Abtak Media Google News

જીવનાં જોખમે કામગીરી કરનાર કોરોના વોરિયર્સને અભિનંદન આપતો ઠરાવ પસાર કરાયો: કોરોના સામે અત્યાર સુધી શું કામગીરી કરી

તેની વિગતો આપી પરંતુ સંક્રમણને નાથવા ભવિષ્યનું શું પ્લાનીંગ પણ તેના વિશે એક શબ્દ પણ ન ઉચાર્યો: નમસ્તે ટ્રમ્પ અને રાહુલ ગાંધીના મુદ્દે પણ હોબાળો

રાજકોટ મહાનગરપાલિકાનાં ચાર મહિનાનાં લાંબા અંતરાલ બાદ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં શાસક અને વિપક્ષનાં નગરસેવકો કોરોનાની ચર્ચાનાં મુદ્દે પણ ઉગ્ર જીભાજોડી પર ઉતરી આવ્યા હતા. પ્રજાને જાણે વિસરી દેવામાં આવી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. કોરોના સામે લડવા અત્યાર સુધી શું કામગીરી કરવામાં આવી તેની સતત ૪૫ મિનિટ સુધી માહિતી આપવામાં આવી હતી પરંતુ સતત વધી રહેલા સંક્રમણને નાથવા ભવિષ્યનું શું પ્લાનીંગ છે તે અંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે એક શબ્દ પણ ઉચાર્યો ન હતો. લાખો લોકોને સીધી અસર કરતા કોરોનાની ચર્ચામાં વારંવાર ભાજપ અને કોંગ્રેસનાં નગરસેવકો ઉગ્ર બોલાચાલી પર ઉતરી આવતા હતા. નમસ્તે ટ્રમ્પ અને રાહુલ ગાંધી જેવા નેતાઓ પણ બોર્ડમાં ઉછળ્યા હતા. શાસકોએ બહુમતીનાં જોરે તમામ દરખાસ્તોને મંજુરીની મહોર મારી દીધી હતી.

હાલ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેને ધ્યાનમાં રાખી મહાપાલિકાની જનરલ બોર્ડની બેઠક શહેરનાં રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. બોર્ડમાં આવનાર તમામ નગરસેવકો, અધિકારીઓ અને પ્રેક્ષકોનું થર્મલ સ્કેનીંગ અને સેનેટાઈઝર પણ કરવામાં આવતું હતું. બોર્ડનો એક કલાકનો પ્રશ્ર્નોતરીકાળ સર્વાનુમતે કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ સમયમાં કોરોના વિશે ચર્ચા કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. છેલ્લા ૩ માસથી જીવનાં જોખમે કોરોના સામે કોરોના વોરિયર્સને અભિનંદન આપતો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે રજુ કર્યો હતો જેને કમલેશ મિરાણીએ ટેકો આપતા ઠરાવ બોર્ડમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોરોનામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા માટેનો શોક ઠરાવ પણ બોર્ડમાં રજુ કરાયો હતો. ગત જાન્યુઆરી માસથી લઈ આજસુધી કોરોના સામે મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીનો સંપૂર્ણ ચિતાર મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. દરમિયાન કોંગ્રેસનાં કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ એવી માંગણી કરી હતી કે, અત્યાર સુધી શું કામગીરી કરવામાં આવી છે તેના વિશે માહિતી આપવાનાં બદલે હાલ સતત સંક્રમણ વધી રહ્યું છે ત્યારે મહાપાલિકાનું શું પ્લાનિંગ છે તેની માહિતી આપવી જોઈએ. આ મુદ્દે કોંગ્રેસનાં કોર્પોરેટર ઘનશ્યામસિંહ અને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ વચ્ચે ભારે જીભાજોડી થઈ હતી.

કોરોના અંગે માહિતી અપાયા બાદ સુચનો આપવા માટે શાસક અને વિપક્ષ બંનેને ૫-૫ મિનિટનો સમય આપવામાં આવે તેવી નીતિનભાઈ ભારદ્વાજ માંગણી કરી ત્યારે પણ બોર્ડમાં ભારે હોબાળો મચી ગયો હતો. ગાયત્રીબા વાઘેલાએ એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે આ ચાર મહિના પછી બોર્ડ મળી રહ્યું છે અને હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેના અંગે સુચન આપવા માટે માત્ર પાંચ મિનિટનો સમય આપવો તે યોગ્ય નથી. વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવા પાછળ ગત ફેબ્રુઆરી માસમાં અમદાવાદમાં યોજાયેલો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે જેની સામે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે ઉગ્ર દલીલ કરી હતી કે કોંગ્રેસ શાસિત રાજયોમાં પણ કોરોના ચરમસીમાએ છે તો ત્યાં સુધી રાહુલ ગાંધીનાં કારણે કોરોનાનાં કેસ વધી રહ્યા છે. પ્રશ્ર્નોતરીકાળ રદ કરી અને આ સમય કોરોના અંગે ચર્ચા કરવા માટે ફાળવવાનો નિર્ણય ખુબ જ સારો હતો પરંતુ શાસક અને વિપક્ષનાં નગરસેવકોએ આ સમયએ ખોટી ચર્ચાઓ, દલીલો અને જીભાજોડીમાં વેડફી નાખ્યો હતો.

બોર્ડમાં મંજુરી અર્થે મુકવામાં આવેલી તમામ ૧૫ દરખાસ્ત ઉપરાંત ૧ અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી જયારે વિરોધ પક્ષનાં નેતા તરફથી એવી અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મુકવામાં આવી હતી કે, એસઈડબલ્યુએસ સિવાયનાં તમામ પ્લોટ કે જેની ઉપર વર્ષોથી જુના રહેણાંક મકાન છે તે રેગ્યુરાઈઝ કરવાની દરખાસ્ત બહુમતીએ નામંજુર કરવામાં આવી હતી.

ટીપીનાં ૯૮ પ્લોટને નિયમિત કરવાની વિપક્ષની દરખાસ્ત બહુમતીથી નામંજુર

મહાપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં શહેરનાં વોર્ડ નં.૯માં રૈયા ટીપી સ્કીમ નં.૧નાં અંતિમ ખંડ નંબર ૧૨૭૬ને ગાર્ડન હેતુમાંથી રહેણાંક હેતુમાં ફેરફાર કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જેની સામે વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જેમાં એસઈડબલ્યુએસ સિવાયનાં તમામ પ્લોટ કે જેના ઉપર વર્ષો જુના રહેણાંક મકાનો છે તે રેગ્યુરાઈઝ કરવી. જોકે શાસકોએ બહુમતીનાં જોરે આ દરખાસ્તને ફગાવી દીધી હતી. આખરી નગર રચના-૧ રૈયા અંતિમ ખંડ નં.૧૨૭૬ને જે ગાર્ડન(બગીચાના)ના હેતુ માટે છે તેમાંથી હેતુફેર કરી રહેણાંકના હેતુમાં ફેર કરવા સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૧ રૈયા (દ્વિતીય ફેરફાર) ઈરાદો બનાવવા માટેનો જાહેર કરવાની દરખાસ્ત આજના જનરલ બોર્ડમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા મુકવામાં આવી છે અમો કોંગ્રેસના કોર્પોરેટર હોદાની રુએ એક દરખાસ્ત મુકી છે કે સમગ્ર રાજકોટ શહેરમાં એસઈડબલ્યુએસના પ્લોટ સિવાય તમામ પ્લોટોમાં કે જે રહેણાંક વિસ્તારમાં વર્ષો જુના મકાનો ઉભા હોય તેવી તમામ પ્રકારની સોસાયટીઓ તેમજ વર્ષોજુના રહેણાંકના મકાનો હોય તે તમામ ટી.પી. સ્કીમમાં પ્રજાના હિતાર્થે અનામત પ્લોટના હેતુફેર કરી રાજકોટની પ્રજાને જે રીતે આજના જનરલ બોર્ડમાં રૈયા અંતિમખંડ-૧૨૭૬ને ગાર્ડનના હેતુ માંથી રહેણાંકના હેતુમાટે હેતુફેર કરવામાં આવે છે તેવીજ રીતે રાજકોટ મહાનગરપાલિકા પાસે અલગ અલગ ટીપી સ્કીમોના ખાતે જુદાજુદા હેતુના પ્લોટો જેવા કે પાર્કિંગ પ્લોટ, શાળા અને રમતગમત, બગીચા, શોપિંગ સેન્ટર, ખુલ્લી જમીન, વેંચાણથી રહેણાંકના પ્લોટ, સામાજિક હેતુ, માર્કેટ, હોસ્પિટલ માટે, વાણીજ્ય હેતુ, વગેરે હેતુ માટે રાજકોટ મહાનગરપાલિકા પાસે રૈયા અંતિમ ખંડ -૧૨૭૬ જેવા જ દબાણ વાળા રાજકોટ શહેરમાં સેન્ટ્રલ ઝોન માં ૨૩ પ્લોટોમાં દબાણ છે વેસ્ટ ઝોનમાં ૩૮ પ્લોટમાં દબાણ છે અને શહેરના ઈસ્ટ ઝોનમાં ૩૭ પ્લોટમાં દબાણ થયેલ છે તો રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને કમિશ્નર પાસે માંગણી કરીએ છીએ કે જો આપ રૈયા અંતિમખંડ  ૧૨૭૬નો હેતુફેર કરી શકતા હોવ તો અમોએ આપેલ ત્રણેય ઝોનમાં આવેલ ટોટલ ૯૮ પ્લોટોને પણ હેતુફેર કરી કાયમી માટે રેગ્યુલરાઈઝ કરી આપવા જોઈએ તેવી દરખાસ્ત આજે વિપક્ષી નેતા વશરામ સાગઠીયા દ્વારા જનરલ બોર્ડ સમક્ષ રજુ કરવામાં આવી હતી પરંતુ શાસકોએ બહુમતીનાં જોરે આ દરખાસ્તને ફગાવી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.