કુબલિયાપરામાં “સામે જોઇને કેમ કતરાઈ છે” કહી યુવાનને છરી ઝીંકી

શક્તિ સોસાયટીમાં પુત્રને આપેલા પૈસાની ઉધરાણીમાં બે મહિલાઓએ માતા પર કર્યો હુમલો

શહેરમાં થોરાડા વિસ્તારમાં જુદા જુદા બે સ્થળોએ મારામારીની ઘટના નોંધાઈ છે. જેમાં બે મહિલાઓએ પુત્રને આપેલા પૈસાની ઉઘરાણી બાબતે માતાને માર માર્યો હતો. જ્યારે કુબલિયાપરામાં સામે જોવા જેવી સામાન્ય બાબતે યુવાનને છરી ઝીકી દીધાની ઘટના સામે આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શક્તિ સોસાયટીમાં શેરી-14માં રહેતા વિજયાબેન ભીખાભાઇ ભલસોડા નામના 60 વર્ષના વૃદ્ધાએ થોરાડા પોલીસ મથકમાં ફરિયકડ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ ગઈ કાલે ગુરખા પહેરીને આવેલી બે મહિલાઓએ તેમને માર માર્યો હતો. આ વધુ જણાવતા વિજયાબેને કહ્યું હતું કે તેમના પુત્ર મનીષના મિત્ર મૂર્તઝા ભારમાલની પત્ની અને એક અજાણી સ્ત્રી ઘરમાં આવીને ફોટો બતાવીને કહેતા હતા કે તમારા પુત્ર મનીશને આપેલા રૂ.30 લાખ અમે પરત લઈને જ રહીશું નહીંતર સારું નહીં થાય તેવી ધમકી આપી વૃદ્ધાને માર માર્યો હતો.

એટલું જ નહીં પણ આ આ બંને મહિલાઓએ વિજયાબેનના ગળામાં રહેલો સોનાનો ચેઇન તોડી બીજી તોડફોડ કરી હતી. માથાકૂટનાપગલે આસપાસ લોકો ભેગા થઈ જતા કોઈએ પોલીસમાં જાણ કરતા ગુરખા પહેરીને આવેલી બંને મહિલાઓ જીજે-03-જેબી-6617 નંબરના સ્કૂટર પર નાસી ગઈ હતી. ઘટનાના પગલે થોરાડા પોલીસ મથકના પીએસઆઇ એન.બી. ડાંગરે બંને મહિલા સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથધરી છે.તો અન્ય બનાવમાં કુબલિયાપરા શેરી નંબર-5માં રહેતા કિશન જગદીશભાઈ રાઠોડ (ઉ.વ.27) નામના યુવાનને અંતિમ રાઠોડ નામના શખ્સે છરી ઝીકી દેતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં થોરાડા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ કિશન ઘર પાસે બેઠો હતો. તે દરમિયાન આરોપી અંતિમ રાઠોડ ત્યાંથી પસાર થતો હતો. જ્યાં કિશનને આરોપી અંતિમે તું કેમ સામે જોઇને કતરાઈ છે તેમ કહી માથાકૂટ કરી છરી નો ઘા ઝીકી દીધો હતો. પોલીસે અંતિમ રાઠોડ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.