Abtak Media Google News

જમીન સંપાદન કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવાની કામગીરી શરૂ કરાશે, 2036ના ઓલિમ્પિકમાં ગુજરાતને યજમાન બનાવવા અત્યારથી જ તૈયારીઓ શરૂ

2036નું ઓલિમ્પિક ભારતમાં થાય તે માટેની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા આરંભી દેવામાં આવી છે. આ ઓલિમ્પિકનું આયોજન અમદાવાદની આસપાસ થાય સ્પોર્ટ્સ ફેસિલિટી ઉભી કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા ભાટ ગામ પાસે 9.5 લાખ સ્ક્વેર મીટર જમીન પસંદ કરીને તે અંગે વધુ વિચારણા કરવામાં આવી રહી છે.

Images 2022 07 01T110619.776

ટીપી સ્કીમ 238 અને 80માં આવતી જે જમીન જોવામાં આવી છે તે જમીન ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, સરદાર સરોવર નિગમ લિમિટેડ  અને વન વિભાગ જેવી વિવિધ સરકારી વિભાગોની છે. હવે આ જે જમીન પર પસંદગી ઉતારવામાં આવી છે ત્યાં સ્પોર્ટ્સને લગતી જરુરી સુવિધાઓ ઉભી કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે, જ્યાં સ્પોર્ટ પર્સનને રહેવા માટેની જગ્યા હોય અને અહીં મેચ જોવા માટે આવનારા દર્શકો રહી શકે તે માટે હોટલની વ્યવસ્થા હોય. ઔડાએ બોપલ નજીક મણિપુર-ગોધાવી ખાતે 200 એકર જમીન પર ઓલિમ્પિક્સ વિલેજ અને રમત પ્રશિક્ષણ સુવિધાઓ સ્થાપવાની પ્રક્રિયામાં પણ છે.

રાજ્ય સરકારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની નજીકમાં 236 એકર જમીન પર સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું પણ આયોજન કર્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઔડાએ પ્રાઇસ વોટર હાઉસ કૂપર્સને એવી જમીન ઓળખવા માટેની કામગીરી સોંપી હતી, કે જેનો ઉપયોગ ઓલિમ્પિક માટે સુવિધાઓ ઊભી કરવા માટે થઈ શકે, સંસ્થાએ તેના અહેવાલમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પહેલેથી જ તૈયાર રમતગમત સુવિધાઓનો સર્વે કર્યો હતો કે ત્યાં ઓલિમ્પિક રમતો યોજવા માટે યોગ્ય છે કે નહીં. આ સંસ્થાએ જમીનની પણ ઓળખ કરી હતી જે ઓલિમ્પિક માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે ઉપલબ્ધ કરાવી શકાય છે. રિપોર્ટ અનુસાર ઔડાએ 9.5 લાખ ચોરસ મીટર જમીનની ઓળખ કરવામાં આવી છે.

વધુમાં આ અંગે સૂત્રોએ જણાવ્યું છે કે, ઔડા ઓલિમ્પિક સેલના અધિકારીઓ જે જમીન પર પસંદગી ઉતારવામાં આવી છે તેને સંપાદિત કરવા માટે સરકારી વિભાગો સાથે વાતચીત કરી રહ્યા છે. જેમાં ઔડાએ ટાઉન પ્લાનિંગ માટે કપાત કરેલી જમીનનો પણ સમાવેશ કરવા અંગે વિચારણા ચાલી રહી છે, જેથી તેનો ઓલિમ્પિક ગામ ઉભું કરવા માટે ઉપયોગ કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.