Abtak Media Google News

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઑસ્ટ્રલિયાની ટીમે જીત મેળવી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ભારતે 240 રન કર્યા હતા. જે લક્ષ્યાંક ઑસ્ટ્રેલિયાએ 43 ઓવર અને 4 વિકેટના નુકસાને પાર કરી લીધું હતું. જેની સાથે ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે.

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે વિરાટ કોહલી : મેન ઓફ ધ મેચ બનતો ટ્રેવિસ હેડ, ફટકારી સદી

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શરૂઆત સારી કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ મજબૂત શરૂઆત અપાવીને 31 બોલમાં 47 રન કર્યા હતા, પરંતુ પછીથી કેચ આઉટ થઈ જતાં સ્કોરબોર્ડ ધીમું પડ્યું હતું. બીજી તરફ, ઓપનર શુભમન ગિલ વધુ રન બનાવી ન શક્યા અને માત્ર 4 રન પર પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ શ્રેયસ ઐયર પણ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ જતાં ટીમ દબાણ હેઠળ આવી ગઈ હતી, પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે બાજી સંભાળી લીધી હતી અને એક ગતિ પકડાવી હતી. પરંતુ 29મી ઓવરમાં વિરાટ કોહલી આઉટ થતાં ફરી ઝાટકો લાગ્યો હતો. ત્યારબાદ ધીમી ઝડપે સ્કોરબોર્ડ આગળ વધતું રહ્યું અને સ્કોર 240 સુધી પહોંચી શક્યો હતો.

241 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં મેચ જીતી લીધી હતી. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ સહિત ત્રણેય વિભાગોમાં શાનદાર હતું. ઓપનર ટ્રેવિસ હેડ અને પાંચમા નંબરના માર્નસ લાબુશેનની જોડીએ ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. બંને બેટ્સમેનોએ ચોથી વિકેટ માટે 192 રનની ભાગીદારી કરી હતી, જેની સામે તમામ ભારતીય બોલરો નિષ્ફળ રહ્યા હતા. હેડે સદી ફટકારી હતી અને લાબુશેને અડધી સદી ફટકારી હતી. બંને બેટ્સમેનોએ સમજદારીપૂર્વક ઈનિંગને આગળ વધારી અને કાંગારૂ ટીમને જીત તરફ દોરી ગયા.

ભારતીય ટીમ છેલ્લે વર્ષ 2011માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ પછી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 2023માં ટીમ ઇન્ડિયા ફરી પોતાની ધરતી પર આવી જ સિદ્ધિ મેળવશે. પરંતુ ફાઇનલ મેચમાં બધુ જ બદલાઇ ગયું અને સતત જીતતી ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે વર્લ્ડકપની ફાઇનલ મેચ 2003માં રમાઇ હતી. તે સમયે કાંગારુ ટીમે રિકી પોન્ટિંગની કેપ્ટન્સીમાં ભારતને હરાવ્યું હતું, હવે બરાબર 20 વર્ષ બાદ પેટ કમિન્સે પણ આવું જ કમાલ કરી અને ભારત સામે વિજય મેળવ્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી વિશ્વકપની ફાઈનલ મેચ નિહાળવા માટે સેલેબ્સ અને મહાનુભાવોનો જમાવડો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેચ નિહાળવા આવી પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી મિનિસ્ટર, ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજકિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ફિલ્મ સેલિબ્રિટી શાહરૂખ ખાન, અનિલ કપુર, દીપિકા પાદૂકોણ, રણવિર સિંહ સહિતના સ્ટાર્સ અને કપિલ દેવ સહિતના પૂર્વ ક્રિકેટર ફાઇનલ મેચ જોવા આવી પહોંચ્યા હતા.

ભારતે 97 બોલમાં બઉન્ડરી ફટકારી નહિ

વિશ્વકપમાં ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવ્યું હતું જેમાં શરૂઆતની 10 ઓવર ભારત માટે ખૂબ સારી રહી હતી પરંતુ મિડલ ઓવરમાં વિકેટ પડતાની સાથે એક શરમજનક રેકોર્ડ પણ સર્જાયો હતો જેમાં ભારતીય ટીમ એ સળંગ 97 બોલમાં એક પણ બાઉન્ડ્રી ફટકારી ન હતી અને પરિણામ સ્વરૂપે ભારતીય ટીમ માત્ર 240 રન જ બનાવી ઓલઆઉટ થઈ. કપ માં સેમિફાઇનલ સુધી ભારત એક પણ મેચ હાર્યું નથી અને ઓલ આઉટ પણ નહોતું થયું પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ચુસ્ત બોલિંગ ના પગલે ભારતીય ટીમ 240 માં જ સમેટાઈ ગઈ હતી.

એર શોથી માત્ર ફેન્સ જ નહિ, ક્રિકેટરો અને કૉમેન્ટેટરો દંગ રહ્યા

એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે એર શો કર્યો હતો. એરફોર્સના વિમાનોએ આકાશમાં વિવિધ કરતબો દેખાડ્યા હતા. આ એર શો માટે અમદાવાદની એર સ્પેસ 45 મિનિટ સુધી બંધ રખાઇ હતી.અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બપોરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ-2023 ફાઈનલ મેચના આરંભ પૂર્વે, ટોસ  બાદ ભારતીય હવાઈ દળના જવાનોએ સ્ટેડિયમ પરના આકાશમાં એર-શો પ્રસ્તુત કરીને સ્ટેડિયમમાં ઉપસ્થિત 1,30,000થી વધારે દર્શકોને રોમાંચિત કરી દીધા હતા. માત્ર ક્રિકેટ સેન્સ જ નહીં ક્રિકેટરો અને કોમેન્ટરો પણ દંગ રહી ગયા હતા.

ધીમી બેટિંગ સાથે માત્ર 240 રનજ કરી શકી ભારત

અત્યાર સુધી ભારતીય ક્રિકેટ ટીમે દરેક મેચમાં આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. ફાઇનલ મેચમાં જે ધારણા રન માટે કરવામાં આવી હતી તેમાં ભારતીય ટીમ ઉતરી હતી પ્રથમ 10 ઓવરના પાવર પ્લેને બાદ કરતા ભારતીય ટીમ દરેક ઓવરમાં નબળી પુરવાર થઈ હતી અને ધીમી રમતના પગલે માત્ર 240 રન જ કરી શકી હતી. મેચ પૂર્ણ થયા બાદ ટીમના કોચ રાહુલ દ્રવિડ પણ ટીમના પ્રદર્શનથી નાખુશ રહ્યા હતા અને જણાવ્યું હતું કે છેલ્લા દિવસે એટલે કે મહા જંગ માં ભારતીય ખેલાડીઓએ પોતાની ક્ષમતા મુજબની રમત રમ્યા ન હતા. તેમના બેટ્સમેનો કોઈપણ વિપક્ષે ટીમને હંફાવામાં સક્ષમ છે પરંતુ તેની ઉણપ ફાઇનલમાં જોવા મળી હતી.

કંગરુની ચુસ્ત ફિલ્ડિંગ : ભારતીય ટીમના 45 થી વધુ રન રોક્યા

અત્યાર સુધીના મેચોમાં ઓસ્ટ્રેલિયાની ટીમ અસંગઠિત થઈ ક્રિકેટ રમી હતી પરંતુ ફાઇનલ મેચમાં જે સંગઠન શક્તિ ભારતમાં જોવા મળતી હતી તેનું હૂબહૂ રૂપ ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યું હતું. ટીમે સારી બોલિંગ તો કરી જ પરંતુ ચુસ્ત ફિલ્ડીંગ નું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે 45 થી પણ વધુ રન રોક્યા હતા અને જેની અસર ભારતીય ટીમના ફાઇનલ સ્કોર ઉપર પણ પડી હતી. ઓસ્ટ્રેલિયન ઇનિંગમાં ભારતીય ફિલ્ડરો દ્વારા જે ફિલ્ડિંગનું સ્તર જોવા મળતું તેમાં પણ અભાવ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.