Abtak Media Google News

લોધિકાના મેટોડા ગામે પત્નીને માવતરે મોકલી પરિવારજનો સાથે વાત કરી યુવાનનો આપઘાત

લોધીકાના મેટોડામાં ગૃહ ક્લેશથી માવતરે જઇ રહેલી પત્નીએ રેલ્વે સ્ટેશન પરથી વીડિયો કોલ કરતા પતિએ “હવે હું આ દુનિયામાં નથી” તેમ કહી ગળેફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. પત્નીને માવતર જવા માટેનું કહી પતિએ પરિવારજનો સાથે વાત કરી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધિકા તાલુકાના મેટોડામાં આવેલી નીલકમલ સોસાયટીમાં રહેતા રાહુલ હેમરાજભાઈ સોંદરવા નામનો 26 વર્ષનો યુવક પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

આ બનાવ અંગે લોધિકા પોલીસને જાણ થતાં લોધિકા પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. લોધિકા પોલીસે જરૂરી કાગળો કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક રાહુલ બે ભાઈમાં મોટો અને 10 માસ પૂર્વે તેના ગીર સોમનાથના કાજલી ગામની હેમવતીબેન સાથે લગ્ન થયા હતા. ગૃહકલેશના કારણે પત્ની માવતરે જવા નીકળી હતી અને રેલ્વે સ્ટેશન પરથી પતિ રાહુલ સોંદરવાને વિડીયો કોલ કર્યો હતો ત્યારે રાહુલ સોંદરવાએ “હવે હું આ દુનિયામાં નથી”તેમ કહી વિડીયો કોલ કટ કરી નાખ્યો હતો. પતિના શબ્દોથી ગભરાયેલી પત્ની રેલ્વે સ્ટેશનથી તાત્કાલિક ઘરે પરત આવતા પતિ રાહુલ સોંદરવા ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધિકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.