Abtak Media Google News

 

Advertisement

ખીરી પાસે બોડીવોર્ન કેમેરા સાથેના પોલીસ કર્મચારીઓ સાથેની ચેક પોસ્ટ ઉભી કરાઈ:  ત્રણ રસ્તા પર જી.આર.ડી.ના જવાનોને તહેનાત કરી દેવાયા

 

જામનગર જિલ્લાના જોડીયા પંથક માંથી મોટાપાયે થઈ રહેલી ખનિજ ચોરીને રોકવા માટે પોલીસતંત્ર દ્વારા માસ્ટર પ્લાન્ટ બનાવાયો છે. જિલ્લા પોલીસવડાની સુચનાથી ખીરી પાસે હંગામી ચેક પોસ્ટ ઉભી કરી દેવાઇ છે, અને બોડીવોર્ન કેમેરા સાથે સજજ થયેલી પોલીસ ટીમ દ્વારા રેતી ભરેલા તમામ વાહનોનું નિરીક્ષણ કરાઇ રહ્યું છે. આ ઉપરાંત જોડિયા પંથક માંથી નીકળતા અન્ય ત્રણ રસ્તા ઉપર પણ જીઆરડીના જવાનો ને રાઉન્ડ ક્લોક ફરજ પર ગોઠવી દેવાયા છે. એક પણ વાહન રોયલ્ટી  ભર્યા વિના પસાર ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

જામનગર જિલ્લાના જોડીયા પંથક માંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી હોવાની ફરિયાદોના અનુસંધાને જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન હેઠળ ખીરી પાસે એક ચેકપોસ્ટ ઊભી કરી દેવામાં આવી છે, અને તે સ્થળેથી પસાર થતાં ખનિજ ભરેલા કોઈપણ પ્રકારના વાહનોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

 

Img 20230423 Wa0109

તેના માટે જોડિયાના પીએસઆઇ રવિરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ધ ક્લોક આઠ-આઠ કલાકની ત્રણ શિફ્ટ માં બે જમાદાર અને એક પોલીસ કોન્સ્ટેબલને ફરજ પર ગોઠવી દેવામાં આવ્યા છે. જે તમામ પોલીસ કર્મચારીઓ પર બોડીવોર્ન કેમેરા લગાવી દેવાયા છે. સાથોસાથ ત્રણેય શિફ્ટમાં ત્રણ ત્રણ હોમગાર્ડના જવાનોને પણ ગોઠવી દેવાયા છે

જેથી આ સ્થળેથી પસાર થતાં કોઈપણ પ્રકારના વાહનો કે જેનું બારીકાઈ થી નિરીક્ષણ કરવામાં આવેછે. ખાસ કરીને રેતી ભરેલા ડમ્પર કે જેમાં ઓવરલોડ છે કે કેમ, રોયલ્ટીની પાવતી છે કે કેમ, તેની ચકાસણી થાય છે. સાથોસાથ તાડપત્રી વગરનું એક પણ ડમ્પર પસાર થવા દેવામાં આવતું નથી, જ્યારે તેમાં પાણીનો ભાગ હોય તો પણ રોકી દેવાય છે, અને લીઝ અંગેનું બારીકાઈ થી નિરીક્ષણ કરીને પછી જ જવા દેવાય છે, તેમજ રોયલ્ટી વગરના વાહનોને ત્યાંથી પસાર થવા દેવામાં આવતા નથી, અથવા તો દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે. અને જોડિયા પોલીસ દ્વારા આ મામલે સખતાઈ વર્તવામાં આવી રહી છે.

એટલું જ માત્ર નહીં જોડિયા પંથકમાં અવરજવર માટેના અન્ય ત્રણ રસ્તાઓ છે જેમાં હડીયાણા તરફનો માર્ગ, લીંબુડા ગામ તરફનો  માર્ગ, જયારે રામપર ગામ પાસેનો માર્ગ કે જે અન્ય ત્રણ રસ્તેથી પણ રેતી ભરેલા વાહનોને પસાર કરવામાં આવે છે જે ત્રણેય હંગામી ચેકપોસ્ટ પર ત્રણ ત્રણ જીઆરડી ના જવાનોને મૂકી દેવાયા છે, અને રેતી ભરેલું વાહન પસાર થાય તો તેને તાત્કાલિક રોકીને લઈ ખીરી ચેકપોસ્ટ ના  પોલીસ જમાદાર ને જાણ કરી તેની ખરાઈ કર્યા પછી જ વાહનોને ત્યાંથી જવા દેવામાં આવે છે. જેથી જોડિયા પોલીસ દ્વારા ખનીજ ચોરી રોકવા માટે સાણસ વ્યૂહ ગોઠવવામાં આવ્યો છે. જેથી ખનીજ ચોરો પર ખૂબજ લગામ લગાવાઇ રહી છે.

Img 20230423 Wa0108

પોલીસ તંત્ર દ્વારા ખીરી ચેક પોસ્ટ પર રેતી ચોરી અંગે 30 કેસ કરાયા: 20 લાખનો દંડ વસુલાયો

 

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી ખનીજ ચોરી કરીને ખીરી ચેક પોસ્ટ પરથી નીકળી રહ્યા હોય તેવા કુલ 30 જેટલા વાહનોને રોકવામાં આવ્યા છે, અને તેઓ પાસેથી ખનીજ ચોરી અંગેનો રૂપિયા 20 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જે ખાણ ખનીજ વિભાગ દ્વારા વસૂલાત કરવામાં આવી છે.

 

ખીરી ચેક પોસ્ટને દૂર કરવા ખાણ માફિયાઓના પ્રયત્નો પોલીસે સફળ થવા ન દીધા

જોડિયા થી જામનગર તથા અન્ય સ્થળે રેતી ભરેલા વાહનોને લઈ જવા માટે નો ખીરી નો મુખ્ય રસ્તો, કે જ્યાં પોલીસ દ્વારા હંગાવી ચેકપોસ્ટ ઉભી કરી દેવામાં આવી છે.

જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા ખાસ આ બાબતે તકેદારી રાખવામાં આવી રહી છે. પરંતુ ખનીજ માફીયાઓ દ્વારા તેને ખસેડવા માટેની અનેક સ્થળે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પોલીસતંત્ર દ્વારા આ મામલે મચક આપવામાં આવી નથી. એટલું જ માત્ર નહીં આ ચેક પોસ્ટ ની પાસે મજબૂત પાકુ બાંધકામ કરાવીને વધુ કડક ચેકિંગ થાય તેવા જિલ્લા પોલીસ વડા અને જોડિયાના પીએસઆઇ રવિરાજસિંહ ગોહિલના પ્રયત્નો ચાલી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.