Abtak Media Google News

આકાશમાં કાળા દિબાંગ વાદળોનો જમાવડો છતાં વ્હાલો મન મુકીને વરસતો નથી  ઝાપટા સ્વરૂપે હળવું હેત વરસાવતાં મેઘરાજા: શહેરીજનોમાં નિરાશા

ચોમાસામાં ધોરી માસ ગણાતા અષાઢમાં એક પણ દિવસ વરસાદ વિના જાય તો જીવ માત્રમાં નિરાશા વ્યાપી જતી હોય છે. અષાઢે અનરાધારની આશ વચ્ચે છેલ્લા બે દિવસથી રાજકોટમાં શ્રાવણનાં સરવડા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મન મુકીને વરસવાને બદલે મેઘરાજા માત્ર ઝાપટા સ્વરૂપે હેત વરસાવતા હોય શહેરીજનોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે. સવારથી આકાશમાં કાળા દિબાંગ વાદળોનો જમાવડો જામ્યો છે છતાં જોઈએ તેવો વરસાદ આવતો નથી. થોડી-થોડીવારે ઝાપટા પડે છે.

રાજયભરમાં આજથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય સવારથી રાજકોટમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં સુર્યનારાયણ સંતાકુકડી રમી રહ્યા હોય તેમ થોડીવાર માટે આકાશમાં કાળા દિબાંગ વાદળોનો જમાવડો જામી જાય છે તો થડીવાર સંપૂર્ણ ઉઘાડ નિકળે છે. અષાઢ માસમાં અનરાધાર વરસાદની આશા વચ્ચે શહેરમાં શ્રાવણ માસની માફક થોડી-થોડીવારે સરવડા પડે છે. વાતાવરણ પણ મેઘાવી હોવા છતાં વ્હાલો મન મુકીને વરસતો ન હોવાનાં કારણે શહેરીજનોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ગઈકાલે પણ વાતાવરણ એકરસ બની ગયું હતું છતાં અડધો ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં સંતોષકારક વરસાદ વરસ્યો નથી. માત્ર ૬ થી ૭ ઈંચ જેટલો વરસાદ પડતા હજી તો ભુજળનાં સ્તર પણ ઉંચા આવ્યા નથી ત્યારે અષાઢમાં પણ મેઘરાજા વરસવામાં કંજુસાઈ રાખી રહ્યા હોવાનાં કારણે શહેરીજનોમાં નિરાશા વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.