Abtak Media Google News
  • ગાંધીનગર અંગદાતાના પરિવારજનોનું સન્માન કરતા મુખ્યમંત્રી
  • સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી અંગદાન ક્ષેત્રે સારા પરિણામો જોવા મળ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે અંગદાન ટીમ વર્કથી થતું કામ છે. અંગદાતા વ્યક્તિના પરિવારજનો, તબીબો, વહીવટી તંત્ર સૌ સાથે મળીને, એક વિચાર એક લક્ષ્યથી અંગદાનનું કામ પાર પાડતા હોય છે. જેને પરિણામે જરૂરતમંદ વ્યક્તિને નવું જીવન મળતું હોય છે.*

Advertisement

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોને પરિણામે રાજ્યમાં અંગદાન ક્ષેત્રે સારા પરિણામો જોવા મળ્યા છે, પહેલા કરતા વધુ જાગૃતિ આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓર્ગન ડોનર- અંગદાતા પરિવારજનોનું ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને આયોજીત સમારોહમાં સન્માન કર્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, મૃતક સ્વજનના અંગોનું દાન કરનારા પરિવારજનોની લાગણી- ભાવનાનું વર્ણન થઈ શકે નહીં, તે શબ્દોથી પર હોય છે. આવી દુ:ખની ઘડીમાં અંગદાનનો ઉત્કૃષ્ટ નિર્ણય લેવો, બીજાના ભલાનો વિચાર કરવો તે પ્રશંસાપાત્ર છે.

મુખ્યમંત્રીએ અંગદાતાના પરિવારજનોને મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સાથે-સાથે અંગદાન બાબતે બીજાને પ્રેરણા આપતા રહેવાની હિમાયત પણ કરી હતી.

મુખ્યમંત્રીએ અંગદાન ક્ષેત્રે કાર્યરત સેવાભાવી સંસ્થાના કર્મચારીઓ અને સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન ના સભ્યોનું પણ સન્માન કર્યું હતું.

અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના વડા દિલીપ દેશમુખે કહ્યું કે, એક પરિવારનો દિપક ઓલવાય ત્યારે અંગદાનનો નિર્ણય બીજા અનેક કુળદિપકને પ્રજ્વલીત કરતો હોય છે.  દેશમુખે અંગદાતાના પરિવારજનોનું સ્વાગત કરી તેમને બિરદાવવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ રાકેશ જોષીએ અંગદાતા પરિવારજનોનો આભાર માન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ કેમ્પસમાં સ્થિત સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન ની કામગીરીને પરિણામે ગુજરાતમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે, ઉપરાંત અંગદાન બાબતે લોકોમાં વ્યાપક જાગૃતિ પણ આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગત 16 મહિનામાં અંદાજે 74 વ્યક્તિના 234 અંગોનું દાન મળ્યું છે જેના પગલે 212 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

સન્માન સમારોહ અવસરે રાજ્ય મંત્રી વિનુભાઇ મોરડીયા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સોટ્ટો તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના વરિષ્ઠ તબીબો, અધિકારીઓ અને અંગદાતા પરિવાર  ઉપસ્થિત રહ્યા હતા…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.