Abtak Media Google News

ધો.૧૨ કોમર્સમાં ૯૯.૯૪ પીઆર સાથે બોર્ડમાં છઠ્ઠુ સ્થાન
ઝળહળતી સફળતા બદલ અભિનંદન પાઠવતા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી, ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી

આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા પરંતુ ભણવામાં અત્યંત તેજસ્વી તેવા વિદ્યાર્થીઓને ધો.૮ થી ધો.૧૨ સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડતી સંસ્થા પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટના ધો.૧૨ કોમર્સના લાભાર્થી છાત્રોએ તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ઉત્કૃષ્ટ ટકાવારી સાથે ઝહળહળતી સફળતા મેળવી સતત ૨૦મા વર્ષ ૧૦૦ ટકા પરિણામનો સિલસીલો જાળવી રાખ્યો છે. તમામ છાત્રોને મુખ્યમંત્રી તથા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્ચ કારકીર્દી માટેની શુભેચ્છા પાઠવી છે.
ધો.૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માકડીયા કુસુમ, ઘીયાડ ચાર્મી, સોલંકી આશીષ, માટીયા નેહા, પરમાર પ્રવિણ, સવસેટા નેહા, થાળકીયા રોહિતએ ૯૯.૯૪% સુધી પર્સન્ટાઈલ રેન્ક મેળવી ઝળહળતી સફળતા મેળવી છે. જેમાંથી માકડીયા કુસુમ અને ઘીયાડ ચાર્મી એ ૯૯.૯૪% પર્સન્ટાઈલ રેન્ક મેળવી બોર્ડમાં છઠ્ઠુ સ્થાન મેળવી તેમજ ઓર્ગેનાઈઝેશન ઓફ કોમર્સમાં ઘીયાડ ચાર્મીએ ૧૦૦માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી ટ્રસ્ટનું નામ રોશન કરેલ છે.
ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા દતક લેવાતા બાળકોને ધો.૮માં શહેરની શ્રેષ્ઠ સ્કૂલોમાં એડમિશન અપાવી તેમનો ધો.૧૨ સુધીનો તમામ શૈક્ષણીક ખર્ચ જેવો કે સ્કૂલ ફી, પુસ્તકો, માર્ગદર્શિકાઓ, યુનિફોર્મ બુટ, મોજા, દફતર સહિતનો તમામ ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે. ઉપરાંત ટ્રસ્ટમાં ગ્રુપ ટયુશનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. સ્કુલે જવા આવવા માટે સાયકલ પણ આપવામાં આવે છે તેમજ જરૂર પડયે વિનામૂલ્યે આરોગ્ય સારવારનો ખર્ચ પણ ટ્રસ્ટ ભોગવે છે.
વિદ્યાર્થીઓના ઘડતરની વ્યકિતગત કાળજી લેવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અન્ય ટ્રસ્ટીઓ મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી રાજેશભાઈ રૂપાણી, અમિનેષ રૂપાણી, પ્રોજેકટ ઈન્ચાર્જ અરવિંદભાઈ બગડાઈ તથા કમિટી મેમ્બર્સ જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવીયા, સી.કે. બારોટ, મીરાબેન મેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ તથા હસુભાઈ ગણાત્રા જહેમત ઉઠાવે છે. વિશેષ માહિતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં. ૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.