Abtak Media Google News

બાબા આદમના જમાનાના હથિયારોને તિલાંજલિ આપી સેનાને આધુનિક હથિયારોથી સજ્જ કરવા તરફ વધુ એક પગલું

ઓર્ડરથી ૨૦૦ થી વધુ ભારતીય કંપનીઓને સંરક્ષણ નિર્માણમાં મોટી તક મળશે: ૮ હજાર લોકોને રોજગારીની તક 

સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન આર્મી માટે ૧૧૮ મેઇન બેટલ ટેન્ક(એમબીટી) અર્જુન ખરીદવા માટે રૂ. ૭૫૨૩ કરોડ રૂપિયાની સમજૂતી કરી છે. સંરક્ષણ મંત્રાલયે અર્જુન એમકે-૧એ ટેન્ક ખરીદવાનો ઓર્ડર હેવી વેહિકલ્સ ફેક્ટરી(એચવીએફ) અવાડી-ચેન્નાઇને આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એમબીટી એમકે-૧એ અર્જુન ટેન્કનું નવું મોેડેલ છે. જેમાં ૭૨ નવી વિશેષતાઓ અને એમકે-૧ મોડેલ કરતા વધારે સ્વદેશી ઉપકરણો છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન આર્મી માટે ૧૧૮ મેઇન બેટલ ટેન્ક(એમબીટી) અર્જુન  ખરીદવા માટે હેવી વેહિકલ્સ ફેક્ટરી (એચવીએફ), અવાડી, ચેન્નાઇને ઓર્ડર આપ્યો છે.

ટેન્ક વજનદાર આયુધ છે. સામાન્ય રીતે ટેન્કનું વજન ૪૦ ટનથી વધારે હોય છે. એવી ટેન્ક ઝડપી હોય, તેનો ફાયરીંગ પાવર સંતોષકારક હોય અને આમ-તેમ સરળતાથી મૂવ થઈ શકે એવી ચપળ હોય એ બહુ જરૂરી છે. આ ટેન્ક મેઈન બેટલ ટેન્ક (એમટીબી) તરીકે ઓળખાય છે. નામ પ્રમાણે એ યુદ્ધમાં મેઈન એટલે કે મુખ્ય રોલ ભજવે છે.આ ટેન્ક ડીઆરડીઓ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. તેનો ફાયરિંગ રેટ- મિનિટદીઠ ૬ થી ૮ રાઉન્ડ છે. જેમાં વિવિધ ૭૨ પ્રકારની નવી સુવિધાઓ ઉમેરાઈ છે. આ ટેન્ક વિશ્વની સૌથી અત્યાધુનિક ટેન્ક ગણાય છે. અર્જુન ટેન્કમાં કુલ ૧૪ વખત સુધારા થયા છે. લેટેસ્ટ મોડેલ એમકે-૧એ તરીકે ઓળખાય છે. ટેન્કની મુખ્ય ગનનો વ્યાસ ૧૨૦ મિલિમીટરનો છે. ઉપરાંત અન્ય બે મશીનગન પણ ફીટ થયેલી છે.

આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ૭૫૨૩ કરોડ રૂપિયાના આ ઓર્ડરથી સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા પહેલને વેગ મળશે અને આ આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોેટું પગલું ગણાશે. મંત્રાલયે જણાવ્યું છે કે, આ ટેન્ક દિવસ અને રાતના સમયે લક્ષ્યાંકને વિંધ્વાની સાથે તમામ પ્રકારના વિસ્તારોમાં સહજ ગતિશિલતા સુનિશ્ચિત કરશે.

આ ટેન્ક ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ) દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે.  હેવી વ્હીકલ ફેક્ટરીને મળેલા આ ઓર્ડરથી એમએસએમઇ સહિત ૨૦૦ થી વધુ ભારતીય કંપનીઓ માટે સંરક્ષણ નિર્માણમાં એક મોટી તક ઉપલબૃધ બનશે અને ૮૦૦૦ લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ બનશે.

સંરક્ષણ સામગ્રી આઝાદી પછી ભારત પરદેશથી આયાત કરતું હતું. પણ આયાતની સ્થિતિ કાયમી ન રહે એટલા માટે ઓર્ડેનન્સ ફેક્ટરી સ્થાપવામાં આવી. સરકારે બનાવેલું ઓર્ડેનન્સ ફેક્ટરી બોર્ડ આ બધા કારખાનાની દેરખેર રાખે અને જરૃરી શસ્ત્ર-સરંજામ ઉત્પાદન કરતી રહે. નવી ટેકનોલોજીને પહોંચી વળાય અને ખાસ તો ભારતની જરૃરિયાત પ્રમાણેના શસ્ત્રો મળી શકે એટલા માટે સરકારે બીજી તરફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સ્થાપ્યું. એ નવું શસ્ત્ર તૈયાર કરે, પછી કારખાનામાં તેનું ઉત્પાદન થાય. એ રીતે લશ્કરી મોરચે સ્વાવલંબી બનવા માટે ભારતના પ્રયાસો દાયકાથી ચાલુ છે, હવે તેમાં જરા વેગ આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.