Abtak Media Google News

મોનેટરી પોલિસીની ત્રણ દિવસની બેઠક બાદ ગવર્નરની વ્યાજદર 6.5 ટકા જ જાળવી રાખવાની સત્તાવાર જાહેરાત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો આજે જાહેર કરાયા છે. જેમાં રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ 6.5 ટકા પર યથાવત રહેશે તેવી સત્તાવાર જાહેરાત કરી છે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠક બાદ જાહેરાત કરી કે બેંકો મજબૂત છે. એનપીએમાં ઘટાડો થયો છે. કોર્પોરેટ બેલેન્સ શીટ મજબૂત થઈ છે. ભારતના મજબૂત મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ યથાવત છે. ભારતીય અર્થતંત્ર મજબૂત છે. આરબીઆઇ ગવર્નરે કહ્યું છે કે શાકભાજીના ભાવમાં વધારાને કારણે મોંઘવારી પર અસર પડી છે. જુલાઈ-ઓગસ્ટમાં ફુગાવો વધવાની ધારણા છે.

સેન્ટ્રલ બેંકે આ વર્ષે ફેબ્રુઆરી 2023 થી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે તેને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. છ સભ્યોની એમપીસીની બેઠકમાં આ વખતે પણ પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ એપ્રિલ અને જૂનમાં યોજાયેલી બેઠકમાં પણ તેમનામાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. ફુગાવાને અંકુશમાં લેવા માટે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફુગાવાના ઊંચા સ્તરને નિયંત્રિત કરવા માટે ગયા વર્ષે મે 2022 થી રેપો રેટમાં વધારો કરવાનું શરૂ કર્યું અને તેને વધારવાની પ્રક્રિયા ફેબ્રુઆરી 2023 સુધી ચાલુ રહી હતી.

ભારત અન્ય દેશોની તુલનાએ આર્થિક પડકારોનો સામનો કરવા માટે વધુ સક્ષમ

શક્તિકાંત દાસે જણાવ્યું કે, એમપીસીની બેઠક દરમિયાન તમામ સભ્યો સર્વસંમતિથી વ્યાજ દરો સ્થિર રાખવાના પક્ષમાં હતા. તેમણે એમ પણ જણાવ્યું કે વૈશ્વિક સ્તરે વ્યાજ દર લાંબા સમય સુધી ઊંચા રહેશે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ફુગાવો અને દેવાના પડકારો યથાવત છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ભારત અન્ય દેશોની સરખામણીએ આર્થિક પડકારોનો સામનો કરવા માટે વધુ સક્ષમ છે.

ભારત વિશ્વ વૈશ્વિક વૃદ્ધિમાં 15 ટકા યોગદાન આપી રહ્યું છે

મોનીટરીંગ પોલિસીની મીટિંગ પછી, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે આપણી અર્થવ્યવસ્થા વાજબી ગતિએ આગળ વધી રહી છે અને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે અને વૈશ્વિક વૃદ્ધિમાં લગભગ 15% યોગદાન આપી રહી છે.

કોર્પોરેટ સેક્ટરની બેલેન્સ શીટ મજબૂત

આરબીઆઈ ગવર્નરે દેશના કોર્પોરેટ સેક્ટરની સ્થિતિને પણ સારી ગણાવી હતી. તેમણે કહ્યું કે કોર્પોરેટ સેક્ટરની બેલેન્સ શીટ મજબૂત છે અને કંપનીઓની નફાકારકતા વધી રહી છે. વિદેશી મુદ્રા ભંડાર અંગે દાસે કહ્યું કે તે બાહ્ય જોખમોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમણે કહ્યું કે મેક્રો નાણાકીય સ્થિરતા વધારવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.