Abtak Media Google News

ભારે પવન સાથે મસમોટા કરા વરસતા લોકોને સુરક્ષિત સ્થળે દોડી જવું પડયું: કરા બંધ થયા બાદ ભારે વરસાદ ખાબકયો, રોડ-રસ્તા પર પાણી ભરાયા

રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો, વાદળો છવાયા

પડધરીમાં આજે બપોરના સમયે કરા સાથે જોરદાર વરસાદ ખાબકયો હતો. ભારે પવન સાથે મસમોટા કરા વરસતાં લોકોને સુરક્ષિત સ્થળે દોડી જવાની પણ ફરજ પડી હતી ત્યારબાદ કરા બંધ થતાં ભારે વરસાદ ખાબકતા રોડ-રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો આવી ગયો હતો. પડધરીમાં પડેલા વરસાદના કારણે રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ગઈકાલે કાલાવડ-મોરબી સહિતના પંથકોમાં છાંટા પડયા હોવાનું પણ નોંધાયું હતું. ઉપરાંત આજે સવારે પણ રાજકોટ અને પડધરી સહિતના વિસ્તારોમાં છાંટા પડયા હતા. ત્યારબાદ આજે બપોરના સમયે પડધરી સહિતનાં આસપાસના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડયો હતો.

Img 20190416 Wa0053

ભરબપોરે મસમોટા બરફનાં કરા પડતા લોકો સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. થોડીવાર માટે આ કરા વરસ્યા હતા ત્યારબાદ ભારે વરસાદ પણ પડયો હતો. આ વરસાદના કારણે સમગ્ર પડધરીમાં રોડ-રસ્તામાં પર પાણી ફરી વળ્યા હતા. કરા અને વરસાદ સાથે ભારે પવન પણ ફુંકાયો હતો. જેના કારણે પડધરીમાં આવેલ કોંગ્રેસના કાર્યાલયના મંડપ પણ તુટી પડયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પણ નુકસાની સર્જાય હોવાનું જાણવા મળ્યું છે.

Img 20190416 Wa0059

છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે ભરબપોરે પડધરીમાં કરા સાથે ભારે વરસાદ પડતા ઠંડક પ્રસરી જવા પામી છે. ઉપરાંત આ વરસાદના કારણે પડધરીના આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણ વાદળછાયું થઈ જવા પામ્યું છે. રાજકોટમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે પડધરીમાં વરસાદ ખાબકતાં રાજકોટમાં પણ વાદળા છવાયા છે.

ચોમાસુ સામાન્ય રહેવાની ભારતીય હવામાન વિભાગની આગાહી

જુનથી સપ્ટેમ્બર સુધીમાં ૯૩ ટકા વરસાદ પડવાની ધારણા 

દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે અને ચોમાસાનાં ચાર મહિના દરમિયાન સરેરાશ ૯૬ ટકા વરસાદ થશે તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આ વર્ષના દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસાનું પ્રથમ અનુમાન જાહેર કર્યું છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનાં સેક્રેટરી ડો.એમ.રાજીવન અને ભારતીય હવામાન વિભાગનાં જનરલ સેક્રેટરી ડો.કે.જે.રમેશે જણાવ્યું હતું કે, આ વર્ષ ચોમાસા દરમિયાન જુનથી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ લગભગ સામાન્ય રહેવાનું અનુમાન છે. ૯૬ ટકા સરેરાશ વરસાદ થવાનું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે.

૧૯૫૧ થી ૨૦૦૦ સુધીમાં ચોમાસા દરમિયાન દેશમાં સરેરાશ ૮૯૦ મિલીમીટર વરસાદ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષ ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ નબળી રહેશે અને ચોમાસાનાં છેલ્લા બે મહિનામાં તેની તીવ્રતા ઓછી રહેવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વખતે ચોમાસાનાં વરસાદનું વિતરણ પણ સારું રહેશે જે આગામી ખરીફ પાક માટે ખુબ જ લાભદાયક અને ઉપયોગી સાબિત થશે તો નવાઈ નહીં. આ પહેલા પ્રાઈવેટ એજન્સી સ્કાયમેટે ૨૦૧૯માં દેશમાં વરસાદ સામાન્યથી ઓછો રહેવાનું અનુમાન કર્યું હતું. સ્કાયમેન્ટના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસામાં એલપીએની સરખામણીમાં ૯૩ ટકા વરસાદ થઈ શકે છે.

જુન-સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસામાં એલપીએ સરેરાશ ૮૮૭ મીલીમીટરની સરખામણીમાં ઓછો વરસાદ થશે ત્યારે સ્કાયમેટ દ્વારા ચોમાસું નબળી રહેવાની ૫૫ ટકા શકયતા રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. અગાઉ સ્કાયમેટે ૨૫ ફેબ્રુઆરીએ રીપોર્ટ બહાર પાડી આ વર્ષનું ચોમાસું સામાન્ય રહેવાનું પણ અનુમાન કર્યું હતું જોકે હાલ સ્થિતિમાં ખુબ જ પરીવર્તન જોવા મળી રહ્યું છે. વાત કરવામાં આવે તો ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬ની પરિસ્થિતિ ખુબ જ વિકટ હતી. કહેવાય છે કે, મોદી સરકારના પ્રથમ બે વર્ષ વરસાદ માટે સહેજ પણ લાભદાયી નિવડયા ન હતા. આશરે ૧૦ ટકા વરસાદ ઓછો પણ નોંધાયો હતો.

ભારત દેશ દ્વારા ૨૦૧૬-૧૭માં વરસાદ થોડો સામાન્ય રહ્યો હતો. જયારે ખાદ્યપદાર્થોમાં ૨૭૫.૧૧ મિલીયન ટનનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. પ્રાઈવેટ એજન્સી સ્કાયમેટે જણાવતા કહ્યું હતું કે, અલનીનોની સક્રિયતા આ વર્ષે ખુબ જ ઓછી રહેશે અને એલપીએ હેઠળ જુન, સપ્ટેમ્બર માસ સુધીમાં વરસાદ ૯૩ ટકા રહેવાની પણ સમગ્ર દેશમાં આશા સેવાઈ રહી છે ત્યારે ખેડુતો માટે આ ચોમાસાનું વર્ષ ખુબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થશે અને આ ચોમાસામાં ખરીફ પાકનું વાવેતર પણ વધુ થાય તેવી આશા સેવાઈ રહી છે.

રાજયભરમાં ૪૮ કલાક સુધી પવન સાથે વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને અપરએર સાયકલોનીક સરકયુલેશનનાં કારણે રાજયભરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને ગરમીનો પારો ઘટયો છે ત્યારે આગામી ૪૮ કલાક સુધીમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. જોકે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિતના અનેક સ્થળોએ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ નોંધાયું છે. ઉપરાંત અનેક સ્થળોએ છાંટા પણ વરસ્યા હોવાનું નોંધાયું છે ત્યારે રાજયભરમાં આગામી ૪૮ કલાક દરમિયાન પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સીઝનમાં માવઠું પડતા કેરીના પાકને ભારે નુકસાન પણ થવાનું છે. ઉપરાંત અન્ય ઉનાળુ પાકને નુકસાન થાય તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.