Abtak Media Google News

રોજ સવાર-સાંજ ભવ્ય આરતી, શ્રાવણી સોમવારે વિવિધ શણગારો-સત્સંગ આ શિવાલયે થાય છે, શાંત વાતાવરણમાં વડ-પીપળાનાં સાનિધ્યમાં શિવભકતો કરે છે અર્ચના-આરાધના: મંદિરની સ્થાપના ૩૬ વર્ષ પહેલા કરવામાં આવી હતી

શહેરનાં કાલાવડ રોડથી નજીક આવેલા ટાગોરનગર વિસ્તારમાં આવેલું હરગંગેશ્ર્વર મહાદેવ મંદિર શિવભકતોનું આસ્થાકેન્દ્ર છે. પ્રવર્તમાન કોરોના મહામારીના પગલે ગાઈડલાઈન મુજબ સામાજીક અંતર ફરજીયાત માસ્ક સાથે સેનેટાઈઝરના ઉપયોગ સાથે હાલ મંદિર શ્રાવણી પર્વ કાર્યરત છે.

આ મહાદેવની સ્થાપના તા.૧૫.૨.૧૯૮૪ના રોજ કરવામાં આવેલી હતી. બાદમાં તા.૨૦.૨.૧૬ના રોજ ર્જીણોધ્ધાર કરી ને ફરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હાલ મંદિરનું ટ્રસ્ટ સંચાલન કરે છે. જેમાં યુવક મંડળ સાથે પંકજભાઈ રાયજાદા અને સંજયભાઈ અનડકટની ટીમ કાર્યરત છે.

શિવાલયમાં વડ-પીપળો-કરણ, ફૂલછોડથી વાતાવરણ પર્યાવરણ સભર લાગે છે.પૂજારી તરીકે છેલ્લા ૩૬ વર્ષથી જગદીશભાઈ ત્રિવેદી પૂજા કરી રહ્યા છે. આ શિવાલયે ટાગોરનગર, નાલંદા સોસાયટી, નૂતનનગર, હિંગળાજનગર, અક્ષર માર્ગ જેવા વિવિધ વિસ્તારોનાં શિવભકતો આવે છે. દર અષાઢી બીજે નવા વર્ષે તથા શિવરાત્રીએ શિવાલયમાં ધ્વજા ચડાવાય છે. ભકતો પણ વર્ષમાં કેટલીક વાર માનતા માનીને ધજારોહણ કરે છે.

મંદિરનાં પ્રાંગણમાં હનુમાનજી, શિતળામાં, ઉમિયામાં, ખોડિયાર માં, ગાયત્રીમાં, સરસ્વતીમાં, જલારામબાપા, અંબાજી, રાધા-કૃષ્ણ, રામદરબાર, લક્ષ્મીનારાયણ જેવા ભગવાનની વિવિધ મૂર્તિ મંદિરો આવેલા છે. રોજ સવાર-સાંજ ભવ્ય આરતી, શ્રાવણ માસે દર સોમવારે શિવજીના વિવિધ શણગારો, શિવરાત્રીએ ચાર પ્રહરની પૂજા સાથે નિયમિત સત્સંગ કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.