Abtak Media Google News

આણંદપરમાં 86 એકર જગ્યાની પસંદગી થઈ હતી, તેમાં ઈંટોના ભઠ્ઠાના દબાણો હટાવવા સામે કોર્ટનો સ્ટે આવી જતા હવે માત્ર 35 એકર જેટલી જ જગ્યા વધી

રાજકોટને મહામહેનતે મળેલ ઇમિટેશન પાર્ક પ્રોજેકટ હવે ઘોંચમાં મુકાયો છે. કારણકે આ પ્રોજેકટ માટે જે સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું. ત્યાં દબાણ હટાવવા ઉપર કોર્ટનો સ્ટે આવી જતા આ પ્રોજેકટ હવે અન્ય સ્થળે ખસેડવો પડે તેવી નોબત આવી ગઈ છે.

Advertisement

રાજકોટનો ઇમિટેશન ઉદ્યોગ જગવિખ્યાત છે. તેના માટે રાજકોટમાં અલાયદો પાર્ક સ્થાપવામાં આવનાર છે. ઇમિટેશન જ્વેલરી પાર્ક સ્થાપવા માટે અગાઉ રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિએશન દ્વારા તે સમયે રાજ્યનાં મુખ્યમંત્રી તેમજ જીઆઇડીસી અને  ઉદ્યોગ કમિશનરને પણ દરખાસ્તો કરવામાં આવી હતી. ઇમિટેશન જ્વેલરી પાર્ક માટે અગાઉ બે લાખ સ્ક્વેર મીટર જગ્યા ટોકન ભાવે આપવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત પણ કરવામાં આવી હતી.

ઇમિટેશન જ્વેલરી પાર્કમાં ઉદ્યોગકારો દ્વારા અગાઉ 450 કરોડનું રોકાણ કરવા માટેની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી. વર્તમાન સમયમાં ચીન એ ઇમીટેશન જ્વેલરીનું હબ બન્યું છે અને ત્યાંથી વધુ જ્વેલરી નિકાસ થાય છે. આવી રીતે જો રાજકોટમાં પણ આ ઇમિટેશન જ્વેલરી પાર્કનું નિર્માણ થાય તો રાજકોટનાં વિકાસના દ્વાર ખુલી શકશે તેવી રજૂઆતો થઈ હતી.

જો કે બાદમાં રાજ્ય સરકારની લીલીઝંડી મળતાં જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇમિટેશન જ્વેલરી પાર્કના નિર્માણ માટે ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. આ ઇમિટેશન જ્વેલરી પાર્ક માટે આણંદપરની જમીનની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.

તેવામાં આણંદપર ગામે સર્વે નં.207ની 43 એકર જમીન ઉપર 211 જેટલા ઇટોના ભઠ્ઠાનું દબાણ હતું. જેમાં તાજેતરમાં તાલુકા મામલતદાર કરમટા અને તેમની ટિમ દ્વારા ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ આ ઇટોના ભઠ્ઠાવાળાઓએ સાંસદ અને ધારાસભ્યને રજુઆત કરી હતી. પરિણામે બન્ને નેતાઓએ કલેકટરને આ લોકોને સાંભળી બાદમાં નિર્ણય લેવા રજુઆત કરી હતી. જેથી કલેકટરે આ ડીમોલેશન અટકાવી દીધું હતું. બાદમાં મેટર કોર્ટમાં પહોંચતા કોર્ટે પણ આ ડીમોલેશન ઉપર સ્ટે આપી દીધો છે.

હવે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ઇમિટેશન પાર્ક માટે જે જમીનની પસંદગી થઈ છે. તે જમીનમાં જ ઈંટોના ભઠ્ઠાના દબાણ હોવાથી માંગણી મુજબ 86 એકર જમીન ઇમિટેશન પાર્ક મારે મળી શકે તેમ નથી. હાલ અહીં માત્ર 35 એકર જમીન જ બચી હોય હવે પ્રોજેકટ ઘોંચમાં મુકાઈ ગયો છે. આ પ્રોજેકટ બીજા સ્થળે ખસેડવામાં આવે તેવી નોબત આવી છે.

પ્રોજેકટ અન્ય સ્થળે ખસેડવામાં નહિ આવે તો વિલંબ

જો કલેકટર તંત્ર દ્વારા ઇમિટેશન પાર્ક માટેનો પ્રોજેકટ બીજી કોઈ જગ્યાએ ખસેડવામાં નહિ આવે અને આણંદપરની જગ્યાનો કોર્ટમાંથી રસ્તો ક્લિયર થાય તેવી રાહ જોવામાં આવશે. તો આ પ્રોજેકટમાં ઘણો વિલંબ થશે તેવું જાણકારો જણાવી રહ્યા છે. એટલે હાલના તબક્કે માત્ર બે વિકલ્પ છે કા તો આ પ્રોજેકટને અડધાથી પણ ઓછી જગ્યામાં ઉભો કરવામાં આવે અથવા તો પ્રોજેકટને બીજે સ્થળાંતર કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.