Abtak Media Google News
  • લાલપુરના ગોવાણા ગામમાં ખુલ્લા બોરવેલ માં ફસાયેલો બાળક રાજ આખરે જિંદગીનો જંગ જીતી ગયો

  • ફાયર બ્રિગેડ તથા અન્ય તંત્રની ૯ કલાક ની અથાગ મહેનતને લઈને રેસ્ક્યુ કામગીરી આખરે સફળ પુરવાર થઈ

  • બાળકના પરિવારજનોએ હર્ષના આશું સાથે સમગ્ર વહીવટી તંત્રનો આભાર માન્યો: તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો

જામનગર સમાચાર :

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણ ગામે ગઈકાલે સાંજે 6:30 વાગ્યે ખુલ્લા ખેતર વાળીમાં મહારાષ્ટ્રના શ્રમિક પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ 200 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થયો હતો અને આ ઘટનાની જાણ થતાની સાથે જ જામનગર વહીવટી તંત્રનો તમામ કાફલો રાજને રેસ્ક્યુ કરવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો. જ્યારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે 9 કલાકની જહેમત બાદ આખરે રાજ જિંદગીનો જંગ જીતી ગયો અને વહીવટી તંત્ર દ્વારા તેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલાર પંથકમાં ખેતરોમાં ખુલ્લા બોરવેલમાં બાળકો ગરકાવ થવાની છેલ્લા છ મહિનામાં ગઈકાલે ત્રીજી ઘટના બની હતી જ્યારે અગાઉની બે ઘટના કે જેમાં તમાચણ ગામ અને રાણ ગામે બંને માસુમ બાળકોના કલાકોના રેસ્ક્યુ ઓપરેશન બાદ પણ દુઃખદ મોત થયા હતા. જ્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણામાં બનેલ ગઈકાલની ઘટનામાં વહીવટી તંત્રની મહેનત રંગ લાવી અને બે વર્ષના માસુમ બાળક રાજને બોરવેલમાંથી બહાર કાઢી સફળ ઓપરેશન પાર પાડી નવી જિંદગી આપવામાં આવી.

ગોરાણા ગામે વાળી ખેતરમાં મજૂરી કામ કરતા મહારાષ્ટ્રીયન પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ રમતા રમતા ચણાના ખેતરમાં પહોંચ્યો હતો અને ચણા ભરેલા ખેતરમાં અચાનક જ ખુલ્લા બસો ફૂટ ઊંડા બોરવેલમાં બાળક ગરકાવ થતા તેના માતા-પિતાને આ ઘટનાની જાણ થતાની સાથે જ બાળકના માતા પિતાએ ગામના આગેવાનો અને સરપંચને જાણ કરી અને તેમના દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવતા જામનગર જિલ્લાના વહીવટી તંત્રનો તમામ કાફલો ઘટના સ્થળે રેસ્ક્યુ માટે પહોંચ્યો હતો.

જામનગર મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન ઓફિસર રાકેશ ગોકાણી અને કામિલ મહેતાની ટીમ સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચી બોરવેલમાં 10 ફૂટની ઊંડાઈએ ફસાયેલા બાળકના બંને હાથ દોરીથી બાંધી લઈ તેને એક જગ્યાએ સ્થિર કરવામાં આવ્યો. ત્યારબાદ રિલાયન્સ સહિતની ફાયરની અનેક ટીમો ઓપરેશનમાં જોડાઈ અને 108 ની મદદથી બોરવેલમાં રહેલ બાળકને સતત ઓક્સિજન પૂરો પાડી તેના જીવ બચાવવામાં આવ્યો. સાથે સાથે બોરવેલની બાજુમાં ત્રણ ફૂટના અંતરે એક ઊંડો ખાડો કરી અને નીચેથી ઊંડો ખાડો કરી અને આખરે નવ કલાકની જહેમત બાદ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે બાળકનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું.

બોરવેલમાંથી બાળકને જીવિત કાઢ્યા બાદ 108 એમ્બ્યુલન્સમાં જીજી હોસ્પિટલના પીડિયાટ્રીક તબીબોની ટીમ દ્વારા બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી. જ્યારે જેવી હાલતમાં બાળક બોરવેલમાંથી જીવિત બહાર નીકળતા તેના માતા-પિતા અને રેસ્ક્યુ કરનાર તમામ લોકોમાં એક ખુશીનો આનંદ જોવા મળ્યો. મહત્વનું છે કે વહીવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગ તમામ વિભાગોની મહેનત રંગ લાવી અને જામનગરમાં ઇતિહાસમાં કહી શકાય કે પ્રથમ વખત બોરવેલમાં ગરકાવ બાળકને આખરે નવ કલાક બાદ પણ સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેનો જીવ બચાવવામાં આવ્યો.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.