Abtak Media Google News

ચીફ કમિશનર ઓફ ઈન્કમટેકસ અજય દાસ મહેરોત્રાના નેજા હેઠળ યોજાયો કાર્યક્રમ

રાજકોટમાં નવા એસએસઈનો લક્ષ્યાંક ૨,૪૨,૩૬૩

ગત વર્ષે ૨૫૩૫.૦૭ કરોડનું કરાયું કલેકશન

આયકર વિભાગ ત્રણ નવા સેવા કેન્દ્રો શરૂ કરશે

આયકર વિભાગની કાર્ય પ્રણાલીમાં ઈ-એસેસમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ: અજય દાસ મહેરોત્રા

અમદાવાદના પ્રિન્સીપાલ ચિફ કમિશનર ઓફ ઈન્કમ ટેકસ તથા રાજકોટના ચિફ કમિશનર ઓફ ઈન્કમ ટેકસનો ચાર્જ સંભાળનાર અજય દાસ મહેરોત્રાની અધ્યક્ષતામાં ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસએસઈને ઉદભવતી સમસ્યાનું નિવારણ કરવા માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Dsc 7014

આ તકે રાજકોટના ચિફ કમિશનર ઓફ ઈન્કમ ટેકસ અજય દાસ મહેરોત્રાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, એસએસઈની સાથો સાથ વ્યાપારીઓ સાથે પણ વિચાર વિમર્શ કરવામાં આવશે અને તેઓને આયકર વિભાગ તરફથી પડતી મુશ્કેલી અને સમસ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવશે જેથી તેમનું સમાધાન થઈ શકે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આયકર વિભાગની કામગીરી સુચારૂપથી ચાલે તે માટે ટેકસ ભરનાર લોકો છે તેમનો સુજાવ પણ લેવામાં આવશે. ગુજરાત બીજા રાજય કરતા ખુબજ અલગ અને પ્રતિભાશાળી છે. આયકર વિભાગની જો વાત કરવામાં આવે તો ગત વર્ષે અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાત રાજયનું ટેકસ કલેકશન ખુબજ સારૂ રહ્યું હતું.

તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાતનો ટાર્ગેટ ૫૫૫૭૧ કરોડનો રાખવામાં આવ્યો છે. જયારે ટેકસ પેયર એટલે કે કરદાતાઓની ગુજરાતમાં રેકોર્ડેડ સંખ્યા ૬૮,૮૦,૫૮૬ની છે જે ચાલુ વર્ષમાં નવા એસએસઈનો ટાર્ગેટ ૯,૮૮,૧૦૧ રાખવામાં આવ્યો છે જેની સરખામણીમાં ૩૦ નવેમ્બર સુધીમાં ગુજરાતમાં ૫,૮૦,૬૬૩ નવા કરદાતાઓની નોંધણી કરાઈ છે.

વધુમાં તેઓએ વિગત આપતા જણાવ્યું હતું કે, ગુજરાત આખામાં આયકર વિભાગની જે પ્રમુખ અને મહત્વપુર્ણ જગ્યા છે તે પ્રિન્સીપાલ ચિફ કમિશનરની છે અને તેમના નીચે પાંચ ટેરેટોરીયલ ચિફ કમિશનર, ૨ ફંકશનલ ચિફ કમિશનરનું પદ આપવામાં આવ્યું છે.

જેમાં ૧ ફંકશનલ ચિફ કમિશનર તરીકે રેઈડ ડીજી ઈન્વેસ્ટીગેશન તરીકે પદભાર સંભાળવામાં આવતો હોય છે. તથા ગુજરાતમાં ૩૭ જેટલી આયકર કચેરીઓ આવેલી છે જેમાં ૨૮ કચેરીમાં સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં ૩ નવા સેવા કેન્દ્રો શરૂ કરાશે જેમાં એક વેજલપુર અને સેલવાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સેવા કેન્દ્રની મદદથી જે કરદાતાઓ છે તેમને પડતી હાલાકી અને મુશ્કેલીનું નિવારણ ત્વરીત થાય તે માટે આ યોજના બહાર પાડવામાં આવી છે.

ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટના ટેકસ કલેકશનનો ટાર્ગેટ ૨૮૯૦ કરોડનો રાખવામાં આવ્યો છે જેમાં ભાવનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો કરદાતાઓની સંખ્યા ૧૬,૦૩,૨૯૭ નોંધાયેલી છે. જેમાં રાજકોટ શહેર માટેનો નવો ટાર્ગેટ કરદાતાઓ માટેનો ૨,૪૨,૩૬૩નો રાખવામાં આવ્યો છે. ગત વર્ષે કલેકશન કરવામાં આવેલા કર માટે વિગત આપતા તેઓએ જણાવ્યું હતું કે, ૨૫૩૫.૦૭ કરોડનો કર નોંધાયો હતો. જેમાં ૭૩૪.૨૦ કરોડનું રિફંડ પણ આપવામાં આવ્યું હતું. ત્યારે ગ્રોથરેટની સરખામણી કરતા ગ્રોથરેટ ૩૯.૬૨ ટકા રહ્યો હતો.

કાળા નાણા એટલે કે, બ્લેક મની વિશે માહિતી આપતા અજય દાસ મહેરોત્રાએ જણાવ્યું હતું કે, ગુજરાત પાસે કાળા નાણાને પકડવા માટે અનેકવિધ સાધનો વિકસાવવામાં આવ્યા છે. પરિણામ સ્વરૂપે ગત વર્ષે ઘણા ખરા બાતમીના આધારે સ્ક્રુટીની કેસોને રિ-ઓપન કરવામાં આવ્યા હતા જે આયકર વિભાગ માટે ખૂબજ સારી વાત કહી શકાય.

ડિફોલ્ડરો વિશે વિગતો આપતા તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ ચાર્જમાં ડિફોલ્ડરોને સબક શિખાડવા ઓકશન પણ હાથ ધરવામાં આવ્યા છે જેમાં રાજકોટમાં બે હરરાજીઓ કરાઈ છે અને આખા ગુજરાતમાં ૬ હરરાજી કરવામાં આવી છે. પરંતુ તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કરદાતાઓ જે પોતાનો કર ચૂકવવામાં નિષ્ફળ નિવડયા હોય તો તેમને ડિફોલ્ડર નામ ન આપવું જોઈએ કારણ કે, તેમની પરિસ્થિતિ તે સમયે શું રહી હોય તે જાણી શકાય નહીં. ત્યારે બાકી કરદાતાઓ પાસેથી કર ચૂકવવાનો લક્ષ્યાંક ગુજરાતભરમાં ૨૭૧૮ કરોડનો આપવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં રાજકોટમાંથી ૪૪ કરોડ જે બાકી કરદાતાઓ પાસેથી એકઠા કરવામાં આવ્યું છે.

તેઓએ ત્રીજા ઈન્સ્ટોલમેન્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં ત્રીજા ઈન્સ્ટોલમેન્ટમાં ૪૫.૮ ટકાનો ગ્રોથરેટ નોંધાયો છે જે ખૂબજ કાબીલેતારીફ કહી શકાય. સાથો સાથ તેઓએ જણાવ્યું હતું કે, માર્ચ મહિના પહેલાના જે ત્રણ મહિનાઓ હોય છે તે આયકર વિભાગ માટે રીકવરી માટેના હોય છે જેમાં અનેક પદ્ધતિ અને સ્ટ્રેટેજીનું નિર્માણ કરવામાં આવે છે.

જેમાં કયાંક રીકવરી સર્વે, કયાંક હરરાજી, કયાંક પરસ્યુએશન તથા નોટિસનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. આ તમામ મુદ્દાઓ અને આ તમામ કાર્ય પ્રણાલીના આધારે ટેકસ રીકવરી કરવામાં આવે છે. અંતમાં તેઓએ ઈ-એસેસ્મેન્ટ પ્રણાલીને લઈ વિગત આપતા જણાવ્યું હતું કે, આ આયકર વિભાગની કામગીરી માટે ખૂબજ મોટો બદલાવ છે અને આયકર વિભાગ તેને સહર્સ રીતે આવકારે પણ છે. વાત સાચી છે કે આ નવી પ્રણાલીથી થોડી તકલીફો પડે છે પણ આવનારા દિવસો માટે આ સીસ્ટમ ખૂબજ ઉપયોગી નિવડશે અને જે સમસ્યાઓ ઉદ્ભવ થશે તેનું ત્વરીત નિરાકરણ ઈ-એસેસ્મેન્ટના કારણે થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.