Abtak Media Google News

ગેરકાયદે ગેસીફાયર બંધ કરવા હાઈકોર્ટે આપેલા ચુકાદાને આવકારતું મોરબી સિરામિક એસોસિએશન

મોરબી સિરામિક એસોસિએશન પર્યાવરણ જતન માટે તત્પર : કે.જી.કુંડારીયા

લીગલ મંજૂરી વાળા ગેસીફાયર બંધ નહિ થાય : નામદાર હાઇકોર્ટના ચુકાદાનું ખોટું અર્થઘટન કર્યું : નિલેશભાઈ જેતપરિયા

મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેરકાયદેસર ધમધમતા બી ટાઈપ ગેસીફાયર બંધ કરી સિંગાપુર ટેકનોલોજી અપનાવવા નામદાર હાઇકોર્ટે આપેલા ચુકાદાને મોરબી સિરામિક એસોસિએશને આવકારી પર્યાવરણ જતન માટે સિરામિક ઉદ્યોગકારો હંમેશા તત્પર હોવાનું જણાવ્યું હતું.

સિરામિક સીટી મોરબીમાં પ્રદુષણ ફેલાવતા કોલગેસ પ્લાન્ટ મુદ્દે હાઇકોર્ટમાં ચાલતા કાનૂની જંગમાં આજે નામદાર હાઇકોર્ટે કોઈપણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ધમધમતા બી ટાઈપ ગેસીફાયર બંધ કરાવવા ગુજરાત પોલ્યુશન બોર્ડને આદેશ કરતા ચકચારી મચી ગઇ છે, જો કે મોરબીમાં પાંચ પંદર જેટલા સીરામીક એકમોમાં જ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે કોલગેસ પ્લાન્ટ ચાલી રહ્યા છે.

બીજી તરફ નામદાર હાઇકોર્ટના ચુકાદા બાદ તમામ સિરામિક એકમોમાં ગેસીફાયર બંધ કરવા આદેશ થયો હોવાના સમાચાર વહેતા થતા મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે નામદાર હાઇકોર્ટના ચુકાદાનું ખોટું અર્થનઘટન કરવામાં આવી રહ્યું છે હકીકતમાં હાઇકોર્ટ દ્વારા ગેરકાયદે મંજૂરી વગર ચાલતા ગેસીફાયર બંધ કરવા આદેશ કરાયો છે.

વધુમાં નિલેશભાઈએ ઉમેર્યું હતું કે, નામદાર હાઇકોર્ટના આદેશને મોરબી સિરામિક એસોસિએશન આવકારે છે અને આવનાર ભવિષ્યમાં હાઇકોર્ટના દિશા સૂચન મુજબ સિંગાપુર જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ઉદ્યોગકારો હંમેશા નિયમ મુજબ કામગીરી કરવા કટિબદ્ધ છે.

દરમિયાન મોરબી સીરામીક એસોસિએશનના માજી પ્રમુખ કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગકારો પર્યાવરણ જાળવવા માટે હંમેશા તત્પર છે અને નામદાર હાઇકોર્ટના ચુકાદાને તેઓએ પણ આવકર્યો હતો.

જો કે મોરબીમાં અનેક સિરામિક એકમોમાં ધમધમી રહેલા ગેરકાયદે કોલગેસ પ્લાન્ટ બંધ કરાવવા હાઇકોર્ટે આપેલા આદેશનું પાલન કરાવવાની જવાબદારી ગુજરાત પોલ્યુશન બોર્ડના શિરે છે ત્યારે એનજીટીના નોમ્સ મુજબ જીપીસીબી ગેસીફાયર બંધ કરાવે છે કે કેમ તે જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.