Abtak Media Google News

તલાટી મહામંડળે નાછૂટકે સરકાર સામે બાંયો ચઢાવી, પડતર પ્રશ્ર્નોના ઉકેલની માંગ સાથે મંગળવારથી અચોક્કસ મુદદ્દતની હડતાલનું એલાન

જવાબદારીઓ અનેક અને સાથે પણ પ્રશ્નો પણ અનેક ધરાવતા તમામ ગામોના વહીવટી વડા એવા તલાટી કમ મંત્રીઓ સાથે છેલ્લા ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો છે. આ મામલે સરકારે ગંભીરતા ન દાખવતા અંતે તલાટી મહામંડળે નાછૂટકે સરકાર સામે બાયો ચઢાવી છે અને પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે મંગળવારથી હડતાલનું એલાન કર્યું છે.

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદી અને ઉપપ્રમુખ ચિરાગભાઈ ગેરૈયાએ આ અંગે જણાવ્યું કે અગાઉ તેઓએ ગત ઓક્ટોબર માસમાં તલાટી મંત્રીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને લડત ચલાવી રહ્યા હતા. પણ ત્યારે મંત્રીઓએ બેઠક કરીને આ પ્રશ્નોનો નિવેડો લાવવાની ખાતરી આપી હતી. તેમ છતાં પણ હજુ સુધી આ પ્રશ્નોને નિવરવામાં આવ્યા નથી. જે બદલ મહામંડળે હવે આગામી મંગળવારના રોજથી રાજ્યભરમાં અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરીશું. મહામંડળે આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી છે.

વર્ગ – Iii તલાટી કમ મંત્રી 667 ભરતી | Career Way Academy

જેમાં વર્ષ 2004થી 2006 સુધીની ભરતીના તલાટી મંત્રીઓની 5 વર્ષની ફિકસ નોકરી સળંગ ગણવા, સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની જગ્યાઓની વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગમાં અપડેટ કરવામાં આવતા તારીખ 1/1/2016 ત્યારબાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા અને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લેવા સારું પરીક્ષા રદ કરવા, રેવન્યુ તલાટીને પંચાયત તલતીમાં મર્જ કરવા અથવા તો જોબ ચાર્ટ અલગ કરવામાં આવે, તા.1/1/2016 બાદ મળવાપાત્ર પ્રથમ તથા દ્વિતીય પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવી, પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટી મંત્રીને ન સોંપવા અને જો સોંપવામાં આવે તો વધારાનું ભથ્થું આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.

2004-06 દરમિયાન ભરતી થયેલા તલાટીઓ સાથે તો અન્યાયની તમામ હદપાર

2004, 2005 અને 2006 આ ત્રણ વર્ષ દરમિયાન ભરતી થયેલા તલાટીઓ સાથે તો સરકારે અન્યાયની તમામ હદપાર કરી દીધી છે. તેઓની નોકરી સળંગ ગણવામાં આવી ન હોય તેઓને 18થી 20 વર્ષ થઈ ગયા હોવા છતા હજુ પણ હાયર ગ્રેડનો લાભ મળ્યો નથી. હવે બન્યું છે એવું કે આ દરમિયાન ભરતી થયેલા તલાટીઓ કરતા તેના જુનિયરો પ્રમોશનમાં અને પગારમાં આગળ વધી ગયા છે.

ગામમાં જન્મથી લઈ મરણ સુધીની કામગીરી તલાટીઓ પાસે!!

તલાટી કમ મંત્રીઓ ઉપર કામના બોજનો અણસાર માત્ર એ વાત ઉપરથી જ લગાવી શકાય કે ગામમાં જન્મથી લઈ લગ્ન અને મરણ સુધીના રેકોર્ડની જવાબદારી તલાટી કમ મંત્રીઓના શિરે હોય છે. ઉપરાંત ખેતીનું ધોવાણ થાય કે પશુ કોઈ રોગથી મરે તે બધું જ તલાટી કમ મંત્રીના કાર્યક્ષેત્રમાં આવે છે.

મહેકમમાં 40%ની ઘટ હોવાથી કામનું ભારણ

રાજ્યમાં અત્યારે અંદાજે 10 હજાર જેટલા તલાટી કમ મંત્રીઓ ફરજ બજાવી રહ્યા છે. સામે 4500 જેટલી મહેકમની ઘટ છે. આ ખાલી મહેકમ ઉપર સરકારે ભરતી કરી ન હોવાથી તલાટી કમ મંત્રીઓ ઉપર કામનું ભારણ વધુ રહે છે. એક તલાટી મંત્રી પાસે અનેક ગામોની ફરજ હોય છે.

તલાટી મંત્રીના કાર્યક્ષેત્રમાં 537 જેટલી કામગીરી!!

 

સરકારની એકમાત્ર એવી પોસ્ટ તલાટી કમ મંત્રી છે જેના કાર્યક્ષેત્રમાં સૌથી વધુ 537 જેટલી કામગીરીનો સમાવેશ થાય છે. સરકારની વિવિધ યોજનાઓના ફોર્મમાં તલાટી કમ મંત્રીની સહી જ માન્ય ગણવામાં આવે છે. આટલી કામગીરી ખુદ તલાટી કમ મંત્રીઓને પણ યાદ રાખવી મુશ્કેલ બનતી હોય છે એટલે દરરોજ નવા પડકારો સાથે કામગીરી કરવાની થતી હોય છે.

રેવન્યુ તલાટીની ભરતીના 12 વર્ષ પછી પણ જોબ ચાર્ટ નથી બન્યો

ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે કે સરકારે એક રેવન્યુ તલાટીની પોસ્ટ ઉભી કરી પણ તેનો જોબ ચાર્ટ હજુ સુધી બનાવવામાં આવ્યો નથી. સરકારે વર્ષ 2010માં મહેસુલી કામ માટે રેવન્યુ તલાટીની ભરતી કરી. જેને આજે 12 વર્ષ થયા છે તેમ છતાં સરકાર હજુ પણ તેને શું કામગીરી કરવી તે જાહેર કરી શકી નથી. પરિણામે રેવન્યુ તલાટીને મામલતદાર સહિતની ઓફિસેથી જે કામગીરી સોંપવામાં આવે તે કરવા મજબુર બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.