Abtak Media Google News

જ્યારે સામા પક્ષે સરપંચના પતિએ  પણ દુકાનદાર વિરુદ્ધ હળવદ મામલતદારમાં અનાજ ઓછું દેતો હોવાની કરી રજૂઆત

આમ તો ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે મહિલા સરપંચ હોવા છતાં પણ પંચાયતનો વહીવટ પતિદેવ કરતા હોય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના અજીતગઢ ગામે પ્રકાશમાં આવ્યો છે. અહીં સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદાર પાસે મહિલા સરપંચનો પતિ ખંડણી માંગતો હોવાની તેમજ પરિવાર પાસે બિભત્સ માંગણી કરતો હોવાની લેખિતમાં હળવદ પોલીસ મથકે દુકાનદાર  દ્વારા રજૂઆત કરાતા ચકચાર મચી જવા પામી છે. તો સામા પક્ષે મહિલા સરપંચના પતિએ પણ સસ્તા અનાજના દુકાનદાર વિરુદ્ધ મામલતદારને રજૂઆત કરી અનાજ ઓછું આપતો હોવાનો આક્ષેપ કર્યો છે. નાની સિંચાઇ કૌભાંડ સમયે મજા મજા કરો નેના સુત્રથી ચર્ચામાં આવેલા અજીતગઢના મહિલા સરપંચના પતિનો ખંડણી માંગતો ઓડિયો વાયરલ થતાં ચકચાર જાગી છે.

તાલુકાના અજીતગઢ ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતા ભરતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, અજીતગઢ ગામના મહિલા સરપંચના પતિ રજનીકાંત ઉર્ફે રજલો પટેલ અમોને અવારનવાર ફોન કરી ધમકી આપી અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપી રહ્યો છે તેમજ અમો ગામમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા હોય જેથી અવાર-નવાર ધમકાવી રૂપિયા લઈ જાય છે તેમજ હવે દર મહિને રૂપિયા ૧૫૦૦૦ આપવાનું કહી રહ્યો છે અને જો દુકાનના પૈસા નહિ આપો તો તમારી દુકાનનું લાયસન્સ રદ કરાવવાની ધમકી આપી હોવાનું લેખિત રજુઆતમાં જણાવાયું છે.

મહિલા સરપંચના પતિ સત્તાનો ગેરઉપયોગ કરી ગામ જ લોકોને ત્રાસ આપી રહ્યા હોવાનું બહાર આવતા પંથકમાં ચર્ચા ચકડોળે ચડી છે. તો બીજી તરફ અજીતગઢ ગામના મહિલા સરપંચના પતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.