા-જમવા માટેની ઉત્તમ સગવડો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

એટલું જ નહીં, ડોક્ટર્સ, મેડિકલ સ્ટુડન્ટ્સ માટે એકોમોડેશન, નવી લેબોરેટરી સહિતનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીં વિકસાવવામાં આવ્યું છે.કોવિડ દરમ્યાન સરકારે કરેલાં કાર્યોની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઇના નેતૃત્વમાં રાજ્યની સમગ્ર આરોગ્ય પ્રણાલિને કોવિડ મહામારી સામે લડવા કામે લગાડી હતી, તેમાં આ મેડીસિટી-સિવિલ હોસ્પિટલનું વિશેષ યોગદાન રહ્યું છે.

એટલું જ નહીં, દેશમાં કોરોના વિરોધી સ્વદેશી રસીનું નિર્માણ થયું અને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન વડાપ્રધાનના નેતૃત્વમાં પાર પાડ્યું હતું, જેમાં ગુજરાત દરેક તબક્કે અગ્રેસર પણ રહ્યુ છે.મુખ્યમંત્રીએ વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ આયુષ્માન ભારત યોજના વિશે વાત કરતા કહ્યું કે, આજે ભારત સરકાર અને ગુજરાત સરકાર એમ ડબલ એન્જિન સરકારને પરિણામે ગુજરાતની 3000 જેટલી હોસ્પિટલમાં 2700 જેટલી વિવિધ આરોગ્ય સેવાઓ દર્દીઓને કેશલેસ મળી રહી છે.

સમારંભના પ્રારંભે વડાપ્રધાન એ મુખ્યમંત્રી  તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સિવિલ મેડિસિટીના મોડેલને નિહાળ્યું હતું. વડાપ્રધાન એ ડાયાલિસિસના અને ડે-કેર કિમો થેરાપીના દર્દીઓ સાથે સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો. મોરવા હડફના દર્દી ખેડૂત  ભીમસિંહ બારીયા, જુનાગઢના મુકેશકુમાર સંધવી  અને વઘઇના મનોજભાઇ ચૌધરીની સ્વાસ્થ્ય પૃચ્છા કરીને તંદુરસ્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.