Abtak Media Google News

પરિવારને જાણ કરી આપઘાત કરતા આક્રંદ: ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહ બહાર કાઢયો

કોઠારીયા ચોકડી પાસે હરિઓમ પાર્કમાં રહેતા અને કડિયા કામ કરતા પ્રૌઢે બિમારીથી કંટાળી પોતાના પરિવારને જાણ કરી આજીડેમમાં ઝંપલાપી જીવન ટુંકાવ્યાની ઘટના આજીડેમ પોલીસ મથકમાં જાણ થતા પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહ બહાર કાઢયો હતો.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના કોઠારીયા ચોકડી પાસે હરિઓમ પાર્ક૨માં રહેતા અને કડિયા કામ કરતા દિપકભાઈ હેમંતભાઈ યાદવ નામના ૪૮ વર્ષીય પ્રૌઢે ગળાના કેન્સરના બિમારીથી કંટાળી ગઈકાલે સાંજે પોતાના પુત્રને જાણ કરી આજીડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ પોલીસ મથકે થતા ફાયરબ્રિગેડના જવાનો અને પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ શોધી કાઢયો હતો.

વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક દિપકભાઈ ગઈકાલે પોતે ઠેબચડા આશાપુરાધામ દર્શન કરવા જવાનું કહી નીકળ્યા બાદ મંદિરના બાપુ પદુબાપુ સાથે સેવાકિય પ્રવૃતિમાં જોડાયા હતા. ત્યારબાદ સાંજે પોતે મંદિરેથી રજા લઈ આજીડેમ તરફ જતા પોતાના પુત્ર નીલને ફોન દ્વારા પોતાને ગળાનું કેન્સર હોય માટે આપઘાત કરે છે તેવી જાણ કરી આજીડેમ જઈ પોતાનું બાઈક, પર્સ અને મોબાઈલ કિનારે રાખી આજીડેમની ખાડીમાં ઝંપલાવ્યું હતું.

પુત્ર નીલને પિતા દિપકભાઈનો ફોન આવતા તેણે આશાપુરાધામ ઠેબચડા ફોન કરી બાપુને જાણ કરી હતી ત્યારબાદ પદુબાપુ તથા પરિવારજનો દિપકભાઈની શોધખોળમાં લાગી ગયા હતા ત્યારબાદ પદુબાપુ આજીડેમની ખાડી પાસે પહોંચી તપાસ કરતા દિપકભાઈનું બાઈક, પર્સ અને મોબાઈલ મળી આવતા તુરંત પોલીસમાં જાણ કરી હતી. આજીડેમ પોલીસ મથકમાં જાણ થતા પોલીસ મથકના પીએસઆઈ આર.વી.કડછા અને રાઈટર કેતનભાઈ પરમાર ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથધરી હતી. ઘટનાના પગલે ફાયરબ્રિગેડના જવાનોએ આજી ખાડીમાં ઝંપલાવી શોધખોળ કરતા મહાજહેમતે મૃતદેહ બહાર કઢાયો હતો. મૃતક દિપકભાઈ પોતાના પુત્રને જાણ કરી આપઘાત કરતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.