Abtak Media Google News

આજના યુગમાં કોઇને સાથે રહેવું ગમતું ન હોવાથી મોટા ભાગના સંયુક્ત પરિવારો વિભક્ત થઇ ગયા છે: પહેલા બધા સાથે રહેતા તેમાં નબળો ભાઇ સચવાઇ જતો હતો

કુટુંબએ સમાજની પાયાની સાર્વત્રિક સંસ્થા છે. પરિવારમાં જ બાળકોને ઉછેર જેવા મહત્વના કાર્યો જોવા મળે છે. દરેક વ્યક્તિના શારીરીક, માનસિકની સાથે સામાજીક વિકાસ અને જીવનનો પ્રારંભ કુટુંબમાંથી જ થાય છે. કુટુંબમાં પતિ-પત્નિ વચ્ચેના જોડાણનો સંબંધ છે. આદીકાળથી જૂથમાં રહેવા ટેવાયેલો માનવ ધીમેધીમે પ્રગતી કરી પોતાના ઘર બનાવીને પરિવાર વધારતો ગયોને કુટુંબોની વિવિધ પ્રથા અને રિવાજો અમલમાં આવ્યા. પરિવારની વાત જોઇએ તો સંયુક્ત, વિભક્ત, માતૃસત્તાક અને પિતૃસત્તાક કુટુંબ જેવા પરિવારો જોવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સુવર્ણ ગાળો સંયુક્ત કુટુંબ પરિવારનો ગણાય છે, તેમાં ઘરના મોભી વડીલની ભૂમિકા સૌથી અગત્યની હતી. પરિવારની દરેક બાબતમાં તેનું માર્ગદર્શન અગ્રીમ ભૂમિકા ભજવતું હતું.

‘વડીલ’ પરિવારને પ્રેમ પણ કરે અને ભૂલો થાય ત્યારે તેનો પ્રકોપ કે હાકોટ પણ બતાવે છે. તેમની ભૂમિકાને કારણે સંયુક્ત કુટુંબ અકબંધ રહેતો હતો. જે આજે જોવા મળતું નથી. આજના યુગમાં કોઇને સાથે રહેવું ગમતું ન હોવાને કારણે અલગ થતાં મોટાભાગના સંયુક્ત પરિવાર આજે ભાંગીને વિભક્ત પરિવારમાં ફેરવાય ગયા છે. પહેલા બધા ભાઇઓ, દાદા-દાદી સાથે પરિવાર ભેગો હતો ત્યારે પરિવારનો નબળો ભાઇ સચવાઇ જતોને તે ઉપરાંત તેના પ્રસંગો પણ સૌ સાથે મળીને ઉકેલી દેતા હતા. એ જમાનામાં પારિવારિક પ્રસંગો વિના વિઘ્ને પાર થઇ જતાં, તો એ જમાનામાં ચાર-પાંચ લગ્ન પ્રસંગો સંતાનોના કાઢતા છતાં ક્યારેય લોન લીધી હતી અને શોભે તેવા પ્રસંગોની ઉજવણી અને પરંપરા મુજબ સોનું પણ ચડાવાતું. આ બધુ સંયુક્ત કુટુંબમાં જશક્ય બને છે બાકી તો આજે વિભક્ત કુટુંબમાં કેવી હાલત થાય છે તે આપણે બધા જોઇએ છીએ.

પારિવારિક પ્રસંગો સંયુક્તમાં વિના વિઘ્ને પાર પડતા જે આજે બધી જ રીતે મુશ્કેલી વચ્ચે પૂર્ણ થાય છે: સંતાન ઉછેરમાં પણ તકલીફ પડતી ન હતી અને ગમે તેવી મુશ્કેલીમાં બધાનો સાથ મળતા મુશ્કેલી દૂર થઇ જતી

સંયુક્ત પરિવારમાં સંતાનોના લાલન, પાલન, ઉછેરમાં મુશ્કેલી આવતી નહીને છોકરા ક્યારેય મોટા થઇ જાય તેની ખબર પણ ના પડતી. દાદા-દાદીની વાતો છોકરાને બધા સંસ્કારો આપી દેતા હતા. વર્ષમાં આવતા વિવિધ તહેવારો, પ્રસંગોમાં પરિવાર આનંદ ઉલ્લાસથી ભાગ લેતો હતો. આજના યુગ જેવું તણાવ પરિવારમાં કદી જોયુ જ ન હતું. ગમે તેવી મુશ્કેલીમાં એકબીજાના સાથ સહકારથી પાર પડી જતી હતી. દરેક પરિવારનું પોતાના સમાજમાં નામ હોવાથી દિકરી લેવા કે દેવામાં ક્યારેય મુશ્કેલી પડતી નહીં. કુટુંબની શાખ જ કરોડોની સંપતિ ગણાતી હતી. આનંદ કિલ્લોથી, શાંતિથી રહેતો પરિવાર એકબીજાની હૂંફથી સફળ સંસાર યાત્રા બનાવતો હતો. આજના યુગમાં માણસોના સ્વભાવ, પ્રકૃત્તિઓ, જરૂરિયાતો સાથે વ્યક્તિઓના વર્તન સાવ જુદા હોવાથી ઘણા પરિવારો એક જમાનામાં નામ હતું તે આજે ભાંગી ગયા છે. કુટુંબ પ્રથા જ આપણું જીવન ગણાતું પણ સહનશીલતા કે જતુ કરવાની ભાવના ન હોવાથી પરિવારો મોતીના દાણાની જેમ વિખરાય ગયા છે.

કુટુંબ જૂથ લગ્ન, લોહી અથવા દત્તક સંબંધો દ્વારા અસ્તિત્વમાં આવે છે. પતિ-પત્નિનું બનેલું લાંબા ગાળાનું જૂથ એટલે પરિવાર એમાં સંતાનો અને તેના સંતાનો ઉમેરાતા પરિવાર મોટો થાય છે. માતા-પિતા, ભાઇ-બહેન, કાકા-કાકી, દાદા-દાદી, મામા-મામી, માસા-માસી, ફઇબા અને ફૂવા જેવા પારિવારિક સંબંધો જ એટલા મીઠા હોય છે કે તેમાં જીવનની મીઠાશ ભળતા સમગ્ર જીવન પુલકિત થઇ ઉઠે છે.

માતૃવંશી કુટુંબમાં વંશગણના માતાથી થાય છે અને બાળકના નામ પાછળ માતાનું નામ લખાય છે. પિતૃવંશીમાં પિતાથી વંશગણના થાય અને બાળક પાછળ પિતાનું નામ લખાય છે. માતૃસત્તાક કુટુંબમાં માતા સર્વોપરી સત્તા ભોગવે છે તો પિતૃસત્તાક કુટુંબમાં પુરૂષ સત્તા ભોગવે છે. આપણો દેશ પુરૂષ પ્રધાન દેશ છે તેથી પુરૂષનું આધિપત્ય રહે છે. સૌથી શ્રેષ્ઠ વ્યસ્થા સંયુક્ત કુટુંબની ગણાય છે, જે કદની દ્રષ્ટિએ વિશાળ ગણાય છે. એક સાથે બે કે ત્રણ પેઢી સાથે રહે છે. પરિવારની મિલ્કતમાં તમામનો હક્ક હોય છે. કુટુંબના વડાનો નિર્ણય સૌએ માન્ય રાખવો પડે છે. આવા પરિવારમાં વડીલ સામે કોઇ બોલી શકતું ન હતું. આવા પરિવારમાં વૃધ્ધ, વિધવા, અપંગ, અશક્ત વિગેરે સભ્યો સલામતી ભોગવતા અને આશ્રય પણ મળતો.

વિભક્ત કુટુંબમાં પતિ-પત્નિ બાળકો જ રહેતા હોવાથી શાળાએ મુકવા-લેવા કે બહાર ગામ જતી વખતે ઘણી મુશ્કેલી ભોગવવી પડે છે. ચાર જણામાં પપ્પા પાસે ભલે સર્વસત્તા રહી પણ નિર્ણયો તો સર્વ સંમતિથી જ લેવામાં આવે છે. આ સિસ્ટમનો ફાયદો એ છે કે મહિલા-બાળકોને સ્વતંત્રતા મળતી હોવાથી તેની પ્રગતિ અને વિકાસની વધુ તકો મળે છે. આજે સંયુક્ત કુટુંબ તૂટવા લાગ્યા છે પણ તેને તૂટવા દેવા માંગતા ન હોવાના પ્રયાસોમાં સૌથી વધુ આડે સભ્યોનો ગુસ્સો, જીદ્ી વલણ, સહનશીલતાનો અભાવ વિગેરે તેને સાંધવા દેતા નથી. સહનશીલ લોકોનું એક જૂથ શ્રેષ્ઠ કુટુંબ બની શકે છે. વડીલ પોતાની કુનેહથી પરિવારને એક તાંતણે બાંધી રાખે છે. ઘરના મોભી સ્ત્રી હોય કે પુરૂષ પણ તેની ધીરજ અને અખૂટ સહનશીલતા જ પરિવારને તૂટતો બચાવી શકે છે.

સંયુક્ત પરિવારનાં શ્રેષ્ઠ નિયમો આજે લુપ્ત થઇ ગયા !!

દરેક પરિવારમાં સૌ સાથે મળીને પ્રાર્થના કરતા અને બધા ભેગા મળીને જ જમવા બેસતા. બધા રાત્રે ફ્રી થયા બાદ ગૃપમાં બેસીને વાતો કરતાંને આનંદ કરતાં. પરિવારના સભ્યોની મુશ્કેલી સમયે સૌ સાથે મળીને સહયોગ આપતાં. પહેલો સગો પાડોશીનો ધર્મ નિભાવીને મદદ કરતા હતાં. વડિલોને માન-સન્માન અને આદર આપતાં હતા તો હોળી, દિવાળી, સાતમ-આઠમ જેવા વિવિધ તહેવારો સૌ સાથે મળીને હર્ષોલ્લાસથી ઉજવતાં હતા. મહિને એકાદવાર બધા જ ફરવા જતા ને ઘેરથી જ જમવાનું બનાવીને લઇ જતાં હતા. આ બધી વાતો સંયુક્ત પરિવાર હતા ત્યાં સુધી ટકી રહી હતી. આજે તો એ તમામ શ્રેષ્ઠ નિયમો, પરંપરા સાવ તૂટી ગઇ છે કે લુપ્ત થઇ ગઇ છે. એ જમાનામાં મહેમાનો લગ્નના ચાર-પાંચ દિવસ અગાઉ આવી જતાંને છતાં ક્યારેય અગવડતા પડી નહીં. આજના બાળકોને આ બધી સોનેરી જીવનની વાતો કરજો, એ જ આપણી મૂડી હતી, સંસ્કૃતિ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.