Abtak Media Google News

છેલ્લા બે વર્ષથી ચાલતી સત્તાની સાઠમારીએ કોંગ્રેસનું શાસન ડગમગાવ્યું: વિપક્ષ નેતાએ ડીડીઓ સમક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ મુકયો, કોંગ્રેસનાં બાગી સભ્યએ ટેકો આપ્યો

રાજકોટ જિલ્લા પંચાયતમાં છેલ્લા બે વર્ષથી સત્તાની સાઠમારી જોવા મળી રહી હતી અંતે આ દરમિયાન ગઈકાલે ભાજપે ખેલ પાડીને વર્તમાન પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી છે. વિપક્ષી નેતા દ્વારા ડીડીઓ સમક્ષ ૨૪ સભ્યોની સહી સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસનાં એક વરિષ્ઠ સભ્ય જે હાલ બાગી જુથ સાથે સંકળાયેલા છે તેઓએ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી ભાજપ તરફી જુથ દ્વારા કોંગી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લઈ આવવાની તૈયારી ચાલતી હતી. અંતે ગઈકાલે આ પ્રયાસોને સફળતા મળી છે. ભાજપ તરફી જુથમાં કુલ ૧૮ સભ્યો હતા પરંતુ કોંગ્રેસનાં વધુ ૬ સભ્યો તેમની તરફેણમાં આવી જતા ભાજપ તરફી જુથનું સભ્ય સંખ્યાબળ ૨૪ પહોંચી ગયું હતું જેથી તેઓએ વિલંબ કર્યા વગર ગઈકાલે જ કોંગ્રેસ જુથનાં વર્તમાન પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી દીધી છે. વિપક્ષી નેતા ધ્રૃપદબા જાડેજાએ પ્રમુખ સામે અવિશ્વાસ વ્યકત કર્યો છે. તેમાં કોંગ્રેસની ટીકીટ ઉપર ચુંટાયેલા અને હાલ ભાજપ તરફી જુથમાં રહેલા ચંદુભાઈ શિંગાળાએ ટેકો આપ્યો છે. અવિશ્વાસની દરખાસ્ત ગઈકાલે મુકાઈ ગઈ છે જેથી હવે વર્તમાન પ્રમુખે દિવસ ૧૫માં સામાન્ય સભા બોલાવવાની રહેશે જો ૧૫ દિવસમાં પ્રમુખ સામાન્ય સભા નહીં બોલાવે તો પંચાયત ધારાની જોગવાઈ પ્રમાણે આ દરખાસ્ત અંગે જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનરને રીપોર્ટ કરશે. આ રીપોર્ટનાં આધારે વિકાસ કમિશનર ખુદ સામાન્ય સભા યોજવાનો હુકમ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતની નવી અઢી વર્ષની ટર્મ શરૂ થતા અલ્પાબેન ખાટરીયાને પ્રમુખપદ સોંપતાની સાથે જ બાગી જુથ અસ્તિત્વમાં આવ્યું હતું. આ બાગી જુથે અગાઉ બહુમતીનાં જોરે અનેક સમિતિઓ પણ કબજે કરી હતી. જોકે આ સામે અર્જુનભાઈ ખાટરીયાએ કોર્ટનાં દ્વાર પણ ખખડાવ્યા છે. તેઓએ ૧૧ સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ નામો નિર્દેશ વિભાગમાં કેસ પણ દાખલ કરેલ છે.

કોંગ્રેસનું શાસન તોડવા કેબિનેટ મંત્રી અને બે સાંસદોને મેદાનમાં આવવું પડયું

જિલ્લા પંચાયતમાં હાલ સુધી કોંગ્રેસનું શાસન ચાલી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી બાગી સભ્યોનાં જોરે ભાજપ દ્વારા કોંગ્રેસનું શાસન તોડવાનાં પ્રયાસો ચાલુ હતા. અનેક અગ્રણીઓએ કરેલા પ્રયાસો નિષ્ફળ નિવડતા સામાન્ય ગણાતી એક જિલ્લા પંચાયતમાં શાસન ઉઠલાવવા મોટા ગજાના ગણાતા એક કેબિનેટ મંત્રી સાથો સાથ બે સાંસદોને મેદાનમાં ઉતરવું પડયું હતું. આમ દિગ્ગજ ગણાતા એક કેબિનેટ મંત્રી અને બે સાંસદોએ મહેનત કરતા અંતે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન ડગમગયું છે.

અવિશ્વાસનાં પ્રસ્તાવમાં સભ્યોની સહી ૬ મહિના પૂર્વે કરાવીતી: સભ્યનો ધડાકો

જિલ્લા પંચાયતનાં વર્તમાન પ્રમુખ સામે મુકાયેલા અવિશ્વાસનાં પ્રસ્તાવમાં જે સભ્યની સહી છે તે સભ્યની નામ ન દેવાની શરતે એવો ધડાકો કર્યો હતો કે, ૬ મહિના પૂર્વે ભાજપ પ્રેરિત જુથે અવિશ્વાસની દરખાસ્ત લઈ આવવાની ચડવળ શરૂ કરી હતી ત્યારે તેઓએ નારાજ સભ્યો પાસેથી સહી લીધેલી હતી. આ ૨૪ સભ્યોએ ૬ મહિના પૂર્વે સહી કરેલી હતી જેમાંથી ઘણા સભ્યોની નારાજગી પણ દુર થઈ ગઈ હોય તેવો હાલ કોંગ્રેસને સમર્પિત છે માટે સામાન્યસભા દરમિયાન ભાજપ પ્રેરિત જુથે મુકેલા અવિશ્વાસનાં પ્રસ્તાવનું સુરસુરીયું થવાનું છે.

૬ સભ્યો સાથે રૂા.૧૦ લાખની ડિલ થયાની ચર્ચા

ભાજપ તરફી જુથ પાસે સભ્ય સંખ્યાબળ ૧૮નું હતું. વર્તમાન પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે બે તૃતિયાંશ એટલે કે ૩૪ સભ્યો પૈકી ૨૪ સભ્યોની જરૂર પડે તેમ હતી ત્યારે ભાજપ તરફી જુથમાં ૬ સભ્યો ઘટતા હોય કોંગ્રેસનાં ૬ સભ્યોને પોતાનાં તરફ ખેંચવા માટે રૂા.૧૦-૧૦ લાખની  ડિલ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ પૈસાનાં જોરે કોંગ્રેસનું શાસન ઉઠલાવવામાં સફળતા મળી હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.

અવિશ્વાસનાં પ્રસ્તાવમાં સહી કરનાર સભ્યો

ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજા

કિરણબેન કિશોરભાઈ આંદીપરા

સોનલબેન ભરતભાઈ શિંગાળા

ભાનુબેન ધીરૂભાઈ તળપદા

ચંદુભાઈ મોહનભાઈ શિંગાળા

નિલેશભાઈ ઠાકરશીભાઈ વિરાણી

વજીબેન રામભાઇ સાકરીયા

રેખાબેન જીજ્ઞેશભાઈ પટોળીયા

વાલીબેન કાળુભાઈ તલાવડીયા

હંસાબેન મનજીભાઈ ભોજાણી

હેતલબેન રણજીતભાઈ ગોહિલ

કિશોરભાઈ પોપટભાઈ પાદરીયા

રાણીબેન બચુભાઈ સોરાણી

ચતુરભાઈ ભીખાભાઈ રાજપરા

મગનભાઈ સીદાભાઈ મેટાળીયા

બાબુભાઈ હાજાભાઈ વિંઝુડા

હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવ

સોનલબેન સવજીભાઈ પરમાર

શિલ્પાબેન મનોજભાઈ મારવાણીયા

નાથાભાઈ રવજીભાઈ મકવાણા

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.