Abtak Media Google News

જૂનાગઢના આ પ્રાચીન વૃક્ષો અનેક ઇતિહાસ, પૌરાણિક, દંતકથા તથા ઔષધિય ગુણો અને વિશિષ્ટતાની સાથે વિવિધ માન્યતા ધરાવતા છે

ધાર્મિક, ઐતિહાસિક અને પૌરાણિક એવું જુનાગઢ નગર અનેક ધાર્મિક, ઐતિહાસિક સ્થાનોની સાથે પૌરાણિક વારસાઓના નગર તરીકે દુનિયાભરના ઇતિહાસવિદ, અભ્યાસુ અને  પ્રવાસીઓ ઓળખી રહ્યા છે, માની રહ્યા છે ત્યારે આ જૂનાગઢમાં સમગ્ર જીવસૃષ્ટિ માટે વરદાન રૂપ એવા  21 હેરિટેજ વૃક્ષોનો વારસો પણ ધરાવે છે. જે બહુ ઓછાં લોકો જાણતા હશે.

Advertisement

ઇતિહાસની અનેક ધરોહર સાચવી બેઠેલા જૂનાગઢમાં આવેલ 21 જેટલા હેરિટેજ વૃક્ષોના ધાર્મિક અને પૌરાણીક મહત્વ તથા તેની ભવ્ય પ્રાચીનતા, ઔષધીઓ ઉપયોગ તેમજ તેની સાથે જોડાયેલ માન્યતાઓ, ઇતિહાસ પણ ઘણા રોચક અને વિશિષ્ટ છે. જૂનાગઢમાં ઘણા એવા વૃક્ષો છે, જે 200 વર્ષથી પણ પુરાણા છે, તો એવા અનેક વૃક્ષો પણ છે જેનો ઘેરાવો 200 ફૂટ તો કોઈ વૃક્ષની આભે અડે તેવી 60 ફૂટ જેવી ઊંચાઈ છે. આ સાથે, અહી સૌરાષ્ટ્રમાં જવલે જ જોવા મળતું અર્જુન નામનું વૃક્ષ છે. મૂલ્યવાન ઔષધી વૃક્ષ પુત્રંજીવા નામનું વૃક્ષ, તથા ગુજરાતનું સૌથી સૌથી પ્રાચીન મોહાગ્ન વૃક્ષ પણ જૂનાગઢની શાન છે.

જુનાગઢ શહેરમાં સરદાર બાગથી મોતીબાગ તરફ જવાના રસ્તા પર  જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયતન વિભાગ હસ્તકના મગડીબાગમાં સદીઓ પહેલાનું અતિ મૂલ્યવાન તથા ગુજરાતનું સૌથી પ્રાચીન 18 ફૂટના ઘેરાવાવાળું મગની યાને મોહગ્નીનું વૃક્ષ આવેલ છે, આ વૃક્ષ જુનાગઢ અને કૃષિ યુનિવર્સિટીની સાન છે, તથા એક વાત મુજબ ભારતના રાષ્ટ્રપતિ ભવનનું  મગનીના લાકડા માંથી ફર્નિચર બનાવેલું છે.

તે સાથે સ્વામિનારાયણ ધર્મના  લેખિત ગ્રંથમાં જે વૃક્ષનો ઉલ્લેખ છે. તેવું રાયણનું વૃક્ષ ભવનાથ રોડ પર સ્થિત રવેશ્વર મહાદેવના મંદિરની પૂર્વ બાજુએ અશોકના શિલાલેખ પાસે આવેલ છે, આ વૃક્ષની વિશાળતા એટલી છે કે, રોડ પરથી આ વૃક્ષને જોતા જ અચાંબો ખાઈ જાવાય. તો આ જ ભવનાથ રોડ ઉપર  વાઘેશ્વરી મંદિર પાસે આસ્થાના પ્રતીકસમા દુર્લભ એવા એક રૂખડાનું વૃક્ષ આવેલ છે. આ રુખડા વૃક્ષના દર્શન કરવા અનેક લોકો આવે છે તથા તેની માનતા પણ રખાય છે અને પૂરી કરવા પણ અનેક લોકો કાયમી નજરે ચડે છે.

આ સાથે એક લોકવાયકા મુજબ ગુરુ ભાગનાથ બાપુના સાનિધ્યમાં વેલનાથ બાવા જે વૃક્ષ આસપાસ નિવાસ કરતા હતા તે આશરે 200 વર્ષ પુરાણું 15 વડવાઈઓના વિશાળ સમુહ સાથે આશરે 200 ફૂટના ઘેરાવામાં આજે પણ અડીખમ ઉભેલું વડનું વૃક્ષ છે. આ વડ ભવનાથ વિસ્તારમાં આવેલ સુદર્શન તળાવની પાછળ વેલનાથ (વેલાવડની) અતિ પ્રાચીન જગ્યામાં આવેલ છે.

આજ રીતે સૌરાષ્ટ્રમાં જવલે જ જોવા મળતું અર્જુન નામનું વૃક્ષ કૃષિ યુનિવર્સિટીમાં હોસ્ટેલ તરફ જતા રસ્તા પર પશ્ચિમ દિશામાં પર આવેલ  છે. તો આશરે 60 ફૂટની ઊંચાઈ ધરાવતું વિશાળ પીપળનું વૃક્ષ જૂના બસ સ્ટેન્ડ અને ચર્ચ સામે ગુજરાત પોલ્યુશન બોર્ડની ઓફિસના ભાગમાં આવેલ છે, એક 125 વર્ષ પુરાણું બોરસલીનું વૃક્ષ સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં અને સદીઓ પુરાણું પ્રાચીન પવિત્ર તથા વિશાળ થળ તથા ગગનચુંબી ઘેરાવો ધરાવતું પીપળાનું વૃક્ષ કૃષિ યુનિવર્સિટીમાં મોતીબાગના પરી તળાવમાં પ્રવેશતા ડાબા હાથ પર આવેલ છે.

જુનાગઢમાં આર્યુવેદિક પદ્ધતિથી સેવન કરવાથી ગર્ભપાત થતો અટકી શકાય તેવું અને ગર્ભનું સ્થાપન કરતું, ભૃણને જીવાડનાર પુત્રંજીવા કે જીયાપોતો નામે ઓળખાતું વૃક્ષ આવેલ છે. જે સ્ત્રીને ગર્ભપાત થઈ જતો હોય તેને માટે આ વૃક્ષના ફળનો ઉપયોગ ઔષધીમાં ઉત્તમ ગણાય છે.

ટૂંકમાં જુનાગઢ ઐતિહાસિક ધરોહર સાથે 21 હેરિટેજ વૃક્ષોનો વારસો પણ છે. તેમાં મોતીબાગ પાસે બિલનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં કોઠાનું વૃક્ષ, ગાંધીચોક, ચિતાખાના નજીક દરગાહ પાસે લીમડ, જગવિખ્યાત સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સ્નેક વિભાગની પશ્ચિમ દિશામાં લાલ અમલી તથા વિશાળ ઊંચાઈ ધરાવતું બ્રાનિ્ંચગ પામ જેને દિવતાડ, રાવણ તાડ તરીકે ઓળખાય છે તે વૃક્ષ, કોલેજ રોડ પર આવેલા કૃષ્ણપ્રણામી મંદિરમાં પુરાણું ખીજડાનું વૃક્ષ, તે સાથે જોશીપરામાં પ્રાચીન લાલ આંબલી અને અદભુત બેડલું વૃક્ષ એવા ઉંબરો, પીપળો આવેલ છે.

જૂનાગઢના વૃક્ષોના ભવ્ય ઇતિહાસમાં આટલે થી નહિ અટકતા જૂનાગઢના શીતળા કુંડ અને નીલકંઠ મહાદેવના મંદિર પાસે આંબલીનું વૃક્ષ આવેલ છે, ભવનાથ શ્રેત્રમાં રૂપાયતન તરફ જતા રસ્તા પર રૂદ્રેશ્વર જાગીર આશ્રમની સામે કુદરતની કમાલ એવા તાડ અને વડના વૃક્ષ આવેલ છે.

આ ઉપરાંત જુનાગઢ શહેરમાં એક લાંધણ લીમડા તરીકે ઓળખવામાં આવતો ભવ્ય લીમડો આવેલ છે, જે જૂની કલેક્ટર કચેરી સામે આવેલ છે, આ લીમડાનું નામ લાંઘણ લીમડો કેમ પડ્યું તેની પણ એક રોચક વાત છે, આ લીમડા નજીક ભૂતકાળમાં કલેકટર મામલતદાર સહિતની સરકારી કચેરીઓ આવેલી હતી અને ત્યાં જિલ્લાના ઊંચ અધિકારીઓ બેસતા હતા ત્યારે સરકાર કે તંત્ર સામે અસંતોષ દર્શાવવા ઉપવાસીઓ આ લીમડા નીચે બેસીને ઉપવાસ આંદોલનો કરતા હોવાથી તેને લાંઘણ લીમડો તરીકે આજે પણ ઓળખવામાં આવે છે.

આમ ધાર્મિક, ઐતિહાસિક અને પૌરાણિક એવા જુનાગઢ નગરમાં ધાર્મિક, ઐતિહાસિક સ્થાનો, પૌરાણિક વારસાઓની સાથે આ નગર સમગ્ર જીવસૃષ્ટિ માટે વરદાન રૂપ એવા  21 હેરિટેજ વૃક્ષોનો વારસો પણ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.