Abtak Media Google News

ભડકે બળેલા વાહનોની સાથે ઘરને પણ થયું નુકશાન: ભૂતકાળમાં પણ વાહનોના કાચ તૂટ્યા’તા

ગાંધીધામમાં લુખ્ખા તત્વોનો ત્રાસ બેફામ બન્યો છે. જેમાં લીલાશાહ સર્કલ પાસે લુખ્ખાઓએ એક સાથે ત્રણ એક્ટિવામાં આગ ચાંપી દીધી હતી. જેના કારણે વાહનોના ભડકાના કારણે ઘરમાં પણ નુકસાન થયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામના લીલાશાહ સર્કલ પાસે કોઇ અજાણ્યા ઇસમે વહેલી પરોઢે ઘર માલિકે મકાન પાસે પાર્ક કરેલા ત્રણ એક્ટિવાને આગ ચાંપી રૂ.૧.૫૦ લાખનું નુકશાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

વોર્ડ-૧૨/સી, લીલાશાહ સર્કલ પાસે પ્લોટ નંબર ૬૧૩માં રહેતા જીતેન્દ્ર હરેશકુમાર દેવનાણી રાત્રે સાડા દશ વાગ્યે બજારેથી આવીને પોતાના ઘર પાસે એક્ટિવા પાર્ક કર્યું હતું., તેમના પિતાનું તેમજ તેમના ભાઇ મહેન્દ્રભાઇનું એમ ત્રણે એક્ટિવા ઘર પાસે પાર્ક કરી હતી. પરિવાર રાત્રે જમીને સૂઇ ગયા બાદ વહેલી પરોઢે ૪ વાગ્યે અચાનક ભડાકો સંભળાતાં પરિવાર સફાળો જાગી ગયો હતો.

આજે વહેલી પરોઢે કોઇ અજાણ્યા ઇસમે નુકશાન પહોંચાડવાના ઇરાદે એક જ પરિવારના ત્રણ વાહન સળગાવ્યા હતા આ આગની જ્વાળા ઘર સુધી પહોંચી હતી અને ધૂમાડા છેક ઘરની અંદર સુધી પહોંચ્યા હતા જેમાં ઘરને પણ નુકશાન પહોંચ્યું હતું.

ફરિયાદી જીતેન્દ્રભાઈએ બારીમાંથી બહાર જોયું તો તેમના પરિવારની ત્રણ એક્ટિવા સળગી રહી હતી. જેના કારણે બાજુમાં રહેતા કાકાઇ ભાઇ સુરેશ દેવનાણી તેમજ અડોશ પડોશ એકઠા થયા બાદ માંડ આગ કાબુમાં લીધી હતી. પરંતુ ત્રણે વાહન સંપૂર્ણ ખાક થઇ ગયા હતા. જેમાં ત્રણ એક્ટિવામાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાડી રૂ.૧,૫૦,૦૦૦નું નુકશાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રહેવાસીઓએ વધુમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ કારના કાચ તોડવાની ઘટનાઓ બની ચૂકી છે અને સંકુલની સોસાયટીઓમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત રહેતો હોવાનો પણ સૂર લતાવાસીઓમાં ઉઠ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.