Abtak Media Google News

અગાઉ ૨૮મી ડિસેમ્બરે પણ પાંચ સ્થળોએ કોરોના વેકસીન માટે સફળતાપૂર્વક મોકડ્રીલ હાથ ધરાઈ હતી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સીન આવ્યા પહેલા સંપૂર્ણ તૈયારીના ભાગરૂપે અગાઉ પાંચ સ્થળોએ મોકડ્રીલ કર્યા બાદ આવતીકાલે વધુ ૯ સ્થળોએ આરોગ્ય શાખા દ્વારા મોકડ્રીલ (ડ્રાય રન) કરવામાં આવશે.

આવતીકાલે સવારે  વોકહાર્ડ હોસ્પિટલ, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, શાળા નં. ૬૧,  કોઠારીયા આરોગ્ય કેન્દ્ર,  રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, શાળા નં. ૪૩ અને કોઠારી નિદાન કેન્દ્ર  રોટરી ભવન ખાતે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની મેડીકલ ટીમ દ્વારા મોકડ્રીલ (ડ્રાય રન) યોજાશે.

મોકડ્રીલ (ડ્રાય રન) દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જુદી જુદી જગ્યાએ એક સમાન રીતે કામગીરી કરવામાં આવશે. જેમાં મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, યુ.એચ.સી.એમ.ઓ., કોવીડ એમ.ઓ., સ્ટાફ નર્સ, ડી.ઈ.ઓ. અને એમ.પી.એચ. ડબલ્યુ. હાજર રહેશે. મનપા દ્વારા એકત્ર કરાયેલ ડેટા પ્રમાણે આરોગ્ય કર્મચારીઓને બોલાવવામાં આવશે. પસંદગી કરાયેલ ૯ સ્થળોએ ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવશે પ્રથમ વેઇટિંગ રૂમ, દ્વિતીય વેક્સીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ, જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યક્તિના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે અને વ્યક્તિએ એસએમએસ (એસ-સેનીટાઈઝ, એમ-માસ્ક, એસ-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે. દ્વિતીય રૂમમાં વેક્સીન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલ કો-વીન સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સીન લેનારને ૩૦ મીનીટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને ત્યાં પણ વ્યક્તિએ એસએમએસ (એસ-સેનીટાઈઝ, એમ-માસ્ક, એસ-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહે.

આ મોકડ્રીલ (ડ્રાય રન) કરવાનો હેતુ વેક્સીન સમયે ઉદ્દભવતા પ્રશ્નોનો પહેલાથી જ નિરાકરણ કરી શકાય. ડોક્યુમેન્ટ સંબંધી અથવા સોફ્ટવેર સંબંધી પ્રશ્નોનો નિરાકરણ કરી શકાય તેમજ આવનારા દિવસોમાં કોરોનાની વેક્સીન આપવાની થાય ત્યારે વધારે સારી રીતે અમલીકરણ કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.