Abtak Media Google News

સ્વામિનારાયણ સંપ્રદાયના 200 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો મહોત્સવ: 13મીએ મૂખ્યદિવસ: પ્રથમ દિવસે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહેશે: 11મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમતિ શાહના હસ્તે છાત્રાલયનું ભૂમિપૂજન

 

અબતક, રાજકોટ

રાજકોટ જિલ્લાનાં ઐતિહાસીક રાજકીય વારસો ધરાવતા સરધાર ગામે આજથી 200 વર્ષ પૂર્વ ભગવાન શ્રી સ્વામિનારાયણે ભવિષ્યમાં અહીયા મોટુ મંદિર થશે એવા આશીર્વાદ આપ્યો હતો તેવી અતિ પ્રાસાદિક જગ્યામાં પૂ. સ.ગૂ. સ્વામી શ્રી નિત્યસ્વરૂદાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રમાણે સૌરાષ્ટ્રનાં નજરાણારૂપ કલાત્મક નકશીકામ યુકત 70,000 ઘનફૂટ બંસીપહાડપૂર ગુલાબી પથ્થરમાં 155 ફૂટ લંબાઈ અને 105 ફૂટ પહોળાઈ તેમજ 81 ફૂટ ઉંચાઈ ધરાવતું વિશાળ પાંચ શિખરયુકત શ્રી સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 10 થી 18 ડિસેમ્બર સુધી વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હરિભકતોની ઉપસ્થિતિમાં ભવ્યતાથી ધામધૂમપૂર્વક ઉજવાશે.

મહિમાવંત તીર્થધામ સરધારને આંગણે પૂ.સ.ગુ. સ્વામી નિત્યસ્વરૂપદાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શનથી અને સમગ્ર સત્સંગ સમાજના સાથ સહકારથી પાંચ શિખર સહિત 70 હજાર ઘનફૂટમાં બંસીપહાડ પથ્થરમાં 99બાય 155 ફૂટના ઘેરાવાવાળું અને 81 ફૂટ ઉંચાઈવાળું તૈયાર થતા શિલ્પ સ્થાપત્યમાં સંપ્રદાયના નજરાણારૂપ બન્યું છે. આ મંદિરમાં 16 ધૂમ્મટ અને 108 સ્તંભ તેમજ 108 કમાન છત કોસલા નકશીકામ યુકત ભવ્ય મંદિર તૈયાર થયું છે.

પ.સ.ગુ.સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના નેતૃત્વમાં જગન્નાથપુરી, મહુવા, ભાવનગર, વિદ્યાનગર, ડોંબીવલી (મુંબઈ) વગેરે સ્થાનોમાં ભવ્ય શિખરબધ્ધ મંદિરો તેમજ 1000થી વધુ કોલેજીયન વિદ્યાર્થીઓ વિનામૂલ્યે રહેવા જમવાની આધુનિક સુવિધા પૂર્વક સરધાર-ભાવનગર, મહુવા અને વિધાનગર મંદિર છાત્રાલયમાં રહી સુંદર વિદ્યા અભ્યાસની સાથે સાથષ સત્સંગના દિવ્યગુણો પ્રાપ્ત કરી રહ્યા છે.

વર્તમાનકાળે પૂ. સ્વામીનું 100થી ઉપરાંત ત્યાગી શિષ્યમંડળ સરધાર-ભાવનગર, મહુવા, વિદ્યાનગર, સુરત, ડોંબીવલી (મુંબઈ) અને જગન્નાથપુરી મંદિરમાં નિવાસ કરીને ભગવાન શ્રીહરિના ભજન-સ્મરણ સહ સંપ્રદાય વિકાસ અને સત્સંગ પ્રચારનું અનેરૂ કાર્ય કરે છે. અને સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવ હિતાવહ દિવ્ય સંદેશાને મુમુક્ષુ જીવાત્મા સુધી પહોચાડવા માટે સત્સંગ વિચરણમાં અવિરતપણે ગતિશીલ છે.

મહોત્સવની આછેરી ઝલક

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના 200 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટા મહા મહોત્સવના આયોજક-પ્રયોજક અને વક્તા પૂ.સ.ગુ.સ્વામી નિત્યસ્વરૂપદાસજી રહેશે. 10 થી 18 ડિસેમ્બર સુધી નવદિનાત્મક મહોત્સવનો લ્હાવો. વડતાલ ગાદીના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા. તારીખ 13નો મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે: મહોત્સવનો મુખ્ય દિવસ. પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા સંતો-મહંતોના વરદ્ હસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન. 11ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના વરદ્ હસ્તે 2000 હજાર કોલેજિયન વિદ્યાર્થી માટે નિ:શુલ્ક છાત્રાલયનું ભૂમિપૂજન. શિયાળાની ઋતુ હોવાથી ગરમ પાણી સાથે ન્હાવા-ધોવાની ટોયલેટ-બાથરૂમની વ્યવસ્થા, દરરોજ આવનાર ભક્તો માટે ત્રણ ટાઇમ ભોજનની વ્યવસ્થા, પુરૂષ-સ્ત્રી ભક્તો માટે રહેવા-જમવાની જિલ્લા વાઇઝ અલગ-અલગ સુવિધા, એક લાખ શ્રોતાભક્તો બેસી શકે તેવો વિશાળ કથા મંડપ. 1009 કુંડી શ્રીહરિ મહાયજ્ઞ-યજમાનો અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞમાં આહુતિ અપાશે. 225 પોથી સંહિતા પારાયણનું વાંચન થશે. સંપ્રદાયના મુખ્ય ગ્ંરથ શ્રીમદ્ સત્સંગિજીવનની નવ દિવસ કથા થશે. મહોત્સવનો લાભ લેવા ભક્તોને શાનૂકુળતા રહે તે માટે 100 ફૂટ પહોળાઇનો સાડા પાંચ કિલોમીટરનો મહોત્સવ બાયપાસ રોડનું નિર્માણ. પ્રાસાદિક તળાવમાં સુંદર ઘાટનું ઉદ્ઘાટન તેમજ જાહેર જનતા માટે નૌકાનિહાર લોકાર્પણ. ઐતિહાસિક દરબાર ગઢના જાહેર જનતા માટે મ્યુઝિમ સ્વરૂપે દર્શન થશે. મહોત્સવ સાથે મનોરંજન માટે આનંદમેળો. વિવિધ રક્તદાન-સર્વરોગ નિદાન વગેરે મેડીકલ કેમ્પો, દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો. 15 હજારની વસ્તી ધરાવતા સરધાર ગામ નવ દિવસ સુધી ધુમાડાબંધ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.