Abtak Media Google News

યાંત્રિક આઈટમોનાં ધંધાર્થીઓએ જીએસટી ચુકવવાનો ઈન્કાર: તંત્ર જીએસટી વસુલવાની તરફેણમાં

શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.૧લી સપ્ટેમ્બરના રોજ યોજાનારા લોકમેળામાં ફજત-ફાળકા અને ચકરડી જેવી રાઈડસ માટે આજે હાથ ધરાયેલી હરરાજી પ્રક્રિયામાં યાંત્રિક આઈટમોના ધંધાર્થીઓએ જીએસટી ભરવાનો ઈન્કાર કરતા છેલ્લી ઘડીએ હરરાજી અટકી પડી હતી. જોકે લોકમેળા સમિતિ દ્વારા ગત વર્ષે રાઈડસમાં બેસવાની ટીકીટના દર રૂ.૨૦ માંથી ૩૦ કરવાનો નિર્ણય જીએસટીના કારણે જ કર્યો હોય જીએસટી તો વસુલ કરવામાં આવશે જ તેવું પ્રાંત અધિકારી પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગોરસ લોકમેળામાં કુલ ૪૪ યાંત્રિક આઈટમોના પ્લોટ માટે આજે હરરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ દર વખતની જેમ આ વર્ષે પણ યાંત્રિક આઈટમોના ધંધાર્થીઓએ સિન્ડીકેટ કરી લઈ રાઈડસ ટીકીટ પર કોઈપણ પ્રકારનો જીએસટી નહીં ચુકવે તેવું જણાવતા હરરાજી અટકી પડી હતી.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ જીએસટી અમલમાં આવી ગયું હતું આમ છતાં અમે નાના ધંધાર્થી છીએ અમારી પાસે જીએસટી નંબર નથી તેવું કહી યાંત્રિક આઈટમોના ધંધાર્થીઓએ જીએસટી ચુકવ્યો ન હતો. પરીણામ સ્વરૂપ આ વર્ષે લોકમેળા સમિતિ દ્વારા રાઈડસમાં બેસવાના ભાવ રૂ.૩૦ કરી આપ્યા હોવા છતાં યાંત્રિક આઈટમોના ધંધાર્થીઓએ તંત્ર પર દબાણ લાવવા જીએસટીનો મુદ્દો આગળ ધરી હરરાજીમાં ભાગ ન લેતા હરરાજી અટકી પડી હતી.

બીજી તરફ યાંત્રિક આઈટમના ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા એડવાન્સ ટેકસ માંગવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અમારી પાસે જીએસટી નંબર જ નથી તો અમો રીફંડ કેવી રીતે મેળવીએ તેવું બહાનું આગળ ધરી જીએસટી ચુકવવા નનૈયો ઘડયો હતો.

દરમિયાન લોકમેળા સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેકટર રાજકોટ એ.ટી.પટેલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, યાંત્રિક આઈટમોના ધંધાર્થીઓએ જીએસટી ચુકવવાની અસર્મથતા દર્શાવી છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ગત વર્ષે ટીકીટના દર રૂ.૨૦ માંથી  ૩૦ કરી દેવાયા છે. જે જીએસટી માટે કરાયા છે. જેથી યાંત્રિક આઈટમોના ધંધાર્થીઓની માંગણી ગેરવ્યાજબી છે. આ સંજોગોમાં જીએસટી તો વસુલ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

ફજેત-ફાળકા-ચકરડીની ટિકિટ રૂ.૨૦ની ૩૦ કરવા છતાં ધંધાર્થીઓનું ઉહું

લોકમેળાને લુંટ મેળો બનાવતા યાંત્રિક આઈટમોના ધંધાર્થીઓ દર વર્ષે સિન્ડીકેટ કરી તંત્ર પર દબાણ લાવવાની નિતી આ વર્ષે પણ ચાલુ રાખી છે ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે ગત વર્ષે તંત્ર દ્વારા ટીકીટના રૂ.૨૦ માંથી ૩૦ કરી આપવા છતાં યાંત્રિક આઈટમોના ધંધાર્થીઓએ જીએસટી ચુકવ્યો ન હતો ત્યારે આ વર્ષે તંત્ર દ્વારા ટીકીટના ભાવમાં થયેલા વધારાના પગલે જીએસટી વસુલ કરવા મકકમતા દર્શાવતા હરાજીમાં સર્જાયેલી મળાગાંઠ કયારે ઉકેલાય તે નકકી નથી.

રમકડા કોર્નર સ્ટોલની હરરાજી અને ડ્રોમાં તંત્રને ૫૫ લાખની આવક

આગામી ૧લી સપ્ટેમ્બરે યોજાનાર ગોરસ જન્માષ્ટમી લોકમેળામાં રમકડા, અને ચકરડી કેટેગરીમાં ડ્રો અને હરરાજીની પ્રક્રિયા સંપન્ન કરી લેવાઈ છે. લોકમેળા સમિતિને બી,સી,જે અને કે કેટેગરીમાં ડ્રો અને એ તથા બી વન કોર્નર કેટેગરીમાં રમકડા અને સ્ટોલની હરરાજી કરવામાં આવતા સૌથી નીચા ભાવ રૂ.૪૬ હજાર અને ઉંચા ભાવમાં ૭૫ હજારની બોલી બોલાઈ હતી અને તંત્રને ડ્રો તેમજ હરરાજી થકી કુલ મળી રૂ ૫૫ લાખની આવક થઈ હોવાનું લોકમેળા સમિતિના અધ્યક્ષ એ.ટી.પટેલે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.