Abtak Media Google News

અનેક દેશોના 60 પ્રતિનિધીઓની ઉપસ્થિતિ, ફિલ્મ ટુરિઝમ અને ઇકો ટુરિઝમ મુદ્દે થશે મહત્વપૂર્ણ ચર્ચા : એનએસજી અને માર્કોસ કમાન્ડો ખડેપગે

સીમા નજીકના વિસ્તારોમાં એલર્ટ વચ્ચે શ્રીનગરમાં આજથી જી 20 બેઠકનો પ્રારંભ થયો છે. જેમાં વિવિધ દેશોના 60 જેટલા પ્રતિનિધિઓની હાજરી રહી છે. બીજી તરફ આ બેઠકમાં ફિલ્મ ટુરિઝમ અને ઇકો ટુરિઝમ મુદ્દે થશે મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે.

Advertisement

આજથી શ્રીનગરમાં કડક સુરક્ષા વચ્ચે જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય બેઠક શરૂ થઈ છે. શ્રીનગરના ડાલ સરોવરના કિનારે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત બેઠકમાં વિવિધ રાષ્ટ્રોના 60 કરતા પણ વધારે પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. ડાલ સરોવરની સુરક્ષા માર્કોસ કમાન્ડો દ્વારા કરવામાં આવી રહી છે.

બેઠકને માટે લાલચોક સહિત અનેક વિસ્તારોમાં એનએસજી કમાન્ડોએ ધામા નાખ્યા છે. ડાલ સરોવરના કિનારે બુલેવાર્ડ રોડ પર ત્રણ દિવસ સુધી વાહનવ્યવહાર પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બોર્ડરથી નિયંત્રણ રેખા સુધી એલર્ટ છે. કઠુઆ, સાંબા, જમ્મુ, રાજોરી, પુંછ, બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરાના સરહદી જિલ્લાઓમાં જવાનોને આઈબી અને એલઓસી પર વધુ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

કોન્ફરન્સના પ્રથમ દિવસે પ્રતિનિધિઓ બપોરે એસકેઆઇસીસી ખાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. બીજા દિવસે આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક જાળવણી માટે ફિલ્મ ટુરિઝમ પર સેશન હશે જેથી ફિલ્મ ટુરીઝમને પ્રોત્સાહન મળી શકે. આ સાથે ઈકો ટુરીઝમ પર અલગ સેશન પણ યોજાશે.

જી-20માં હાજરી આપનાર પ્રતિનિધિઓ પરી મહેલ, અને મુગલ ગાર્ડનની મુલાકાત લેશે. આ સાથે તેઓ પોલો વ્યુ માર્કેટની પણ મુલાકાત લેશે જેનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રને આશા છે કે આ આયોજનથી જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવામાં મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.