Abtak Media Google News

જેની કોઇ ટંકશાળ નહી, જેની દિશા સમજવા માટેની કોઇ નિશાળ નહી, જેનો કોઇ રેગ્યુલેટર નહીં, છતાંયે એના કારોબારનું કદ એટલું વિશાળ કે તેને હવે કોઇ અવગણી શકે નહી,..! હા, આ કોયડાનું નામ છે ક્રિપ્ટો કરન્સી..! ભારતમાં બહુ ઓછા લોકો ક્રિપ્ટો કરન્સી અંગે જાણે છે. જે લોકો થોડું જાણે છે તે બિટ કોઇનને માત્ર નામથી જાણે છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં ભારત સહિત વૈશ્વિક બજારમાં આ કરન્સી નો કારોબાર એટલો વધારે થયો છે કે આને સુનિયોજીત કરવાની સરકારને ફરજ પડી છે. હાલમાં ક્રિપ્ટો કરન્સીનીં કુંડળી જોઇએ તો જણાય છે કે ખાનગી નહી પણ સરકાર દ્વારા જ રજૂ કરાય તો એ કરન્સી વધુ સફળ અને સરળ હોઇ શકે છે.

ભારતની ક્રિપ્ટોને સ્વીકૃતિ!!!

ભારતમાં ક્રિપ્ટો કરન્સીને કાયદેસર બનાવીએ તો તેના માટે રેગ્યુલેટર કોણ હોઇ શકે? કદાચ આ મોટો સવાલ છે જેનો ઉકેલ નથી. હવે કદાચ સરકારે નવા નોફીકેશનની તૈયારી કરી હોય જેમાં ક્રિપ્ટોકરન્સીનું નિયમન રિઝર્વ બેંકને સોંપવામાં આવે અને રિઝર્વ બેંક આ અંગેના નિયમો પણ બનાવે. આમ તો સરકાર પોતે જ લક્ષ્મી નામની ક્રિપ્ટોકરન્સી લાવી રહી હોવાના અહેવાલ મળ્યા છે. જો આ કરન્સી આવી જાય તો સરકાર અન્ય તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી ઉપર પ્રતિબંધ લાદી શકે છે.  આમ તો લક્ષ્મી કરન્સી આવી રહી હોવાના સમાચાર બે વર્ષ પહેલા વહેતા થયા હતા પરંતુ અગાઉ જણાવ્યા પ્રમાણેના ટેકનિકલ કારણોના લીધૈ કદાચ સરકારને તેમાં વિલંબ કરવો પડ્યો હોય એવું બની શકે.  ખેર હવે જો સરકાર રિઝર્વ બેંક મારફતે સ્વદેશી ક્રિપ્ટોકરન્સી રજૂ કરે તો  જંગ શરૂ થશે પ્રાઇવેટ કરન્સી અને સરકારે રજૂ કરેલી ક્રિપ્ટો કરન્સી વચ્ચે..!

શું છે ક્રિપ્ટો?

ક્રિપ્ટો કરન્સી એક એવી કરન્સી છે જે વર્ચ્યુઅલ ફોરમેટમાં હોય છે જેના રોકડામાં વહેવાર થતા નથી, પરંતુ તે ડિજીટલ ફોરમેટમાં નાણાની લેવડદેવડમાં વપરાય છે. જોકે હવે અમુક ક્રિપ્ટો કરન્સી ક્રેડિટ કાર્ડ જેવા સ્વરૂપમાં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે આ ચલણ અદ્રશ્ય ફોરમેટમાં હોય છે. ક્રિપ્ટો કરન્સીનો ઇતિહાસ પણ માંડ એક દાયકા જુનો છે. આ પ્રકારના ચલણનો ખ્યાલ સૌ પ્રથમ 2009 ની મંદીમાં થાકી ગયેલા વેપારીઓના મનમાં આવ્યો હતો. જેમાં એક હતા સાતોશી નાકામોટો.  આમ તો કિપ્ટો કરન્સી ઉપર 2013 માં ટ્રેડિંગ ચાલુ થયું હતું. 2013 ના વર્ષમાં કુલ 66 જેટલી ક્રિપ્ટો કરન્સી હતી જે 2019 માં 2800 થી પણ વધારે થઇ ગઇ અને છેલ્લા દોઢ વર્ષના ગાળામાં વૈશ્વિક બજારમાં 5500 જેટલી આવી ડિજીટલ કરન્સીઓ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થઇ છે.  જેમાંથી બિટકોઇન સૌથી વધારે ચર્ચામાં હતો. બજારમાં ભલે 5500 જેટલી ડિજીટલ કરન્સી હોય પણ તેના કુલ દૈનિક વોલ્યુમનો 90 ટકા જેટલો હિસ્સો ટોપ-20 કરન્સી નો જ હોય છે. તેથી બાકીની કરન્સીઓ ક્યાંય ચર્ચામાં નથી હોતી.

ક્રિપ્ટોની હરણફાળ

ભારતમાં ભલે હજુ એવી માન્યતા છે કે ક્રિપ્ટો કરન્સીમાં કારોબાર થતા નથી. અન્ય કરન્સીની વાત છોડીએ તો પણ બિટકોઇનમાં આજે પણ  આશરે 80 લાખ ખેલાડીઓ  પૈસા લગાવે છે. આ રોકાણકારોનાં આશરે 100 અબજ રૂપિયા રોકાયેલા છે. યાદ રહે કે એક બિટકોઇનની કિંમત એક સમયે 61200 ડોલરની ટોચે હતી. મતલબ કે આ વેપાર સુપર રીચ લોકો માટે છે જેમાં રોજની કરોડોની ઉથલપાથલ થતી હોય છે. ભારતીય રૂપિયામાં 28 મી માર્ચ-21 ના રોજ એક બીટકોઇનની કિંમત આશરે છે 40 લાખ રૂપિયા જેટલી થતી હતી. જ્યારે અમેરિકન ડોલરમાં એક બિટકોઇનનાં 55089 ડોલર બોલાતા હતા. આજ બિટકોઇન 15 દિવસ પહેલા એટલે કે 13 મી માર્ચે 61289 ડોલરમાં વેચાતો હતો. માત્ર 15 દિવસનાં ગાળામાં એક કોઇન દિઠ 6000 થી 7000 ડોલરની વધઘટ કોને પરવડે તે સમજી શકાય છે. યાદ રહે કે 2010 માં એક બિટકોઇનની કિંમત 0.08 ડોલર હતી.  કદાચ આજ કારણ છે કે સરકાર બિટકોઇન ઉપર પ્રતિબંધ લાદવાની હોવાના અહેવાલો આવતા હોવા છતાં વળતરની લાલચમાં રોકાણકારો બિટકોઇનથી દૂર જતા નથી.

ક્રિપ્ટોના ફાયદા!!!

એકતરફ સરકાર પ્રતિબંધ લાવી રહી હોવાના અહેવાલ છપાયા તો ગત સપ્તાહે જ નાણા મંત્રાલયનાં અહેવાલો  આવ્યા કે સરકારે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડીંગ કરતા કારોબારીઓ પાસે તેમના સોદાનાં આંકડા સરકારને આપવા જણાવ્યું છે. આ કંપનીઓને તેમની બેલેન્શીટમાં કંપનીએ ક્રિપ્ટોકરન્સી મારફતે કરેલા વ્યવહાર જણાવવાના રહેશે. નાણામંત્રીએ નિવેદન આપ્યું કે એને બંધ કરવાનો કોઇ નક્કર નિર્ણય કરાયો નથી, સરકાર તમામ પાસાંનો વિચાર કરી ને તેને ગણતરી પૂર્વક કેવી રીતે સત્તાવાર કરી શકાય તેનો વિચાર કરી રહી છે. સરકાર હાલમાં દેશના મોટા ઉદ્યોગપતિઓ અને બહુરાષ્ટ્રિય  કંપનીઓના મંતવ્યો મંગાવી રહી છે. કારણ કે એવું કહેવાય છે કે આ કંપનીઓ પોતાના વિદેશમાં ફેલાયેલા કારોબારના ચુકવણા માટે ક્રિપ્ટોકરન્સીનો સહારો લેતી હોય છૈ. જેનાથી તેમને ઘણીવાર વિદેશમાં ચુકવવા પડતા ટેક્ષમાં ફાયદો થતો  હોય છે આ ઉપરાંત નાણાનાં વ્યવહારની સુરક્ષા પણ જળવાઇ રહે છે. જો સરકારને આ દાવામાં તથ્ય જણાય અને ખરેખર ક્રિપ્ટોકરન્સીનો આ લાભ હોય તો સરકાર આ સુચિત લાભ પુરતી પરવાનગી આપી શકે છે. આમેય તે સતત આવતા વિરોધાભાષી નિવેદનો વચ્ચે પણ ભારતનાં સ્થાનિક કિપ્ટો એક્સચેન્જ બિટબન્સમાં નાણાની લેવડદેવડ એ વર્ષમાં 30 ગણી વધી છે. જ્યારે અન્ય એક એક્સચેન્જ યુનિકોઇનમાં છેલ્લા બે મહિનામાં નવા 20000 યુઝરો જોડાયા છે. એનો મતલબ એ છે કે કારોબારીઓ પ્રતિબંધની ઐસી કી તૈસી કરીને પણ આમાં ઝુકાવી રહ્યા છે.

ભારતનો ડર શા માટે?

ભારતમાં ક્રિપ્ટો કરન્સીનાં ભાવિ અને તેની કાયદેસરતા વિશે છાશવારે વિરોધાભાષી નિવેદનો થાય છે. માર્ચ-21 નાં પ્રથમ સપ્તાહમાં એવા અહેવાલ હતા કે સરકાર એવો કાયદો લાવી રહી છે જેમાં ક્રિપ્ટો કરન્સીમાં વેપાર તો શું ક્રિપ્ટોકરન્સી પાસે રાખવા વાળાને પણ 10 વર્ષ સુધીની જેલની સજા થવાની છે.  જો ભારતમાં ક્રિપ્ટોકરન્સી ઉપર પ્રતિબંધ આવે તો ભારત વિશવની એવી સૌ પ્રથમ મોટી ઇકોનોમી હશે જેણે આ કરન્સીને ગેરકાયદે કરી હોય. ચીનમાં પણ ક્રિપ્ટોકરન્સીના વેપાર પર પ્રતિબંધ હોવા છતાં તેને રાખવા વાળા ઉપર કોઇ દંડ કે સજા નથી.  આજે પણ એરિકા, જાપાન કે યુ.કે. સહિતનાં ઘણા દેશોમાં બિટકોઇન રાખવા પર પ્રતિબંધ નથી, તેમ છતાં તેને ઓપન માર્કેટમાં વેચી શકતા નથી. બિટકોઇન સામે રોકડા કરાવવા હોય તો તમારે રેગ્યુલેટેડ એક્સચેન્જ મારફતે સોદો કરવો પડે છે.

વીઝા કાર્ડથી ક્રિપ્ટોના સેટલમેન્ટની મંજુરીથી મોટો ઉછાળો

બીટકોઈન સહિતની ક્રિપ્ટકરન્સીમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. વિઝા કાર્ડના માધ્યમથી સ્ટેબલકોઈનના સેટલમેન્ટની મંજૂરી મળી જતાં આ ઉછાળો જોવા મળ્યો છે. વર્તમાન સમયે વિઝા કાર્ડના માધ્યમથી ઇથેરિયમના ટ્રાન્જેક્શનનું સેટલમેન્ટ કરવા માટે તખ્તો ઘડાઈ રહ્યો છે. બીટકોઈન સહિતની ક્રિપ્ટકરન્સીમાં વિઝા કાર્ડથી સેટલમેન્ટના સંકેતો મળ્યા છે. પરિણામે ક્રિપ્ટકરન્સીમાં ટ્રેડિંગ વધુ અનુકૂળ રહેશે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.