Abtak Media Google News

કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ-વૃક્ષોનું રક્ષણ અને જતન થાય તે સૌની સહિયારી જવાબદારી છોડમાં રણછોડની ભાવના લોકોમાં વન મહોત્સવ થકી વધુ પ્રબળ બની

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 73મા વનમહોત્સવ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે રાજ્યકક્ષાના સાંસ્કૃતિક વન – વટેશ્વર વનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને આયોજન થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે ત્યારે નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને વધુ સારી રીતે અને તેજગતિથી આગળ ધપાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વન મહોત્સવના માધ્યમથી છેલ્લા બે દાયકામાં વનક્ષેત્રના વિસ્તારમાં વધારો થયો છે. વન મહોત્સવ થકી છેલ્લા બે દાયકામાં વન્ય વિસ્તારની બહારના વિસ્તારમાં 25.10 કરોડ વૃક્ષો હતા તેની સામે આજે 54 ટકાના વધારા સાથે 39.57 કરોડ વૃક્ષો છે.

1660367054475

2003માં જ્યાં 14 વૃક્ષ પ્રતિ હેક્ટર હતા ત્યારે આજે પ્રતિ હેક્ટર 25 વૃક્ષ છે. જેથી સમગ્ર ગુજરાતમાં વન ક્ષેત્રનો વિસ્તાર તેમજ વૃક્ષોની સંખ્યામાં પણ અનેકગણો વધારો થયો છે. છોડમાં રણછોડની ભાવના લોકોમાં વનમહોત્સવથી વધુ પ્રબળ બની છે.

કોરોનાકાળમાં લોકોને ઓક્સિજનની જરૂરીયાતનો અનુભવ થયો છે. કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ-વૃક્ષોનું રક્ષણ અને જતન થાય તે સૌની સહિયારી જવાબદારી છે. સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં 75 સ્થળોએ નમો વડ વન સ્થાપવાનું આયોજન કર્યું છે. જેની આજે અહીંથી શરૂઆત પણ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરમાં ૫ હેક્ટર વિસ્તારમાં ૭૩ હજારથી વધુ છોડવાઓથી વટેશ્વર વન

કેન્દ્રીય આયુષ, મહિલા અને બાળ વિભાગના રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, 5 હેકટરમાં પથરાયેલા વટેશ્વર વનમાં 3.5 હેક્ટરમાં આયુષ મંત્રાયલ દ્વારા  ઔષધિય રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. આયુર્વેદએ ભગવાને આપેલ વિજ્ઞાન છે. ઋષિ મુનિઓએ ઔષધિઓના જતનમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

કેટલાક રોપાને ઋષિમુનિઓનાં નામ પણ આપવામાં આવ્યા છે. આયુષ મંત્રયાલ દ્વારા નમામી ગંગે પ્રોજેક્ટ અંતર્ગત પણ જડીબુટ્ટીઓનું વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષો તથા ઔષધિઓના જતન માટેનો આપણો વારસો અવિરત જળવાઈ રહે તેમજ નવી પેઢીના  બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ જાગે તે માટે ’પ્રોફેસર આયુષ્માન’નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી  કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે આજે સુરેન્દ્રનગર જિલ્લા માટે ગૌરવનો દિવસ છે કારણ કે જિલ્લાને ભક્તિ વન બાદ દ્વિતીય સાંસ્કૃતિક વનની ભેટ મળી છે. આ વનનો લાભ જિલ્લાના નાગરિકોને લેવા જણાવ્યું હતું. રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા 2004થી વન મહોત્સવ ઉજવવાની હાકલ કરી હતી.

1660367054420

આજ દિન સુધી આ કાર્ય અવિરત ચાલી રહ્યું છે. આપણા કુદરતી અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે અત્યાર સુધી 22 વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વટેશ્વર વન રાજ્યનું 22મું અને સુરેન્દ્રનગરનું બીજુ સાંસ્કૃતિક વન છે. ભગવાન વડવાળાનાં નામ ઉપરથી જેનું નામકરણ થયું છે, તેવું આ વન દૂધરેજ કેનાલ સાઈટ પર 5 હેક્ટર જેટલા વિસ્તારમાં 73 હજારથી વધુ છોડવાઓથી આકાર પામ્યું છે. 10 કરોડથી વધુનાં ખર્ચે આયુર્વેદ અને યોગની થીમ પર આ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનમાં વનસ્પતિઓ અને તેમનાં ઔષધીય ગુણો ઉપરાંત સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિનો પરિચય કેળવાય તે હેતુથી 33 જેટલી એમ્નેટીઝ ઉભી કરવામાં આવી છે.

આ પ્રસંગે વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરિયા, વડવાળા દેવસ્થાનના મહંત કનીરામદાસ બાપુ, અગ્ર મુખ્ય વન સંરક્ષક  રામકુમાર, હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ વન વિભાગના યુ. ડી. સિંઘ, સુરેન્દ્રનગર નાયબ વન સંરક્ષક ધવલ ગઢવી, જિલ્લા પંચાયતના પ્રમુખ બબુબેન પાંચાણી, નગરપાલિકા પ્રમુખ  વિરેન્દ્રભાઈ આચાર્ય, અગ્રણી સર્વે  શંકરભાઇ વેગડ, વર્ષાબેન દોશી, બાબુભાઇ દેસાઇ, ધનરાજ કૈલા, અનિરુદ્ધસિંહ પઢિયાર, શંકરભાઈ દલવાડી, જગદીશભાઈ મકવાણા સહિતના  પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ સરપંચઓના ઘરે બનાવેલું ભોજન આરોગ્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 73મા વન મહોત્સવ ઉજવણી પ્રસંગે સુરેન્દ્રનગર ખાતે પધાર્યા હતા. વટેશ્વર વનનાં લોકાર્પણ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગર જિલ્લાના સરપંચશ્રીઓ સાથે સામાન્ય જનની જેમ ભોજન લેતા ટિફિન બેઠક યોજી હતી. મહિલા સરપંચઓનાં ઘરે તૈયાર કરેલું ભોજન લઈ મુખ્યમંત્રીએ વિનમ્રતા અને સાદગીપણાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.

બેઠકમાં મુખ્યમંત્રીએ જિલ્લાનાં 200થી વધુ સરપંચઓ સાથે સંવાદ કરતા સરકારની કલ્યાણકારી યોજનાઓનાં અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરી હતી તેમજ ગામડામાં દરેક લોકોને મહત્તમ સુવિધાઓ અને સરકારી યોજનાઓનાં લાભ સરળતાથી મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં મુખ્યમંત્રીએ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં યોજાઈ રહેલા હર ઘર તિરંગા અભિયાનમાં મહત્તમ લોકો સહભાગી થાય, દરેક પરિવાર ઘરે તિરંગો ફરકાવે અને એ રીતે આઝાદીનાં 75 વર્ષની અનેરી ઉજવણી થાય તે દિશામાં કામગીરી કરવા સરપંચઓને જણાવ્યું હતું.

આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુજપરા, વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા અને રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને પરસોત્તમભાઈ સાબરીયા તેમજ અગ્રણી સર્વ જગદીશભાઈ મકવાણા, આઈ.કે.જાડેજા, શંકરભાઈ વેગડ, જયેશભાઈ પટેલ, વર્ષાબેન દોશી   સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.