Abtak Media Google News

ગિર અભ્યારણ્યમાં પસાર થતી રેલવે લાઈનો પર ફેન્સીંગ કરવા છતા સિંહોના રેલ અકસ્માત થતા મૃત્યુને અટકાવવા થયેલી પીઆઈએલમાં હાઈકોર્ટે અકસ્માતો અટકાવવા સુચના આપવા જણાવ્યું

એશીયાટીક સિંહોના આખરી રહેઠાણ એવા ગિર અભ્યારણમાંથી રેલવે લાઈનો પસાર થાય છે. આ રેલવે લાઈનો પર અવર જવર કરતી ટ્રેનોનાં કારણે અવાર નવાર સિંહોના મૃત્યુ થતા રહે છે. જંગલ અને રેલવે તંત્રની અનેક કાળજીઓ છતા સિંહો રેલવેની હડફેટે ચડી જવાના સમયાંતરે બનાવો બનતા રહે છે. સાવરકુંડલામાં તાજેતરમાં ત્રણ યુવાન સિંહોના રેલ હડફેટે મૃત્યુ થવાના મુદે ગુજરાત હાઈકોર્ટમં સુઓમોટો પીઆઈએલ થઈ હતી જેની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે સાવજોને મરતા કેવી રીતે બચાવી શકાય તે અંગેના સુચનો આપવા જણાવ્યું હતુ.

સાવરકુંડલા પાસે ગત ૧૭મી ડીસેમ્બરે રેલવેની હડફેટે આવી મૃત્યુ પામેલા ત્રણ યુવાન સિંહોના મુદે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો જાહેરહિતની અરજી થઈ છે. આ અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટ મિત્ર એડવોકેટ હેમાંગ શાહે વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૮ વચ્ચે ૧૮૨ સિંહોના અકુદરતી રીતે થયેલા મૃત્યુનો મુદો રજૂ કર્યો હતો. જેથી, હાઈકોર્ટે આ અંગેના સુચનો આપવા જણાવ્યું હતુ. બે મહિના અગાઉ હાઈકોર્ટે રાજય સરકાર અને જંગલ વિભાગના અધિકારીઓને રેલવે લાઈન ફરતે વાડ બાંધવાની અને ખૂલ્લા કુવા પર ફરતે પાળ કરવાની યોજના તુરંત પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

જેથી સરકારે રજૂ કરેલા એકશન ટેકન રીપોર્ટમાં કેટલાક કામો હજુ પડતર હોવાનું જણાવ્યું હતુ જયારે, રેલવે જંગલ વિસ્તારમાં ટ્રેનને ધીમી ચલાવીને રેલવે લાઈનની બંને તરફ ફેન્સીંગ બાંધવા, કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવામાં આવ્યા સહિતની વિગતો આપીને તેમની આ યોગ્ય કાર્યવાહીના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ૬૩ સિંહોને બચાવી શકાયાની રજુઆતો કરી હતી જે સામે શાહે એવો દાવો કર્યો હતો કે આવી ફેન્સીંગો છતાં પણ વન્ય પ્રાણીઓના જીવન પર સતત ભય ઝળુંબી રહ્યું છે.

આ દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે જણાવ્યું હતુ કે, રેલવેએ આવા અકસ્માતને અટકાવવા નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ ઉપરાંત, બેંચે શાહને જંગલ વિસ્તારોમાં ચાલતી ટ્રેનોને ખલેલ પહોચાડયા વગર એશિયન સિંહોના જીવનનો કેવી રીતે બચાવી શકાય.

તે અંગેના સુચનો આપવા જણાવ્યું હતુ આ અંગે તેઓ વન્ય નિષ્ણાંતોનો સુનો સલાહો મેળવીને ૭મી ફેબ્રુઆરી સુધીમાં હાઈકોર્ટ સમક્ષ રજૂ કરે તેમ પણ જણાવ્યું હતુ શાહે અગાઉ જંગલ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા, રાત્રે જંગલ વિસ્તારમાં વાહનો અને ટ્રેનોનીઅવર જવર પર પ્રતિબંધ મૂકવા અને અભ્યારણ્યમાં ચાલતા વાહનો પર ગતિમર્યાદા મૂકવા સહિતની સલાહો આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગિર અભ્યારણ્યમાંથી રાજુલા-પીપાવાવ વચ્ચેની ૪૦ કીમીની રેલવે લાઈન પસાર થાય છે. આ રેલવે લાઈન પર ચાલતી માલવાહક ટ્રેનોના કારણે જાન્યુઆરી ૨૦૧૮ થી ૨૦૧૯ વચ્ચે ૬૦ જેટલા સિંહોના અકસ્માતો થયા છે. જયારે ૬ સિંહોના મૃત્યુ થયા હતા આ રેલવે લાઈન પર બંને તરફ ફેન્સીંગ લગાવવામાં આવી હોવા છતા સાવજોના અકસ્માતે મૃત્યુના બનાવો અટકતા નથી જેથી સિંહોને અકુદરતી મૃત્યુના વધતા કિસ્સાઓને અટકાવવા ગુજરાત હાઈકોર્ટમાં આ સુઓમોટો જાહેર હિતની અરજી થઈ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.