Abtak Media Google News

ઑફ-સ્પિનર હરભજન સિંહે ગુરુવારે અહીં એક સમારંભ કે જેમાં ક્રિકેટ બોર્ડનું સંચાલન કરતી કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના વડા વિનોદ રાય હાજર હતા, એમાં પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભારતે ડેનાઇટ ટેસ્ટ-મેચને અપનાવી લેવી જોઈએ અને પિન્ક બોલ વિશેના કોઈ પણ પ્રકારનો ડર પોતાનામાં હોય તો એ કાઢી નાખવો જોઈએ.

Advertisement

ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસમાં ઍડિલેઇડ ખાતેની પ્રથમ ટેસ્ટ ડેનાઇટ ટેસ્ટ તરીકે રાખવાનો ઑસ્ટ્રેલિયાનો આગ્રહ રહ્યો છે, પરંતુ ભારતીય બોર્ડે ચોખ્ખી ના પાડી દેતાં માર્ક વો અને ઇયાન ચેપલે ભારતની ટીકા કરી છે.ભજ્જીએ વધુમાં કહ્યું હતું કે મને એ નથી સમજાતું કે ભારત ડેનાઇટ ટેસ્ટ રમવાની ના કેમ પાડે છે. આ બહુ રસપ્રદ ફોર્મેટ છે અને અન્યોની જેમ આપણે પણ એ અજમાવવી જોઈએ. હું તો કહું છું કે ડેનાઇટ ટેસ્ટ આપણે રમવી જ જોઈએ.

પિન્ક બોલથી રમવામાં ડર શેનો લાગે છે એ પણ મને નથી સમજાતું. રમવાનું ચાલુ કરશો એટલે એને ઍડ્જસ્ટ થવાનું ફાવી જશે. સીઓએ તરફથી ભારતીય ટીમને ટેકો મળ્યો છે. ભારતીય ટીમનું એવું વલણ છે કે પિન્ક બોલની પૂરી ચકાસણી ન થાય ત્યાં સુધી (૧૮ મહિના સુધી) એનાથી ક્રિકેટ રમાવી ન જોઈએ.

ઑસ્ટ્રેલિયામાં ભારત ક્યારેય ટેસ્ટ-શ્રેણી નથી જીત્યું. ઑસ્ટ્રેલિયા ઍડિલેઇડમાં ત્રણ ડેનાઇટ ટેસ્ટ (ન્યૂ ઝીલેન્ડ, સા.આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે) રમ્યું છે અને ત્રણેયમાં જીત્યું છે. અમુક કાંગારું પ્લેયરો કહે છે કે ભારતને આ વખતે સિરીઝ જીતવી જ છે એટલે એ ડેનાઇટ ટેસ્ટ-ક્રિકેટમાંના અમારા પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને અમારી સામે રમતા ડરે છે.

વિનોદ રાયે સંબોધનમાં કહ્યું હતું કે દરેક ટીમ સિરીઝ જીતવા જ માગતી હોય અને એટલે જ આપણે આપણી ટીમને શક્ય એટલો સારો મોકો અપાવવા માગીએ છીએ. ડેનાઇટ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનો મિચલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડ સામે મુસીબતમાં આવી શકે એવા મંતવ્યના જવાબમાં હરભજને કહ્યું હતું કે આઉટ થઈ જઈએ તો શું થયું? તેમને મુશ્કેલીમાં મૂકવા આપણી પાસે પણ સારા ફાસ્ટ બોલરો છે. ટેસ્ટ-ક્રિકેટમાં આપણે નવા હતા ત્યારે માત્ર એસજી બોલથી જ રમવાનું જાણતા હતા. ધીમે-ધીમે આપણને કૂકાબુરા અને ડ્યૂક્સ બોલ પણ ફાવતા ગયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.