Abtak Media Google News

જામનગરમાં અનેક સમસ્યાઓ અમરત્વ લઈને આવી છે

જામનગર શહેરની કેટલીક સમસ્યાઓ ’અમરત્વ’ લઈને આવી છે, તેમાં ટ્રાફિક સમસ્યા અગ્રીમ હરોળમાં છે. ’જામનગરની ટ્રાફિક સમસ્યા અને તેને અણઉકેલ રાખવાનું કૌશલ્ય’ એવા કોઈ વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોર્ષ શરૃ કરવો જોઈએ અથવા કોઈએ પીએચ.ડી કરવું જોઈએ.

જામનગરના એસ.પી. તરીકે હવાલો સંભાળતા વેંત જ શરદ સિંઘલે ’સિંઘમ્’ ફેઈમ એક્શન લઈને ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવાનું ’બીડું’ ઝડપ્યું. તે પછી શહેર-જિલ્લાની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંદર્ભે તેમની સમક્ષ કદાચ જાત-જાતના ’બીડાં’ આવ્યા હશે, પરંતુ એસ.પી.એ નગરની ટ્રાફિક સમસ્યા નિવારવાનો પડકાર ઝીલી લીધા પછી એવું મનાવા લાગ્યું હતું કે, શહેરની ટ્રાફિક સમસ્યા હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે.

જો કે સમસ્યા જેટલી જુની હોય, તેટલા તેના મૂળિયા મજબૂત હોય, તેમાં પણ શહેરની શેર-ગલીઓથી લઈને ધોરીમાર્ગો સુધી ધારદાર શીંગડાવાળા તગડા પશુઓ બેફામ દાદાગીરીથી રોડની વચ્ચે સમૂહમાં ઊભા રહીને  અને આકાશ તરફ જોઈને ભાંભરડા પાડતા હોય, ત્યારે એવું લાગે કે આ પશુઓ જાણે કે અટ્હાસ્ય કરી રહ્યા છે, અને ભગવાનને  પણ રાવણ-કંસ ફેઈમ પડકાર ફેંકી રહ્યા છે કે, ’અમને અહીંથી ભગવાન પણ હટાવી શકે તેમ નથી, કારણ કે વર્તમાન શાસકોમાં દમ જ નથી!’,

આ શહેરમાં માત્ર રખડતા ઢોર જ ટ્રાફિક સમસ્યાનું મૂળ કારણ નથી, પણ તે જ પ્રકારના  અનેક મૂળિયા છે, જે એસ.પી.  સિંઘલે એક એક કરીને શોધી કાઢવા પડશે અને તેને ખતમ કરવા પડશે.

જામનગરની ટ્રાફિક સમસ્યાનું એક મોટું કારણ જનતામાં પણ ટ્રાફિક સેન્સનો અભાવ છે, એન છોટીકાશીના ઘણાં ગૌરવશાળી નાગરિકો હજુ પણ પોતાને ’રજવાડી’ રૈયત્ માને છે, અને રોંગસાઈડમાં વાહનો ચલાવવા, ગમે ત્યાં વાહનો પાર્ક  કરી દેવા કે પછી ટ્રાફિકના નિયમોનો ખૂલ્લેઆમ ઉલાળિયો કરી દેવો, તેને ’જન્મસિદ્ધ’ અધિકારી માને છે. આ માટે એસ.પી. સિંઘલે જામ્યુકોના સહયોગથી વોર્ડવાર ’તાલમી કેન્દ્રો’ પોલીસને જનજાગૃતિ ફેલાવવી પડે તેમ છે. આ પ્રકારની ’તાલીમ’ આપ્યા વગર ટ્રાફિક વ્યવસ્થાના કોઈપણ સુધારાત્મક પગલાં વેડફાઈ જવાનો ખતરો રહેવાનો છે.

એવું જાણવા મળે છે કે, જામ્યુકોએ બંધ પડેલા ટ્રાફિક સિગ્નલોના નિભાવ મો બાર-તેર લાખનો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે, પરંતુ બંધ જ હાલતમાં સિગ્નલોનો નિભાવ કરવાનો કોઈ અર્થ નહીં હોવાથી જામ્યુકોને કદાચ આ સિગ્નલ ફરીથી શરૃ કરવા પોલીસ તંત્રે કહ્ય હોય, કે પછી જામ્યુકોના શાસકોને શાણપણ સુઝ્યું હોય, જે હોય તે ખરૃ, પરંતુ ટ્રાફિક સિગ્નલો શરૃ થાય તો સીસી ટીવી કેમેરા અને ઈ-મેમોની પ્રક્રિયા ઝડપી અને અસરકારક બનાવવી પડશે, અને જનતાને તાલીમ આપવી પડશે અને એ પણ જો આ કાટ ખાઈ ગયેલા જુના ટ્રાફિક સિગ્નલ લાંબો સમય કાર્યરત  રહે તો સંભવ બને!

શહેરોનો વિકાસ થતો રહે, પરંતુ શહેરીજનોની માનસિક્તા જો રજવાડી સમયની રહે અને તંત્રોની માનસિક્તા જો અંગ્રેજોની રહે, તો ટ્રાફિક જેવી અનેક એવી સમસ્યાઓ ઊભી થાય, કે જેને ભગવાન પણ કદાચ હલ ન કરી શકે!

જામનગરના અનેક સર્કલો પર થતાં ટ્રાફિક જામ, અનેક સ્થળે રોજ-બ-રોજ થતા નાના-મોટા અકસ્માતો, વાહન સાથે વાહન જ નહીં, પરંતુ પગપાળા નગર યાત્રિઓના પરસ્પર અથડાઈ જવાથી ક્યારેક ઊભી થતી રમૂજ અને જામનગરના માર્ગોનો પોતાની બાપદાદાની વિરાસત સમજીને અડીંગો જમાવી રહેલા રખડુ ઢોરના ભાંભરડા… આ બધું જોઈને કદાચ એસ.પી. સિંઘલે ટ્રાફિક સિગ્નલ ઉપરાંત પણ કોઈ નવી યુક્તિ-પ્રયુક્તિની શોધખોળ કરવી પડશે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.